Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Rain : રાજ્યમાં આફતનો વરસાદ, ચોમાસાએ લીધો 99 નો ભોગ...

gujarat rain   રાજ્યમાં આફતનો વરસાદ  ચોમાસાએ લીધો 99 નો ભોગ

આગામી 2 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ (Gujarat Rain) ની આગાહી કરવામાં આવી છે. MPનું ડીપ ડિપ્રેશન ગુજરાત પરથી પસાર થઇ રહ્યું હોવાથી આગામી 48થી 72 કલાક સુધી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અહીં આપ ગુજરાતમાં વરસાદની સ્થિતી અંગે વાંચો પળે પળની અપડેટ

Advertisement

ચોમાસાએ લીધો 99 નો ભોગ

August 27, 2024 3:23 pm

Advertisement

ગુજરાતના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિકસેલું ડિપ્રેશન ધીમે ધીમે ગુજરાત તરફ આવ્યું હતું અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે અમે દરેક જિલ્લામાં NDRF અને SDRF તૈનાત કર્યા છે અને હવે અમે આર્મીને પણ સ્ટેન્ડબાય રહેવા કહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા બે-ત્રણ દિવસથી થયેલા વરસાદને કારણે એક ટ્રેક્ટર વહી ગયું હતું. મોરબી જીલ્લામાં બનલી આ ઘટનામાં 18-20 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી 10ને બચાવી લેવામાં આવ્યા છે અને 8 હજુ પણ લાપતા છે. બીજી તરફ નર્મદા ડેમ પણ લગભગ ભરાઈ ગયો છે.. મુખ્યમંત્રી સતત અમારા સંપર્કમાં છે.ચોમાસામાં અત્યાર સુધીમાં લગભગ 1700 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 99 લોકોના મોત થયા છે.

રાજકોટમાં જળબંબાકાર

August 27, 2024 3:19 pm

Advertisement

રાજકોટમાં ખાબકેલા અતિ ભારે વરસાદથી રાજકોટવાસીઓની સ્થિતી કફોડી બની છે. ભારે વરસાદના કારણે સમગ્ર શહેરમાં પાણી ફરી વળ્યા છે. લોકોના મકાનોમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરમાં પાણી ધુસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

પૂરના કારણે વડોદરામાં જનજીવન અસ્તવ્યસ્ત

August 27, 2024 3:16 pm

અતિ ભારે વરસાદના કારણે તથા વિશ્વામિત્રી નદીમાં ઘોડાપૂર આવવાના કારણે વડોદરા શહેર જળબંબાકાર બન્યું છે. શહેરના તમામ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. લોકો ઘરમાં પુરાઇ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના રેસ્ક્યુ શરુ કરાયા છે. તો બીજી તરફ લોકોના ઘરોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે.

રાજકોટમાં પાણીના પ્રવાહમાં બાઈક ચાલક તણાયો

August 27, 2024 3:09 pm

રાજકોટમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી છે. રાજકોટના પોપટપરા ગરનાળામાં બાઇક તાલક તણાયો છે તેવા અહેવાલ મળી રહ્યા છે. બીજી તરફ જસદણ નજીક આવેલ હોડથલી ગામની નદીમાં ધોડાપૂર આવ્યા બાદ કોઝ વેમાં કાર ચાલક તણાયો હતો. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કાર તણાતા લોકો ભેગા થઇ ગયા હતા અને ચેક ડેમથી અડધો કિલોમીટર દુર કાર ચાલક યુવકનું રેસ્ક્યુ કરાયું હતું.

અમદાવાદમાં વરસાદના પગલે ખાનગી શાળાઓમાં રજા જાહેર કરાઈ

August 27, 2024 2:56 pm

આગામી ૨૪ કલાક ભારે વરસાદની આગાહીના પગલે અમદાવાદમાં આવતીકાલે પણ શાળામાં રજા જાહેર કરાઈ છે. ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં વરસાદના પગલે રેડ એલર્ટ

August 27, 2024 2:53 pm

ભરૂચ જિલ્લામાં વરસાદના પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે સાથે સરદાર સરોવર ડેમમાં પણ ઉપરવાસમાં વરસેલા વરસાદના પાણીની આવક થવાના કારણે ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવતા નર્મદા નદીમાં પણ પૂરની પરિસ્થિતિ ઉભી થાય તેવી શક્યતા છે. નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે જેના પગલે ઘણા નીચાણવાળા ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે

રાજકોટની ધરોહર લોકમેળો આખરે રદ કરાયો

August 27, 2024 2:51 pm

રાજકોટમાં ભારે વરસાદના કારણે ઉભી થયેલી પરિસ્થિતી તથા હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને રાજકોટનો લોકમેળો રદ કરવામાં આવ્યો છે. લોકમેળો પ્રારંભ થયા પછી રેસકોર્સ મેદાન બેટ જેવું બન્યું હતું. વહીવટી તંત્ર આયોજીત જન્માષ્ટમીનો પાંચ દિવસનો મેળો આખરે રદ કરાયો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સમીક્ષા કરશે

August 27, 2024 2:38 pm

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે મંગળવારે 27 ઓગસ્ટ ના બપોરે 4 વાગ્યે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી રાજ્યના જિલ્લા કલેકટરો અને મ્યુનિસિપલ કમિશનરો સાથે વિડિયો કોન્ફરન્સ કરીને વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરશે.

