રાજ્યના 24 દેવસ્થાનોમાં મહાસફાઈ અભિયાન શરૂ, રાજકોટથી CM ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો પ્રારંભ
આજે અક્ષય તૃતિયાના દિવસથી રાજ્યના યાત્રાધામોમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કહેવાય છે કે, સ્વચ્છતા ત્યા પ્રભુતા. આ શબ્દોને ધ્યાને રાખી રાજ્ય સરકાર યાત્રાધામોની સાફસફાઈ અભિયાન શરૂ કરી રહી છે. યાત્રાધામોના સ્થળોએ સારામાં સારી સ્વચ્છતા રહે તેવી અપેક્ષા યાત્રીકો દ્વારા રાખવામાં આવતી હોય છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના બાલાજી હનુમાન મંદિરથી આ મહાસફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. જણાવી દઇએ કે, રાજ્યના 24 સ્થળે દેવસ્થાનોમાં ભાજપ દ્વારા મહાસફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
મહાસફાઈ અભિયાનનો CM ભૂપેન્દ્ર પટેલે રાજકોટના બાલાજી હનુમાન મંદિરથી કરાવ્યો પ્રારંભ
મોટી સંખ્યામાં ભક્તો યાત્રાધામમાં પ્રભુના દર્શનાર્થે જતા હોય છે ત્યારે ઘણી વખત આ ધાર્મિકસ્થળો પર ગંદકી જોવા મળી જાય છે તે ન રહે અને ભક્તોને યાત્રાધામનું પરિસર સ્વચ્છ મળી રહે તેવી આશા સાથે આજથી રાજ્યના દેવસ્થાનોમાં મહાસફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના બાલાજી હનુમાન મંદિરથી કરાવ્યો છે. તો બીજી તરફ અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે હર્ષ સંઘવી, સુરતના અંબાજી મંદિર ખાતે સી.આર પાટીલ, ઊંઝા ઉમિયા ધામ ખાતે ઋષિકેશ પટેલ તેમજ ગાંધીનગરના અક્ષરધામ ખાતે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ સફાઈ અભિયાન યોજાઇ રહ્યું છે. વળી સફાઈ અભિયાનમાં ભાજપ કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. સ્વચ્છતા કેટલી જરૂરી છે તેવી લોક જાગૃતિ ફેલાવવાના ભાગરુપે રાજયમા આવેલા પવિત્ર યાત્રાધામની અક્ષય તૃતિયાના દિવસે એટલે આજથી વિશેષ યાત્રાધામ સફાઈ કાર્યક્રમ હાથ ધરવામા આવ્યો છે. આજે રાજ્યના 24 જેટલા યાત્રાધામ પર મંત્રીઓ, ધારાસભ્ય અને સાંસદો આ સફાઈ કરીને ઝુંબેશમા જોડાનાર છે.
ઉલ્લેખનીય છે કે, યાત્રાધામોએ યોગ્ય સ્વચ્છતા રહે તે માટે રાજ્ય સરકારે સમગ્ર ભારતમાં એક પહેલ કરીને સ્વચ્છતાનું વિરાટ પગલું ભર્યું છે. માત્ર મંદિરો જ નહી પરંતુ મંદિરોને જોડતા રસ્તા અને પરિસરને પણ સ્વચ્છ રાખવા સોમનાથ, દ્વારકા, ગીરનાર, અંબાજી સહિત આઠ તિર્થ સ્થળો પર 24×7 સફાઈ કરવામા આવે છે. લોકોની જાગૃતિ અને ભારત સ્વચ્છ અભિયાનમાં જોડાવાની ગુજરાતની સર્વગ્રાહી પહેલથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરેલી કલ્પના ગુજરાતમાં સાકાર થશે. જેના ભાગરુપે રાજયમાં આવેલા પવિત્ર યાત્રાધામની અક્ષય તૃતિયાના દિવસે એટલે કે આજે વિશેષ યાત્રાધામ સફાઈ કાર્યક્રમ હાથ ધરવામા આવનાર છે.
આ પણ વાંચો - સમગ્ર રાજ્યમાં આજથી યાત્રાધામ સફાઈ અભિયાન શરૂ, જાણો જુનાગઢમાં કેવી છે તૈયારીઓ