CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની મજા માણી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપ 2023 ની બારમી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. ફેન્સની સાથે ઘણા દિગ્ગજ પણ આ મેચની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને નિહાળવા માટે વિશ્વભરમાંથી લાખો ફેન્સ પોતાની મનપસંદ ટીમને સપોર્ટ કરવા માટે ઉમટ્યા છે, વધુમાં આ મહાજંગના સાક્ષી થવા માટે સચિન તેંડુલકર, અનુષ્કા શર્મા, અરિજિત સિંહ, અનુષ્કા શર્મા જેવા દિગ્ગજો પહોંચ્યા છે.
CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બન્યા મહા મુકાબલાના સાક્ષી
વર્લ્ડ કપની આ ખાસ મેચ જોવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આવ્યા છે. તેમની સાથે અન્ય ધનરાજ નથવાણી અને સુરત મહાનગરનાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ છે, જેઓ પણ મેચને નીહાળતા જોવા મળી રહ્યા છે. અહી નોંધનીય છે કે રાજનીતિ, ક્રિકેટ અને સિનેમા જગતના દિગ્ગજોની સ્ટેડિયમમાં હાજરીના કારણે ફેન્સના ઉત્સાહમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
ભારતની ધારદાર બોલિંગ સામે પાકિસ્તાનની બેટિંગ સંઘર્ષમાં મુકાઈ
ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગની પસંદગી કરી હતી. ટીમમાં ભારતના સ્ટાર ઓપનર શુભમન ગિલની વાપસી થઈ છે. પાકિસ્તાન પહેલા બેટિંગ માટે ઉતર્યું હતું ત્યારે મોહમ્મદ શફીકને આઉટ કરીને ભારતને પહેલી સફળતા મોહમ્મદ સીરાજે અપાવી હતી. ત્યાર બાદ પાકિસ્તાનના બેટ્સમેન લાંબી પાર્ટનરશીપ બનાવવામાં અસફળ નીવડ્યા હતા. પહેલી વિકેટ બાદ ભારતને બીજી વિકેટ હાર્દિક પંડ્યા એ અપાવી હતી. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પણ લાંબી ઇનિંગ રમી શક્યા નહિ અને ૩૦ મી ઓવરમાં તે પણ મોહમ્મદ સિરાજનો શિકાર બન્યા હતા. સ્પિન કિંગ કુલદીપ યાદવે પણ શાનદાર બોલિંગ કરતા એક બાદ એક શકીલ અને વિસ્ફોટક બેટ્સમેન અહેમદની વિકેટ ચટકાવી છે.
ચેસ કિંગ કોહલી પાકિસ્તાન માટે એક મોટો ખતરો બની શકે છે
હવે એ જોવું રહ્યું કે પાકિસ્તાન સ્કોર બોર્ડ ઉપર ભારત માટે કેટલું લક્ષ્ય મૂકે છે. ભારતીય ટીમના બેટિંગની વાત કરીએ તો ભારતમાં ટોપ ઓર્ડરના ત્રણેય બેટ્સમેન રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી ખૂબ જ સારા ફોર્મમાં છે. તેમાં તો ચેસ કિંગ વિરાટ કોહલીનો રેકોર્ડ પાકિસ્તાન સામે ઉત્કૃષ્ટ છે, માટે તેઓ પાકિસ્તાન માટે એક મોટો ખતરો બની શકે છે.
આ પણ વાંચો -- GONDAL : નવરાત્રી પહેલા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદના વધામણાં