Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM MODI ની અધ્યક્ષતામાં મળી નીતિ આયોગની આઠમી ગવર્નિંગ કાઉન્સિલ બેઠક, ગુજરાતના વિકાસ વિઝનની પ્રભાવક પ્રસ્તુતિ કરાઇ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠકમાં આગામી વર્ષોમાં દેશના અર્થતંત્રમાં ગુજરાતની હિસ્સેદારી ૧૦%થી વધુ કરવાનું લક્ષ્ય સ્પષ્ટ કર્યું હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતની...
05:53 PM May 27, 2023 IST | Vipul Pandya
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠકમાં આગામી વર્ષોમાં દેશના અર્થતંત્રમાં ગુજરાતની હિસ્સેદારી ૧૦%થી વધુ કરવાનું લક્ષ્ય સ્પષ્ટ કર્યું હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતની નેમ સાથે વડાપ્રધાનશ્રીએ આવનારા વર્ષોમાં ભારતને પાંચ ટ્રીલીયન યુ.એસ. ડોલર ઇકોનોમી બનાવવાનું આહવાન કર્યું છે. ગુજરાતે આ દિશામાં આગળ વધતા નેશનલ ઇકોનોમીમાં ૧૦% થી વધુ સહભાગીતાનો લક્ષ્યાંક રાખ્યો છે. નીતિ આયોગની આઠમી ગવર્નિંગ કાઉન્સિલની આ બેઠકમાં દેશના રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલશ્રીઓ તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના મંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ ગુજરાતની પ્રગતિ અને સિદ્ધિઓની પ્રભાવક પ્રસ્તુતિ કરી
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતે વિવિધ ક્ષેત્રે અનેક ઉપલબ્ધિ હાંસલ કરી છે, એટલું જ નહીં તેમના દ્રષ્ટિવંત નેતૃત્વને કારણે ભારતને G20ની અધ્યક્ષતા કરવાની ઐતિહાસિક તક મળી છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નીતિ આયોગની આ બેઠકના એજન્ડામાં સમાવિષ્ટ વિષયોમાં ગુજરાતની પ્રગતિ અને સિદ્ધિઓની પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી.
રાજ્યના વિકાસના પાંચ સ્તંભ
તેમણે કહ્યું કે, દેશના આ અમૃતકાળમાં ગુજરાતનો વિકાસ પાંચ સ્તંભના આધારે કરવાના નિર્ધાર સાથે આ વર્ષનું બજેટ ૩ લાખ કરોડ રૂપિયાનું રાખ્યું છે. એટલું જ નહીં આ નાણાકીય વર્ષમાં લગભગ દોઢ ટકા ફિસ્કલ ડેફિસીટ સાથે ગુજરાત ૧૩માં નાણાપંચના બધા જ માપદંડોનું પાલન પણ કરે છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિકાસના જે પાંચ સ્તંભ પર બજેટમાં ફોકસ કરવામાં આવ્યું છે તેની વિગતો આપતા કહ્યું કે, ગરીબ અને જરૂરતમંદ વર્ગોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ અને સોશિયલ સિક્યુરિટી, માનવ સંસાધન વિકાસ, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોત્સાહનથી રોકાણો અને રોજગાર અવસરમાં વૃદ્ધિ તથા ગ્રીન ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર ગુજરાતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ગુજરાતે એનર્જી સેક્ટરને હંમેશા પ્રાથમિકતા આપી
શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ટ્રેડિશનલ એનર્જી પ્રોડક્શન હોય કે રીન્યુએબલ એનર્જી સેક્ટર ગુજરાતે એનર્જી સેક્ટરને હંમેશા પ્રાથમિકતા આપી છે. દેશની રિન્યુએબલ એનર્જીની કુલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટીના ૧૫% એટલે કે ૨૦ ગીગાવોટ ક્ષમતા ગુજરાતે મેળવી લીધી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉર્જા જરૂરિયાતોમાં ગ્રીન હાઈડ્રોજનના ઉપયોગને વેગ આપવા કરેલા અનુરોધને ગુજરાતે ઝિલી લીધો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન અંતર્ગત વધારાની ૧૦૦ ગીગાવોટ રીન્યુએબલ એનર્જી પ્રોડક્શનનો લક્ષ્યાંક ગુજરાતે નિર્ધારિત કર્યો છે, એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ગૌરવસહ જણાવ્યું હતું.
