West Bengal : ભાજપની સરકાર બનવા દો, TMC મુસ્લિમ ધારાસભ્યોને બહાર ફેંકી દેઈશું... સુવેન્દુ અધિકારીના નિવેદન પર હંગામો
- સુવેન્દુ અધિકારીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ
- TMCએ નિવેદનનો વિરોધ કર્યો
- શુભેન્દુને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા
West Bengal : પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ ભાજપના ધારાસભ્યનું માઈક બંધ કરી દેવા પર વિરોધ કર્યો છે. આ સંદર્ભે તેમણે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે એકવાર ભાજપની સરકાર સત્તામાં આવી જવા દો. TMCના તમામ મુસ્લિમ ધારાસભ્યોને રસ્તા પર ફેંકી દઈશું.તૃણમૂલ કોંગ્રેસે આ નિવેદનની સખત નિંદા કરી છે અને તેમની માનસિક સ્થિતિ પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેની દુશ્મનાવટ કોઈનાથી છૂપાયેલી નથી. રાજ્યની મમતા સરકાર સામે ભાજપ હંમેશા આક્રમક વલણ અપનાવે છે. આ જ કારણ છે કે ઘણી વખત બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો જોવા મળે છે. ખાસ કરીને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી સરકાર વિરુદ્ધ મોરચો ખોલતા રહે છે. આ જ કારણ છે કે તેમને ઘણી વખત ગૃહમાંથી બહાર પણ કાઢવામાં આવ્યા છે. હવે સુવેન્દુ અધિકારીનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે.
વિપક્ષના નેતાનું વિવાદાસ્પદ નિવેદન
વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ વિધાનસભા અધ્યક્ષ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ભાજપના ધારાસભ્યના માઈક બંધ કરવા પર આ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ભાજપ સરકાર સત્તામાં આવવા દો પછી, અમે TMCના તમામ મુસ્લિમ ધારાસભ્યોને પણ ઉપાડીને ગૃહની બહાર રસ્તા પર ફેંકી દઈશું.
આ પણ વાંચો :
TMCએ નિવેદનનો વિરોધ કર્યો
અધિકારીના આ નિવેદન બાદ રાજકારણ પણ તેજ થઈ ગયું છે. અનેક આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જોકે, આ પહેલી વાર નથી જ્યારે શુભેન્દુએ આવું નિવેદન આપ્યું હોય, આ પહેલા પણ તે પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે સમાચારમાં રહી ચૂક્યો છે. સુવેન્દુ અધિકારીના વિવાદાસ્પદ નિવેદન બાદ, મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે સખત વાંધો વ્યક્ત કર્યો છે અને તેમના ભાષણને 'નફરતી' ગણાવ્યું છે. એટલું જ નહીં, ટીએમસીએ સુવેન્દુ અધિકારીની માનસિક સ્થિતિ પર પણ સવાલો ઉઠાવ્યા છે.
શુભેન્દુને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
સુવેન્દુ અધિકારીને 17 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે તેમને સમગ્ર બજેટ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યની મમતા સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે આ સરકાર સાંપ્રદાયિક વહીવટ ચલાવી રહી છે અને તેમણે તેને મુસ્લિમ લીગનું બીજું સ્વરૂપ પણ ગણાવ્યું હતું. હાલમાં, શુભેન્દુના આ નિવેદન પર ભાજપ હાઇકમાન્ડ મૌન છે.
હજુ તો કાલે જ યુપીના બલિયાના ભાજપના ધારાસભ્ય કેતકી સિંહે તમામ હોસ્પિટલોમાં મુસ્લિમો માટે અલગ વોર્ડ બનાવવાની માંગ કરી હતી. આ પ્રકારે દેશની જનતામાં ભાગલા પાડવાના નિવેદનો ભાજપ સરકારના ઘણા નેતાઓ પહેલા પણ આપી ચુક્યા છે. તે છતા પણ ભાજપે તેમના વિરુદ્ધ કોઈ જ પગલા લીધા નથી. જે ક્યાંક ને ક્યાંક ભાજપની જાતિવાદી માનસિકતાને ઉજાગર કરે છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ હજુ આપણે આ જાતિવાદી માનસિકતામાંથી બહાર આવી શક્યા નથી. તે ખરેખર શરમજનક છે. અને તેમાય જો જનતાના પ્રતિનિધિઓ અને સરકાર જ આવા નિવેદનો આપી જાતિવાદને બઢાવો દઈ રહ્યા હોય ત્યારે બધાએ વિચારવુ પડશે કે આજના ટેક્નોલોજીના આધુનિક સમયમાં આપણો દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે. સરકારના પ્રતિનિધિઓ બેફામ આવા જાતિવાદી અને અસમાનતાના નિવેદનો આપી દેશની એકતા તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે તે સ્પષ્ટ જણાઈ રહ્યુ છે.
આ પણ વાંચો : વિદેશમાં નોકરીની લાલચે જનારા યુવકો ચેતી જજો!