ગુજરાતમાં બચાવ કાર્ય માટે કેન્દ્ર સરકારે આર્મી મોકલી

August 27, 2024 2:37 pm

ગુજરાતમાં ભારે વરસાદના કારણે સર્વત્ર પૂરની સ્થિતિ સર્જાઈ છે. હજું 72 કલાક ભારે વરસાદની આશંકા છે ત્યારે ગુજરાતમાં ભારે વરસાદની આપત્તિમાં રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની 6 કોલમ ફાળવી છે. આ આર્મીની કોલમ વરસાદથી વધુ અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી છે.

વડોદરા હરણી વિસ્તાર પાણી ગરકાવ

August 27, 2024 2:34 pm

વડોદરામાં ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે અને પૂરના પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યા છે.તમામ વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયા છે. શહેરના હરણી વિસ્તારમાં 2 કિમી સુધીના રસ્તા પર કેડ સમા પાણી ભરાયા છે જેથી સ્થાનિક રહિશોની હાલત કફોડી બની છે.

રાજ્યમાં ભારે વરસાદના પગલે મંત્રીઓને પ્રભારી જીલ્લાઓમાં જવા સૂચના

August 27, 2024 2:30 pm

રાજ્યમાં ભારે વરસાદના પગલે મંત્રીઓને પ્રભારી જીલ્લાઓમાં જવા સૂચના અપાઇ છે. તમામ મંત્રીઓને જિલ્લાઓમાં જઈને સંકલન કરી વ્યવસ્થા કરવા સુચના અપાઇ છે. મુખ્યમંત્રી દ્વારા તમામ મંત્રીઓ ને પ્રભારી જીલામાં પહોંચવા માટે સૂચના અપાઇ છે.

ચોટીલા તાલુકામાં ભારે વરસાદને પગલે હબિયાસર ગામ પાસેનો પૂલ થયો ધારાશયી

August 27, 2024 2:23 pm

ચોટીલા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે હબિયાસર ગામ પાસેનો પુલ ધારાશયી થયો છે. અંદાજે 5 થી વધુ ગામોને જોડતો પુલ ભારે વરસાદને પગલે ધરાશયી થતા તમામ ગામોના લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. જો કે પુલ ધરાશયી થતી વખતે સદનસીબે કોઈ ત્યાંથી પસાર થતું નહિ હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. તંત્ર દ્વારા પૂલ પરથી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે.

ગુજરાતમાં અતિવૃષ્ટિ અને જળતાંડવની સ્થિતીથી ખેતી બેન્ક બંધ

August 27, 2024 2:13 pm

રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેતી બેન્ક ની 177શાખાઓ અને 17જિલ્લા કચેરીઓમાં બેન્કીંગ કામ બંધ રાખવા નિર્ણય કરાયો છે. આજે બપોરે 3વાગ્યા પછી બેન્કીંગ કામકાજ બંધ રહેશે તેવો નિર્ણય રાજ્ય ખેતી બેન્કના ચેરમેન ડોલર કોટેચાએ કર્યો છે.

નડિયાદ-મહેમદાવાદ ને જોડતો ફોરલેન રોડ અવરજવર માટે બંધ થયો

August 27, 2024 2:09 pm

નડિયાદ થી મહેમદાવાદ-અમદાવાદ ને જોડતા રોડ પર શેઢી નદીના પાણી ફરી વળ્યા છે જેથી નડિયાદ મહેમદાવાદ ને જોડતો ફોરલેન રોડ અવરજવર માટે બંધ થયો છે. ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓમાં પૂર આવ્યા છે . વહીવટી તંત્ર દ્વારા લોકો ને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે

આગામી 3 કલાક માટે હવામાન વિભાગની આગાહી

August 27, 2024 1:17 pm

આગામી 3 કલાક માટે હવામાન વિભાગ દ્વારા કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દિવ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ,ગાંધીનગર, મહેસાણા, પાટણ, ખેડા, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, નવસારી, દમણ, બનાસકાંઠા , સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, તથા દિવ દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદ પડશે. તમામ જિલ્લામાં પ્રતિ કલાક 40થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે

અમદાવાદમાં 36 કલાકથી મેઘરાજા અનરાધાર

August 27, 2024 1:09 pm

અનરાધાર મેઘરાજાએ મેગાસિટીની હાલત ખરાબ કરી નાખી છે. અમદાવાદમાં છેલ્લાં 36 કલાકમાંથી 4થી 11 ઈંચ વરસાદ વરસ્યો છે. છેલ્લાં 36 કલાકમાં મણિનગરમાં સર્વાધિક 11 ઈંચ, નરોડામાં પણ છેલ્લાં 36 કલાકમાં 10 ઈંચ વરસાદ, ઓઢવમાં છેલ્લાં 36 કલાકમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે તો ગોતા-સાયન્સ સિટીમાં પણ 8-8 ઈંચ વરસાદ પડ્યો છે. ઉસ્માનપુરા વિસ્તારમાં 36 કલાકમાં 8 ઈંચ વરસાદ, જોધપુર વિસ્તારમાં પણ 36 કલાકમાં 8 ઈંચ વરસાદ અને રાણીપ-રામોલ વિસ્તારમાં 36 કલાકમાં 7-7 ઈંચ વરસાદ પડ્યો છે તો સરખેજ-બોડકદેવ વિસ્તારમાં 6-6 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે અમદાવાદના મોટાભાગના વિસ્તારો જળમગ્ન છે.

બનાસકાંઠા કલેક્ટરે લોકોને બહાર ના નિકળવા અપીલ કરી

August 27, 2024 1:06 pm

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેકટરે લોકોને કામ વગર ઘરની બહાર ના નિકળવા અપીલ કરી છે. કલેક્ટરે લોકોને નીચાણ વાળા વિસ્તાર, નદી નાળા નજીક ન જવા પણ અપીલ કરી છે.

શેઢી નદી બાદ હવે મહીસાગર નદીએ ધારણ કર્યું સાગરનું રોદ્ર રૂપ

August 27, 2024 1:02 pm

મહીસાગર નદીમાં પૂર આવતાં ખેડા અને વડોદરા જિલ્લાનો સંપર્ક કપાઇ ગયો છે. ગળતેશ્વર થી વડોદરાના ડેસરને જોડતો ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે અને પોલીસ કાફલો ખડકી દેવાયો છે. નીચાણવાળા વિસ્તારમાં ન જવા મુસાફરો તથા સ્થાનિકોને તંત્રએ સૂચના આપી છે. વણાંકબોરી ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી હજું પણ મહીસાગર નદીનું જળ સ્તર વધશે..

મોરબી મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા મચ્છુ નદી બે કાંઠે...

August 27, 2024 1:00 pm

મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોરબીનો બેઠો મયુર પુલ બંધ કરાયો છે અને લોકોને નીચાણવાળા વિસ્તારમાં ના જવા માટે સૂચના અપાઇ છે. મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા મચ્છુ નદીના કાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

કચ્છ પૂર્વ પોલીસ દ્વારા સામખિયાળી માળિયા હાઇવે બંધ કરાયો.

August 27, 2024 12:52 pm

મોરબી મચ્છુના 32 જેટલા દરવાજા ખોલાતા સામખિયાળી માળિયા હાઇવે બંધ કરાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા આ માર્ગ ડાયવર્ટ કરાયો છે. અમદાવાદ, રાજકોટ , જામનગર જતા તમામ વાહનોને રાધનપુર હાઇવે પર જવા ડાયવર્ઝન અપાયું છે અને ઇમરજન્સી સિવાય ઘરની બહાર ના નિકળવા અપીલ કરાઇ છે. સામખિયાળી માળિયા હાઇવે પર ત્રણથી વધુ જગ્યા ઉપર પોલીસ કાફલો તૈનાત કરાયો છે અને વાહન ચાલકોને હાઇવે પર જ થોભી જવા અપીલ કરાઇ

રાજકોટ જીલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમ ઓવર ફલો

August 27, 2024 12:49 pm

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ગણાતો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે. ધોરાજી સહિત ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે જેથી ડેમના છ દરવાજા બે ફૂટ સુધી ખોલાયા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદી ગાંડી તૂર બની છે જેથી ધોરાજી થી લઇ અને પોરબંદર સુધીના ભાદરકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે.

ગુજરાત આખુ પાણીમાં

August 27, 2024 12:42 pm

ગુજરાતમાં રવિવારથી વરસી રહેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે સ્થિતી વિકટ બની છે. એમ કહી શકાય કે આખુ ગુજરાત પાણીમાં છે. ગુજરાતનો એક પણ હિસ્સો એવો નથી કે જ્યાં જળબંબાકારની સ્થિતી ના હોય. અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિતના શહેરોમાં તો ખરાબ સ્થિતી છે. વડોદરામાં પૂર આવ્યું છે. હજું 72 કલાક ગુજરાત માટે ભારે રહેવાના છે.