પી.એમ. ગતિશક્તિ પ્લેટફોર્મ પર ઇન્ટીગ્રેટ કરનારું દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશના વિકાસની રફતારને વધુ તેજ ગતિ આપવા વડાપ્રધાનશ્રીએ આપેલા પીએમ ગતિ શક્તિના નવતર વિચાર માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ગુજરાતે આ ક્ષેત્રે સાધેલી ઉલ્લેખનીય પ્રગતિની નીતિ આયોગની આઠમી ગવર્નિંગ કાઉન્સિલને માહિતી આપતા કહ્યું કે, વિકાસ કાર્યો માટે કેન્દ્ર અને રાજ્યના ભિન્ન ભિન્ન ડેટા લેયર્સને પી.એમ. ગતિશક્તિ પ્લેટફોર્મ પર ઇન્ટીગ્રેટ કરનારું દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે.  આ અંગેની વિસ્તૃત વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અગાઉ કોઈ પણ વિકાસ કાર્યોનું આયોજન કરતા મહિનાઓ થતા પરંતુ હવે થોડા જ અઠવાડિયામાં આખું પ્લાનિંગ થઈ જાય છે અને તેના પરિણામે વિકાસ પ્રોજેક્ટ ગતિપૂર્વક આગળ વધી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની બેસ્ટ પ્રેક્ટિસિસને નીતિ આયોગની આ બેઠકમાં ઉજાગર કરતા કહ્યું કે, જમીન સંપાદન સાથો સાથ એરિયા ડેવલોપમેન્ટ માટે પણ હવે પી.એમ. ગતિ શક્તિનો ઉપયોગ થાય છે. આ પી.એમ. ગતિશક્તિ પ્લેટફોર્મના માધ્યમથી ભારત નેટની એસેટનો સદઉપયોગ કરીને સમગ્ર ગુજરાતમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા ફાઇવ-જી સર્વિસીસ શરૂ કરવામાં આવી રહી છે, તેનો પણ મુખ્યમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો.  ગુજરાતે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સ્કૂલ, કોલેજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, ગ્રામ પંચાયત ભવન વગેરેના પ્લાનિંગ માટે પણ પી.એમ. ગતિશક્તિનો વ્યાપક ઉપયોગ કર્યો છે તેનું વિવરણ તેમણે આપ્યું હતું.
દેશના રોકાણકારો માટેના ફેવરિટ ડેસ્ટિનેશન તરીકે ગુજરાત
મુખ્યમંત્રીશ્રીએ ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સંદર્ભની વિગતો આપતા જણાવ્યું કે, પાછલા બે દાયકાથી દેશના રોકાણકારો માટેના ફેવરિટ ડેસ્ટિનેશન તરીકે ગુજરાત ઉભરી આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિપુણ નેતૃત્વમાં બે દાયકા પહેલા શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટથી ગુજરાત મહત્વપૂર્ણ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે. હવે આગામી ૨૦૨૪ના જાન્યુઆરીમાં યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ સમિટની તૈયારી ગુજરાતે શરૂ કરી છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. શ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, ઇકોનોમિક એક્ટિવિટીઝ આધારિત શહેરોના વિકાસ પર વધુ ફોકસ કરવાની વડાપ્રધાનશ્રીની સંકલ્પનાને અનુરૂપ ગિફ્ટ સિટી, ધોલેરા અને ડ્રીમ સિટી જેવા ગ્રીનફિલ્ડ આધારિત ઇકોનોમિક સીટીઝનો ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે.
