કેશ ફૉર ક્વેરી: TMC સાંસદ મહુઆ મોઇત્રાની સંસદ સદસ્યતા રદ, એથિક્સ કમિટિનો રિપોર્ટ મંજૂર થતા નિર્ણય
તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મહુઆ મોઇત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેશ ફૉર ક્વેરી મામલે મહુઆ મોઇત્રાની સંસદની સદસ્યતા આખરે રદ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આજે એટલે કે શુક્રવારે લોકસભામાં આચાર સંહિતા સમિતિનો રિપોર્ટ (એથિક્સ કમિટિ રિપોર્ટ) રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પર ચર્ચા બાદ ધ્વનિ મતથી વોટિંગ કરવામાં આવ્યું હતું. જો કે, કેટલાક વિપક્ષી સાંસદોએ આ દરમિયાન વૉકઆઉટ કર્યું હતું. ત્યાર બાદ રિપોર્ટ મંજૂર કરવામાં આવ્યો હતો.
બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રા પર આરોપ લગાવ્યો હતો કે તેમણે સંસદમાં સવાલ પૂછવા માટે લાંચ લીધી હતી. તેમની આ ફરિયાદને લોકસભા અઘ્યક્ષે એથિક્સ કમિટિને મોકલી હતી. તપાસ બાદ કમિટિએ આજે લોકસભામાં રિપોર્ટ રજૂ કર્યો હતો. એથિક્સ કમિટિએ રિપોર્ટમાં મહુઆ વિરુદ્ધના આરોપોને ખૂબ જ ગંભીર ગણાવ્યા હતા અને કાર્યવાહી કરવાની માગ કરી હતી. આ સાથે સંસદ સદસ્યતા રદ કરવાની માગ પણ કરી હતી. રિપોર્ટ પર ચર્ચા દરમિયાન ટીએમસી, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી સાંસદોએ મહુઆ મોઇત્રાને પોતાનો પક્ષ રાખવા માટે બોલવાની મંજૂરી આપવાની માગ કરી હતી. જો કે, બીજેપી સાસંદોએ આ માગનો વિરોધ કર્યો હતો.
લોકસભામાં હંગામો, કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી
મહુઆ મોઇત્રા પર તેમના મિત્ર હિરાનંદાની સાથે સંસદ લોગિન આઇડી અને પાસવર્ડ શેર કરવાના આરોપ પણ લાગ્યો હતો. લોકસભામાં રિપોર્ટ રજૂ થયા બાદ જોરદાર હંગામો થયો હતો. આ હંગામાના કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. સદનની કાર્યવાહી ફરી શરૂ થયા બાદ સ્પીકર ઓમ બિરલાએ આ મામલે ચર્ચા માટે સમય આપ્યો હતો. ત્યાર બાદ એથિક્સ કમિટિની રિપોર્ટ પર ચર્ચા થઈ હતી. દરમિયાન કોંગ્રેસ સાંસદે પૂછ્યું કે મહુઆ મોઇત્રા પર કાર્યવાહી કરવાની આટલી ઉતાવળ કેમ છે? કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે, મહુઆને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરી તક મળવી જોઈએ. કમિટિ કેવી રીતે નક્કી કરી શકે કે સાંસદને શું સજા આપવી જોઈએ? આ અંગે ગૃહ નક્કી કરશે. આ ન્યાયના અધિકારની વિરુદ્ધ છે. મનીષ તિવારીના વાંધાઓ પર ઓમ બિરલાએ કહ્યું કે, આ સદન છે, કોર્ટ નથી. હું ન્યાયાધીશ નથી, હું લોકસભાનો સ્પીકર છું.
જણાવી દઈએ કે, બીજેપી સાંસદ વિનોદ કુમાર સોનકરની અધ્યક્ષતાવાળી 15 સભ્યોની આચાર સમિતિએ 9 નવેમ્બરે રિપોર્ટ સ્વીકાર કર્યો હતો. આ સમિતિ સામે જેના વિરુદ્ધ આરોપ લગાવવામાં આવે છે તે સાંસદને પોતાનો પક્ષ રાખવા માટે બોલાવવામાં આવે છે. સાથે જ આક્ષેપો કરનાર સાંસદને પણ પુરાવા રજૂ કરવા માટે સમિતિ સમક્ષ બોલાવવામાં આવે છે.
આ પણ વાંચો- PAKISTAN માં આતંકવાદીઓની સતત હત્યા મામલે INDIA એ પહેલીવાર આપી પ્રતિક્રિયા…