રાજ્યમાં 76 જળાશયો સંપૂર્ણ તેમજ 46 જળાશયો 70 ટકાથી વધુ ભરાયા :હાઈ એલર્ટ જાહેર

August 27, 2024 12:30 pm

રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે ૭૬ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા જ્યારે ૪૬ જળાશયો-ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના ૨૩ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે ૩૦ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૩૧ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૨,૯૦,૫૪૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૭ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪,૦૭,૪૪૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૭૨.૭૩ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ ૨૦૭ જળાશયોમાં ૭૮ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

સુરતમાં વેસુ વિસ્તારમાં એસ.ડી.જૈન સ્કૂલની મનમાની

August 27, 2024 12:26 pm

એક તરફ રાજ્યમાં ભારે વરસાદના કારણે રાજ્ય સરકારે આજે શાળામાં રજા જાહેરપ કરી છે ત્યારે સુરતના વેસુ સ્થિત એસ.ડી જૈન સ્કૂલની મનમાની બહાર આવી છે. શાળા સંચાલકો સરકારના પરિપત્રને ઘોળીને પી ગયા છે. આજે સ્કૂલ ચાલુ જોવા મળી હતી. આ મામલે ડીઇઓએ કહ્યું કે શિક્ષણ વિભાગ દ્વારા આ મુદ્દે તપાસ કરીને શાળાને નોટિસ અપાશે. તેમણે કહ્યું હતું કે શાળા ચાલુ રાખવામાં આવી હતી. ડીઇઓ દ્વારા તપાસ માટે શાળામાં ટીમ મોકલવામાં આવી છે.

રાજકોટમાં રાત્રે 12 થી સવારે 12 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ

August 27, 2024 12:16 pm

રાજકોટમાં ભારે વરસાદના કારણે સમગ્ર રાજકોટમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. રામનાથપરામાં આજી નદીનું રોદ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે. જ્યાં ફસાયેલા લોકોનું પોલીસે જેસીબીની મદદથી રેસ્ક્યુ કર્યું છે. તમામ વિસ્તારોમાં વરસાદી પાણીમાં વાહનો ડૂબી ગયા છે. રાજકોટમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતી સર્જાઇ છે. ભારે વરસાદના કારણે આજી નદી ગાંડીતૂર બની છે.

ખેડા જિલ્લામાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ

August 27, 2024 12:05 pm

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મહીસા ગામમાં આવેલ ડેમછા તળાવનું પાણી ગામમાં તથા આજુ-બાજુના વિસ્તારમાં ફરી વળતા 42 જેટલા લોકો ફસાઇ ગયા હતા. ફસાયેલા લોકોને નડિયાદ એસઆરપી ગૃપ 7ની એસડીઆરએફની ટીમના જવાનોએ રેસ્ક્યુ કર્યા છે.

આગામી ત્રણ કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ

August 27, 2024 12:03 pm

આગામી ત્રણ કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 1 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, જામનગર અને રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યના કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પાટણ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ,મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરત, નવસારી, દમણ, બનાસકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને દાદર અને નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે.

રાજ્યમાં વરસાદની સ્થિતી અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી

August 27, 2024 11:52 am

અંબાલાલ પટેલે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે થી અતિ ભારે ની વરસાદ અને જળબંબાકારની આગાહી કરી છે. તેમણે બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પોરબંદર ના ભાગોમાં ભારે વરસાદ ની આગાહી કરાઇ છે. કચ્છમાં પણ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં જળ બંબાકારની આગાહી કરાઇ છે. મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની આગાહી તેમણે કરી છે. જો કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર યથાવત રહેશે. તેમણે કહ્યું કે રાજ્યમાં વરસાદી માહોલ 28 ઓગસ્ટ સુધી યથાવત રહેશે અને 28 મી ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદી જોર ધીમે ધીમે ઓછું થશે.

રાજ્યમાં મેઘતાંડવ વચ્ચે હવે સેનાની લેવાશે મદદ

August 27, 2024 11:48 am

રાજ્યમાં અતિ ભારે વરસાદના પગલે સેનાની મદદ લેવામાં આવી છે. આર્મીની પાંચ કોલમ ટીમની બચાવ અને રાહત કાર્ય માટે મદદ લેવામાં આવી છે. અલગ અલગ ઝોનમાં એક એક આર્મી ટીમ સ્ટેન્ડ ટૂ રખાશે. રાજ્યના બેઝ કેમ્પમાં રહેલી આર્મી ટીમની મદદ લેવાશે. બીજી તરફ રાજ્ય સરકારના પ્રભારી સચિવોને જિલ્લામાં જવા સૂચના અપાઇ છે. જરૂર જણાશે તો NDRFની વધારાની ટીમ પણ મગાવાશે

અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

August 27, 2024 11:44 am

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ઠક્કરબાપાનગર વિસ્તારના માર્ગો પર પાણી ભરાયા છે જેથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ખોખરા હાટકેશ્વર મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. નિકોલમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અમદાવાદના ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત છે.