એમ.એસ.એમ.ઇ દ્વારા અંદાજે ૬૩ હજાર કરોડથી વધુના રોકાણ આવ્યા
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની મજબૂત અર્થવ્યવસ્થામાં MSMEના મહત્વપૂર્ણ યોગદાનની સરાહના કરતા કહ્યું કે, ૧૨ લાખ જેટલા એમ.એસ.એમ.ઇ ઉદ્યોગ પોર્ટલ પર નોંધાયેલા છે. આ એમ.એસ.એમ.ઇ દ્વારા અંદાજે ૬૩ હજાર કરોડથી વધુના રોકાણ આવ્યા છે અને ૭૫ લાખ લોકોને રોજગારી મળી છે, તેનો પણ મુખ્યમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગુજરાતમાં મહિલા સશક્તિકરણને આપવામાં આવી રહેલી પ્રાથમિકતાની વિગતો આપતા જણાવ્યું કે, પાછલા નવ વર્ષથી સતત જેન્ડર રિસ્પોન્સિવ બજેટ ગુજરાત બનાવે છે. ઉપરાંત મિશન મંગલમ જેવા કાર્યક્રમોથી સેલ્ફ હેલ્પ ગ્રુપને આર્થિક સક્ષમ બનાવી લાખો મહિલાઓના જીવનમાં નવો બદલાવ લાવ્યા છીએ. કન્યા કેળવણીના વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલા અભિયાનને પરિણામે સ્કૂલમાં દીકરીઓના ડ્રોપઆઉટ રેટ ૧૮% થી ઘટીને માત્ર બે ટકા થઈ ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે ૫૦% આરક્ષણ સામે ૫૨%  બહેનો આમાં સક્રિય છે, તેનો પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
SDG ઇન્ડિયા ઇન્ડેક્ષમાં ગુજરાતે હેલ્થ એન્ડ વેલનેસ કેટેગરીમાં દેશમાં પ્રથમ ક્રમ મેળવેલો છે
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં હેલ્થ સેક્ટરની બહેતરીન વ્યવસ્થાઓ અંગેની વિગતો આપતા કહ્યું કે, સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અન્વયે રાજ્યના દોઢ કરોડથી વધુ બાળકોનેની આરોગ્ય તપાસ, નિદાન અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. રાજ્યમાં PMJAY-MA યોજનામાં ૪૮ લાખથી વધુ લોકોની વિનામલ્યે સારવાર, ૩૩ જિલ્લાઓમાં કિમોથેરાપી સેન્ટર્સ અને ૨૭૨ સેન્ટર્સ ખાતે ડાયાલિસિસ સુવિધાના નેટવર્ક સહિતની સુવિધાઓની છણાવટ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતની આવી સુદ્રઢ આરોગ્ય વ્યવસ્થાઓને કારણે જ નીતિ આયોગના ૨૦૨૦-૨૧ ના SDG ઇન્ડિયા ઇન્ડેક્ષમાં ગુજરાતે હેલ્થ એન્ડ વેલનેસ કેટેગરીમાં દેશમાં પ્રથમ ક્રમ મેળવેલો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં સૂર પુરાવતા ગુજરાતે કૌશલ્ય વિકાસ માટે અપનાવેલા અભિયાનો પણ આ બેઠકમાં વર્ણવ્યા હતા.  તેમણે જણાવ્યું કે, રાજ્યમાં લગભગ ૫૯૦ આઈ.ટી.આઈ. કાર્યરત છે. રાજ્યની સ્કિલ યુનિવર્સિટીમાં 5-જી, ડ્રોન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર સિક્યુરિટી જેવા વિષયોના માધ્યમથી સ્કિલ્ડ વર્કફોર્સ તૈયાર થઈ રહ્યો છે.  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવામાં ગુજરાત સર્વશ્રેષ્ઠ પ્રદાન કરવા તત્પર છે તેમ પણ ઉમેર્યું હતું. મુખ્ય સચિવ શ્રી રાજકુમાર આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી સાથે સહભાગી થયા હતા.
આ પણ વાંચો---સિદ્ધારમૈયાની કેબિનેટમાં પોર્ટફોલિયોની વહેંચણી, શિવકુમારને મળ્યો આ વિભાગ
Tags :
Bhupendra PatelGoverning Council meetingGujaratNarendra ModiNiti-Aayog
Next Article