ટેક્સટાઇલ માર્કેટમાં મંદીનું ગ્રહણ, કાપડ મિલોમાં બે દિવસની રજા, ઉત્પાદનમાં 40 ટકાનો કાપ
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્પાદનમાં 40 ટકાનો કાપ ઉદ્યોગકારો દ્વારા મૂકવામાં આવ્યો હોવાની પણ ચર્ચા છે અને એક અઠવાડિયામાં મિલોમાં બે દિવસની રજાઓ પણ જાહેર કરવામાં આવી છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં મંદિનું મુખ્ય કારણ લોકોની ઓછી ખરીદ શક્તિ અને બદલાતો ફેશન ટ્રેન્ડ જવાબદાર હોવાનું પણ કાપડ ઉદ્યોગકારો માની રહ્યા છે.
છેલ્લા 6 મહિનાથી મંદિનું ગ્રહણ લાગ્યું
સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં દિવાળી પછી છેલ્લા 6 મહિનાથી મંદિનું ગ્રહણ લાગ્યું છે. ટેક્સટાઇલ સીટી કહેવાતા સુરતમાં ટેસ્ટ ટેક્સટાઇલ ઉદ્યોગમાં જ મંદિનો માહોલ હોવાના કારણે કાપડ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. કાપડ ઉદ્યોગપતિઓનું માનવું છે કે લોકોની ખરીદશક્તિ ઓછી થવાના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. તો બીજી તરફ કાપડ ઉદ્યોગકારો એવું પણ માની રહ્યા છે કે પહેલા લોકો વાર તહેવાર પર કપડાની ખરીદીને વધારે પ્રાધાન્ય આપતા હતા. પરંતુ હવે જે રીતે ફેશનનો ટ્રેન્ડ બદલાયો છે તે રીતે લોકો કાપડાની ખરીદી ઓછી કરી રહ્યા છે. મોટાભાગે લોકો ઈલેક્ટ્રીક વસ્તુ ખરીદવાને વધારે પ્રાધાન્ય આપતા હોય છે અને તેમાં પણ બદલાતા ટ્રેન્ડ વચ્ચે હવે લોકો મોબાઇલને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ માની રહ્યા છે. આ કારણે જ લોકો કપડાની ખરીદી ઓછી કરીને ઇલેક્ટ્રીક ચીજ વસ્તુની ખરીદી તરફ વળ્યા છે.
કપડાની જગ્યા પર મોબાઈલ જ સ્થાન લીધું છે
કાપડ ઉદ્યોગકારોનું કહેવું છે કે, પહેલા રોટી કપડા અને મકાન આ ત્રણ વસ્તુ લોકોના જીવન જરૂરિયાત હતી. પરંતુ હવે કપડાની જગ્યા પર મોબાઈલ જ સ્થાન લીધું છે. અને એટલા માટે જે લોકો વર્ષમાં ત્રણથી ચાર વાર કપડાની ખરીદી કરતા હતા તે હવે એક થી બે વાર જ કપડાની ખરીદી કરી રહ્યા છે.આ ઉપરાંત વખતો વખત જે ફેશન બદલાઈ રહી છે. તેના અનુરૂપ જો કાપડ ન હોય તો પણ લોકો કપડાની ખરીદી કરવાનું ટાળે છે અને આ જ કારણે લોકોની કપડા ખરીદવા પ્રત્યેની ઈચ્છા ઓછી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
પહેલા મહિલાઓ વધારે પ્રમાણમાં સાડી અને ડ્રેસ પહેરવાનું પસંદ કરતી હતી. જેના કારણે એક સાડી હોય તો સાડા ચારથી પાંચ મીટર જેટલું કપડું મહિલાઓના શરીર પર રહેતું હતું પરંતુ હવે ફેશન ટ્રેન્ડ બદલાઈ ગયો છે. જીન્સ, પેન્ટ, ટીશર્ટ, લેગીસ અને કુર્તી એ સાડી અને ડ્રેસનું સ્થાન લીધું છે અને જેના કારણે પણ ક્યાંકને ક્યાંક કાપડ ઉદ્યોગને થોડી મુશ્કેલી પડી છે.
આ ઉપરાંત સરકાર દ્વારા જે ટફની સ્કીમ લાગુ કરવામાં આવી હતી. તે પણ પૂરી થઈ ગઈ છે અને ત્યારબાદ કોઈ બીજી સ્કીમની જાહેરાત કરવામાં આવી નથી. હાલ આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ ટેકનોલોગમાં પ્રોડક્શન અને પ્રિન્ટિંગમાં નવા મશીનો ઊંચું રોકાણ કરીને લાવવામાં આવ્યા છે પરંતુ મંદી જેવા માહોલમાં આ મશીનો ચલાવવા પણ ઉદ્યોગકારોને ખર્ચાળ સાબિત થઈ રહ્યા છે. એટલે કાપડ ઉદ્યોગકારોની માગણી છે કે, ટફ જેવી કોઈ સ્કીમ જો સરકાર દ્વારા લાગુ કરવામાં આવે તો કોઈ નિરાકરણ આવી શકે છે. આ બાબતે કેન્દ્રીય રાજ્ય ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશને પણ કાપડ વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં મંદી જેવો માહોલ હોવાના કારણે પ્રોડક્શન યુનિટોમાં પ્રોડક્શન પણ ઘટી ગયું છે. 40% જેટલું પ્રોડક્શન ઘટયો હોવાનું અનુમાન છે. તો બીજી તરફ પ્રોડક્શન હાઉસમાં અઠવાડિયામાં બે દિવસની રજાઓ પણ જાહેર કરવામાં આવે છે અને ઘણી નાની મિલો તો બંધ થવા તરફ હોય તેવું પણ એક અનુમાન છે
અહેવાલ -આનંદ પટણી ,સુરત
આ પણ વાંચો- ડભોઈ : દર્ભાવતી નગરીમાં દેશ નેતાઓની પ્રતિમા ઉપરથી ચશ્મા થયા ગાયબ