રાજકોટમાં જળબંબાકાર જેવી સ્થિતિ

August 27, 2024 11:41 am

રાજકોટમાં ભારે વરસાદના કારણે સ્થિતી કફોડી બની છે. આજી નદીમાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે જેથી આજી નદીના કાંઠે વસવાટ કરતા લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. રામનાથપરા વિસ્તારમાં 25 લોકોના રેસ્ક્યૂ કરાયા છે. પોલીસ પ્રશાસન દ્વારા દોરડા વડે રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. કેટલાક લોકોને ખભે બેસાડી બહાર કાઢવામાં આવ્યા છે.

વડોદરાના ડભોઇનું બનૈયા ગામ બેટમાં ફેરવાયું

August 27, 2024 11:39 am

ભારે વરસાદના કારણે ડભોઇના ગ્રામ્ય વિસ્તારના ઘરોમાં દેવડેમના પાણી ફરી વળ્યા છે જેથી ગ્રામજનો ફસાઇ ગયા છે. ઘણા લોકો છેલ્લા 13 કલાકખી ઝાડ પર આશરો લઇ રહ્યા છે અને તેઓ ફસાઇ ગયા છે. ફસાયેલા લોકોએ વીડિયો વાયરલ કરીને મદદની માગ કરી છે. ઘટના અંગે NDRFને જાણ કરાઇ છે.

મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

August 27, 2024 11:36 am

4 ઇંચ વરસાદ પડતા મહેસાણામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. મહેસાણાના રાધનપુર રોડ ઉપર પાણી ભરાઇ ગયા છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા દુકાનદારોને ભારે હાલાકી પડી રહી છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.

પંચમહાલ જિલ્લાના તમામ જળાશયો સંપૂર્ણ ભરાયા

August 27, 2024 11:34 am

પાનમ ડેમના એક સાથે દશ ગેટ 6 વર્ષ બાદ ખોલવામાં આવ્યા છે. વર્ષ 2018માં મેઘમહેર થવા સાથે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતાં દશ ગેટ ખોલવામાં આવ્યા હતા. પાનમ ડેમની રૂલ લેવલ સપાટી 127.16 મીટર છે અને ડેમમાં 89.28 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે. મોરવાના હડફ ડેમની રૂલ લેવલ સપાટી 165.93 મીટર છે અને હાલ જળ સપાટી 165.85 મીટર છે. ડેમમાં હાલ આવક 8000 ક્યુસેક પાણીની આવક અને 8300 ક્યુસેક જાવક સાથે હાલનું પાણીનું સ્ટોરેજ 91.82 ટકા છે.

ગોંડલમાં મોડીરાત થી વહેલી સવાર સુધી ધીમીધારે 4 ઈંચ વરસાદ

August 27, 2024 11:30 am

અવિરત વરસાદને પગલે ગોંડલમાં વેરી તળાવ, આશાપુરા ડેમ, સેતુબંધ, ગોંડલી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. 75 પાટિયા ધરાવતો વેરી તળાવ હાલ પાટિયા પરથી 2 ફૂટે ઓવરફ્લો છે. વેરી તળાવમાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈને મોટાભાગના દરવાજા ખોલવામાં આવ્યા છે. ગોંડલની જીવાદોરી સમાન વેરી તળાવ ઓવર ફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ છે. વેરી તળાવ ઓવરફ્લો થતા પુલ પર પાણી ફરી વળ્યા છે. ગોંડલ - અમરેલી - બગસરા - ભાવનગર ગામો માટે ભારે વાહનો માટેનો પુલ બંધ કરાયો છે.

અમદાવાદમાં રિવરફ્રન્ટ બંધ કરાયો

August 27, 2024 10:36 am

શહેરીજનો માટે રિવરફ્રન્ટ બંધ કરાયો છે . સાબરમતી નદીમાં પાણીની આવક વધતા મુલાકાતીઓ માટે રિવરફ્રન્ટ બંધ કરાયો છે. રિવરફ્રન્ટ પર આવેલ અટલ બ્રિજ અને ક્રુઝ બંધ કરી દેવાઇ છે. આ વર્ષના ચોમાસામાં સાબરમતી નદી પહેલીવાર બે કાંઠે થઈ છે.

ડીપ ડિપ્રેશન હાલ ડીસાથી 40 કિમી અને અમદાવાદથી 90 કિમી દૂર

August 27, 2024 10:27 am

ગુજરાત માટે આગામી 72 કલાક અતિભારે છે. સમગ્ર ગુજરાતમાં આજે વરસાદનું રેડ એલર્ટ છે. ડીપ ડિપ્રેશન ગુજરાતની એકદમ નજીક પહોંચ્યું છે. ડીપ ડિપ્રેશન હાલ ડીસાથી 40 કિમી અને અમદાવાદથી 90 કિમી દૂર છે અને કચ્છ અને સુરેન્દ્રનગર તરફ ડીપ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે. જેથી 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે

અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી

August 27, 2024 10:19 am

અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે શહેરમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. કાલુપુરમાં ધનાસુથારની પોળની અંદર એક પોળનો બનાવ છે જેમાં ચાર માળના મકાનના મોટાભાગનો ભાગ ધરાશાયી થયો છે. આ મકાન જર્જરીત હોવાથી આ ઘટના બની હોવાનું જાણવા મળે છે. જો કે બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી.

