દિલ્હી કેપિટલ્સે 7 વિકેટે મેળવી જીત, સોલ્ટના શાનદાર 87 રન
ઇન્ડિયન પ્રિમિયર લીગમાં આજે દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેગ્લોરને સાત વિકેટથી હાર આપી હતી. દિલ્હી કેપિટલ્સે સીઝનમાં ચોથી જીત મેળવી છે. આ જીત સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં 10માથી 9મા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પાંચમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેના 10 મેચમાં 10 પોઈન્ટ છે અને તે પાંચમા સ્થાન પર છે.
આરસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેંગ્લોરે 20 ઓવરમાં ચાર વિકેટે 181 રન બનાવ્યા હતા. દિલ્હીએ 16.4 ઓવરમાં ત્રણ વિકેટે 187 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ સીઝનમાં દિલ્હીની આ ચોથી જીત છે. આ સાથે વોર્નરની આગેવાની હેઠળની ટીમે પ્લેઓફની આશા જીવંત રાખી છે.
કોહલી-લોમરોરની ફિફ્ટી
બેંગ્લોર તરફથી ઓપનિંગમાં આવેલા વિરાટ કોહલી અને ફાક ડુ પ્લેસિસે તોફાની બેટીંગ કરી 82 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી. કોહલીએ 46 બોલમાં 5 ફોર સાથે 55 રન, ડુ પ્લેસીસે 32 બોલમાં 5 ફોર અને 1 સિક્સ સાથે 45 રન, મહિપાલ લોમરોરે 29 બોલમાં 6 ફોર અને 3 સિક્સ સાથે તોફાની 54 રન નોંધાવ્યા હતા. જ્યારે ગ્લેન મેક્સવેલ 0 રન, દિનેશ કાર્તિકે 11 રન, અનુજ રાવતે અણનમ 8 રન નોંધાવ્યા હતા.
સોલ્ટની આક્રમક અડધી સદી
182 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ધમાકેદાર રહી હતી. ડેવિડ વોર્નર અને ફિલિપ સોલ્ટે આવતાની સાથે જ ઝડપી સ્કોર કરવાનું શરૂ કરી દીધું હતું. દિલ્હીની પહેલી વિકેટ પાવરપ્લેની છેલ્લી ઓવરમાં પડી હતી. કેપ્ટન ડેવિડ વોર્નર 14 બોલમાં 22 રન બનાવીને હેઝલવુડનો શિકાર બન્યો હતો. આ પછી મિશેલ માર્શ અને સોલ્ટ વચ્ચે બીજી વિકેટ માટે 59 રનની ભાગીદારી થઈ હતી. દિલ્હીની બીજી વિકેટ 11મી ઓવરના ત્રીજા બોલ પર પડી હતી. માર્શે 17 બોલમાં 26 રન બનાવ્યા હતા. હર્ષલ પટેલે તેને લોમરોરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
દિલ્હીની ત્રીજી વિકેટ 16મી ઓવરના ત્રીજા બોલ પર પડી હતી. શાનદાર બેટિંગ કરી રહેલા ઓપનર ફિલિપ સોલ્ટને કર્ણ શર્માએ બોલ્ડ કર્યો હતો. સોલ્ટે 45 બોલમાં 87 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 8 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. રિલે રુસો 35 રન અને અક્ષર પટેલ 8 રન બનાવીને અણનમ રહ્યા હતા. આરસીબી તરફથી જોશ હેઝલવુડ, કર્ણ શર્મા અને હર્ષલ પટેલે 1-1 વિકેટ લીધી હતી.
આ પહેલા ટોસ જીતીને આરસીબીએ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કોહલી અને ડુ પ્લેસિસે પ્રથમ વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી હતી. પ્લેસિસે 32 બોલમાં 45 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 5 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આરસીબીની બીજી વિકેટ બીજા જ બોલ પર પડી. મેક્સવેલ ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. કોહલી અને મહિપાલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 55 રનની ભાગીદારી થઈ હતી. RCBની ત્રીજી વિકેટ 16મી ઓવરના છેલ્લા બોલ પર પડી હતી. મુકેશે સારી બેટિંગ કરી રહેલા વિરાટ કોહલીને પેવેલિયન મોકલ્યો હતો. કોહલીએ 46 બોલમાં 55 રનની ઇનિંગ રમી હતી.
આ પણ વાંચો-ચેન્નાઈએ 6 વિકેટથી મુંબઈ સામે મેળવ્યો વિજય