રાજ્યમાં મોટાભાગના વિસ્તારો જળબંબાકાર

August 27, 2024 10:17 am

રાજ્યમાં અતિ ભારે વરસાદ ખાબકવાના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. ઘણા શહેરોમાં પૂરની સ્થિતી જોવા મળી રહી છે. ગુજરાત ફર્સ્ટના સંવાદદાતાઓ દરેક સ્થળે હાજર છે અને પળેપળની સ્થિતીનો ચિતાર આપી રહ્યા છે.

જામનગર જિલ્લામાં ભારે વરસાદથી ચોતરફ પાણી જ પાણી

August 27, 2024 10:10 am

જામનગર જિલ્લામાં કાલાવડમાં સવારે 4 થી 8 વાગ્યાના ચાર કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે. લાલપુર તાલુકામાં આજ રાતથી સવાર સુધીમાં પોણા પાંચ ઇંચ અને જામજોધપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જામનગરમાં ત્રણ ઇંચ વરસાદ, ધ્રોલમાં બે ઇંચ અને જોડિયામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે એસડીઆરએફની અને ફાયરની રેસ્કયુ ટીમ તૈનાત કરી દેવાઇ છે.

ગુજરાતમાં ભારે વરસાદથી મુસાફરી પર સકંટ!

August 27, 2024 10:06 am

રાજ્યમાં ભારે વરસાદના કારણે રાજ્યના 22 સ્ટેટ હાઈવે બંધ થઇ ગયા છે, જેમાં પંચાયત હસ્તકના 549, અન્ય 37 રસ્તાઓ બંધ છે. વરસાદથી રસ્તા બંધ થતાં ST સેવાને પણ અસર થઇ છે. 8 જિલ્લામાં ST બસના 64 રૂટ અને 583 ટ્રીપ રદ કરાઇ છે. દાહોદમાં સૌથી વધુ 15 રૂટ અને 242 ટ્રીપ રદ કરાઇ છે. મહીસાગરમાં 10 રૂટ પર 112 ટ્રીપ રદ કરાઇ છે.

સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી ઓવરબ્રિજ બંધ કરાયો

August 27, 2024 10:03 am

સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી આર્ટસ કોલેજ પાસેનો ઓવરબ્રિજ બંધ કરાયો છે. ભોગાવો નદીમાં પાણી છોડાતા ઓવરબ્રિજમાં પાણી ફરી વળ્યું છે. ઓવરબ્રિજ બંધ થતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. તંત્રએ બેરિકેટ મુકી લોકોને પસાર ન થવા તાકીદ કરી છે.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર

August 27, 2024 9:56 am

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર થઈ છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. જેના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા 30 જેટલી ટ્રેનને રદ કરવામાં આવી છે. જ્યારે 36 જેટલી ટ્રેન વડોદરા બાદ આણંદ અને ગોધરા થઈ અમદાવાદ તરફ આવી રહી છે. 13 જેટલી ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો સુધી ચલાવવામાં આવી છે. ભારે વરસાદના કારણે અમદાવાદ, આણંદ, વડોદરા અને મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા અનેક ટ્રેનો મોડી પણ ચાલી રહી છે.

અમદાવાદમાં અંડરપાસમાંથી મૃતદેહ મળ્યો

August 27, 2024 9:54 am

અમદાવાદમાં વરસાદ બાદ અંડરપાસના પાણી ઓસરતા એક મૃતદેહ મળી આવ્યો છે. મણિનગરના દક્ષિણી અંડરપાસમાંથી 40 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક વ્યક્તિનું નામ રાજુ સિંધી હોવાનું જાણવા મળે છે.

મોરબી પાસે કાર તણાઇ

August 27, 2024 9:52 am

મોરબીના ભડીયાદ જોધપર નજીક વોંકળામાં કાર તણાઈ ગઇ હતી. જો કે તત્કાળ સ્થાનિક લોકોએ કારમાં સવાર ત્રણ લોકોને બચાવી લીધા છે અને ક્રેનની મદદથી કાર પણ બહાર કાઢવામાં આવી છે.

ભારે વરસાદના કારણે અમદાવાદ એરપોર્ટ અંગે એડવાઈઝરી જાહેર

August 27, 2024 9:41 am

અમદાવાદ શહેરના વાતાવરણની આગાહીને જોતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં મુસાફરોને જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરની વરસાદની આગાહીને જોતા ફ્લાઇટનું શિડ્યુલ ખોરવાઈ શકે છે. આથી ફ્લાઇટનો સમય એક વખત એરલાઇન્સ સાથે નક્કી કરીને જ એરપોર્ટ માટે નીકળવું અને જો ફ્લાઇટ સમયસર હોય તો થોડા સમય પહેલા જ એરપોર્ટ આવી જવું. જેથી સરળતાથી ચેકિંગ થઈ શકે અને મુસાફરી સુખદ રહે. વરસાદના લીધે વિઝિબિલિટી ખૂબ જ ઘટી જતી હોય છે. આથી એરક્રાફ્ટને એર ટ્રાફિક કંટ્રોલમાંથી ક્લીયરન્સ ન મળતા અનેક ફ્લાઈટને હવામાં જ ચક્કર લગાવવા પડ્યા હતા. ગઈકાલે સપ્તાહનો પ્રથમ દિવસ હતો ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ફ્લાઈટની અવરજવર પણ વધુ રહી હતી. સામાન્ય દિવસોમાં 260 થી 270 જેટલી ફ્લાઈટની થતી હોય છે. ત્યારે આજે પણ આટલી મોટી સંખ્યામાં ફ્લાઈટની અવરજવરને વાતાવરણની અસર થઈ હતી.

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકથી જળ બંબાકારની સ્થિતિ

August 27, 2024 9:38 am

અમદાવાદમાં વીતેલા 24 કલાકમાં 7 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે જેથી અમદાવાદ શહેરના અનેક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે. પશ્ચિમ વિસ્તારના અનેક વિસ્તારો હજું પાણીમાં ગરકાવ છે. ખાસ કરીને ઘાટલોડીયા ,નારણપુરા, ગોતા, જગતપુર અને એસજી હાઇવે , પ્રહલાદ નગર, આનંદનગર, વેજલપુર, મકરબા અને નવરંગપુરા વિસ્તાર સહિતના વિસ્તારોમાં હજું પણ પાણી ભરાયેલા છે. ઉપરાંત નિકોલ,નરોડા,ઓઢવ,વસ્ત્રાલ,વટવા,નારોલ સહિતના વિસ્તારમાં પણ હજુ પાણી ભરાયેલા છે. સોમવારે સવારે પણ સવારના 6 થી 9 વાગ્યા સુધીમાં સાર્વત્રિક 1 ઇચ વરસાદ પડ્યો છે. વાસણા બેરેજના 9 દરવાજા 3 ફુટ ખોલવામાં આવ્યા છે.

કચ્છમાં ભારે વરસાદ

August 27, 2024 9:30 am

ક્ચ્છમાં મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા 24 કલાકમાં 2થી 10 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.માંડવી,નખત્રાણામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે મુન્દ્રા, ભુજમાં 4 ઇંચ વરસાદ,અબડાસા, લખપતમાં 3 ઇંચ, રાપર, ભચાઉ ,અંજારમાં 2 થી અઢી ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત ગાંધીધામમાં સૌથી ઓછો દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં ભારે વરસાદને પગલે શહેરવાસીઓને સાવચેત રહેવા સૂચના

August 27, 2024 9:29 am

અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી AMC (આમનેશન મ્યુનિસિપલ કોર્પોરેશન)એ સમગ્ર જનતાને સલાહ આપતાં જણાવ્યું છે કે, તેઓ આ અસ્થિર હવામાનને ધ્યાનમાં રાખીને યોગ્ય સાવચેત રહેવું જોઈએ. આ સાથે જરૂર સિવાય ઘરની બહાર જવાનું ટાળવાની સૂચના આપવામાં આવી છે.ખાસ કરીને કરીને, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવું જરૂરી છે. આ વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વધુ છે, તેથી તેમને સલાહ આપવામાં આવી છે કે તેઓ આ વિસ્તારોને ટાળી નાખે અને સુરક્ષિત સ્થળે જવા પ્રયાસ કરે.

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવ્યું પૂર

August 27, 2024 9:27 am

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ઘોડાપૂર આવ્યું છે જેના કારણે સમગ્ર શહેરમાં પૂરના પાણી ફરી વળ્યા છે. શહેરનો સયાજીગંજ વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો છે અને તમામ દુકાનોમાં પાણી ફરી વળ્યા છે. રેલવે સ્ટેશન અને બસ ડેપોમાં રહેલા લોકોને ત્યાં જ રહેવાનો વારો આવ્યો છે. બહારથી આવેલા લોકો ફસાઇ ગયા છે

રાજ્યમાં ભારે વરસાદને લઇ DYSOની પરીક્ષા મોફૂક

August 27, 2024 9:23 am

હાલ રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે..હવામાન વિભાગ દ્વાર રાજ્યમાં આગામી 31 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.GPSC દ્વારા લેવાનારી DYSOની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે.28મી ઓગસ્ટથી શરૂ થતી DYSOની પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં છે. ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે.

રાજકોટમાં ધોધમાર વરસાદ

August 27, 2024 9:21 am

રાજકોટમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેથી રસ્તાઓ નદી બન્યા છે. મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. રાજકોટમાં રામાપીર ચોકડી, રૈયા ટેલિફોન એક્સચેન્જ, આઝાદ ચોક, રામેશ્વર ચોક, પોપટપરા ગરનાળુ, માધાપર ચોક, નાણાવટી ચોક, મવડી ચોક, રેસકોર્સ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, થોરાળા વિસ્તાર, વગડ ચોકડી, સુભાષનગર , ધ્રુવ નગર વિસ્તારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રષ્યો જોવા મળ્યા છે.

ગુજરાત માટે આગામી 72 કલાક અતિભારે

August 27, 2024 9:14 am

સમગ્ર ગુજરાતમાં આજે વરસાદનું રેડ એલર્ટ છે. ડીપ ડિપ્રેશન ગુજરાતની એકદમ નજીક પહોંચ્યું છે. ડીપ ડિપ્રેશન હાલ ડીસાથી 40 કિમી અને અમદાવાદથી 90 કિમી દૂર છે અને કચ્છ અને સુરેન્દ્રનગર તરફ ડીપ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે. જેથી 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે

એક જ દિવસમાં મેઘરાજાએ ગુજરાતને લીલુછમ કર્યું

August 27, 2024 9:12 am

એકસાથે 3 સિસ્ટમ સર્જાતા 243 તાલુકામાં વરસાદ થયો છે. 30 તાલુકામાં 6થી લઈને 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે રાજ્યની શાળાઓમાં રજા આપવામાં આવી છે તો રાજ્યના 17 જિલ્લામાં આકસ્મિક પૂરની શક્યતાઓ છે. આગાહી મુજબ ભરૂચ, છોટાઉદેપુર, નર્મદામાં ફ્લેશ ફ્લડ આવી શકે છે તો નવસારી, સુરત, તાપી, વડોદરામાં ફ્લેશ ફ્લડનું એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં ફ્લેશ ફ્લડનું એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતમાં સિઝનનો 90 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ભયજનક સપાટીથી માત્ર 3 મીટર જ દૂર છે.

રાજ્યમાં મેઘરાજાની અવિરત ધમાકેદાર બેટિંગ

August 27, 2024 9:09 am

છેલ્લા બે કલાકમાં 170 તાલુકામાં ધોધમાર વરસાદ બે કલાકમાં રાજકોટના લોધિકામાં 4 ઈંચ વરસાદ રાજકોટ શહેરમાં 2 કલાકમાં સાડા 3 ઈંચ વરસાદ થાનગઢ અને વાંકાનેરમાં 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ ચોટીલા અને મહુધામાં 2 કલાકમાં 2-2 ઈંચ વરસાદ કેશોદ, મેંદરડા, કાલાવડમાં 2 કલાકમાં પોણા 2 ઈંચ વડીયા, કોટડા સાંગાણી, દેત્રોજમાં 2 કલાકમાં દોઢ ઈંચ સોજીત્રા, ગઢડા અને દ્વારકામાં 2 કલાકમાં દોઢ ઈંચ નડિયાદ, તારાપુર, ગોંડલ, લાલપુરમાં 1-1 ઈંચ વરસાદ બાબરા, ભાણવડ, કડીમાં 2 કલાકમાં 1-1 ઈંચ વરસાદ સાંતલપુર, મહેમદાવાદ, કલ્યાણપુરમાં 1-1 ઈંચ

વડોદરાના ડભોઇમાં ભારે વરસાદ

August 27, 2024 8:56 am

ઢાઢર નદી ગાંડીતુર બનતા અનેક રસ્તાઓ બંધ કરી દેવાયા છે.ડભોઇથી વડોદરાનો મુખ્ય રસ્તો બંધ થઇ ગયો છે. થુવાવી ગામ નજીક મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. ભીલાપુર, બનૈયા, રાજલી સહિતના ગામોમાં પણ પાણી ફરી વળ્યા છે. ઢાઢર અને દેવ નદીના પાણી ફરી વળતા તારાજી સર્જાઇ છે.

ગુજરાત જાહેર સેવા આયોગની અગત્યની જાહેરાત...

August 27, 2024 8:54 am

રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર વર્ગ-3 માટેની મુખ્ય લેખિત પરીક્ષાને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલ છે...

મોરબીના જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમના 17 દરવાજા 11 ફૂટ ખોલવામાં આવ્યા

August 27, 2024 8:52 am

મોરબીના જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમના 17 દરવાજા 11 ફૂટ ખોલવામાં આવ્યા છે. મોરબી મચ્છુ 2 ડેમ માંથી હાલ 1,18,422 ક્યુસેક પ્રવાહથી પાણી છોડાઈ રહ્યું છે જેથી મોરબી અને માળીયા તાલુકાના 32 ગામોને એલર્ટ અપાયું છે

This Live Blog has Ended
Advertisement

.