Bharuch: રિસેસમાં રમતા સમયે 7 વર્ષની બાળકીને શાળામાં વીજ કરંટ લાગતા થયું મોત
Bharuch: અત્યારે બાળકોને શાળાએ મૂકાવાં કે કેમ તે પણ ચિંતાનો વિષય બની ગયો છે.ભરૂચ (Bharuch) ના જંબુસર ખાતે વીજ કરંટ લાગતા માસૂમનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વેડચ ગામે પ્રાથમિક શાળામાં બાળકીને કરંટ લાગ્યો હોવાની જાણકારી સામે આવી છે. દુઃખદ વાત તો એ છે કે, ભણવા માટે ગયેલી 7 વર્ષીય કાજલ હરેશ જાદવને વીજ કરંટ લાગતા અકાળે જ તેનું મોત થયું છે.
વીજ કંપનીની બેદરકારીને કારણે દંપતીએ દીકરી ગુમાવી
ઉલ્લેખનીય છે કે, વીજ કંપનીની બેદરકારીને કારણે દંપતીએ દીકરી ગુમાવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. રિસેસમાં રમતા સમયે વીજ પોલને અડી જતા કરંટ લાગ્યો અને ત્યા જ તેનું મોત થઈ ગયું હતું. નોંધનીય છે કે, પરિવારમાં અત્યારે ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. માત્ર 7 વર્ષની બાળકીનો અકાળ જીવ જતા માતા સહિત પરિવાર હૈયાફાટ રૂદન કરી રહ્યો છે.
પોતાના બાળકોને ભણવા મુકવા કે કેમ?
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બાળકોના અકાળે જીવ જઈ રહ્યા છે. મોરબી પુલ કાંડ, વડોદરા હરણી બોટ કાંડ, સુરત તક્ષશિલા કાંડ, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓમાં અનેક બાળકોના જીવ ગયા છે. ત્યારે હવે ભરૂચ (Bharuch)ની એક પ્રાથમિક શાળામાં 7 વર્ષની બાળકીનું વીજ કરંટ લાગતા મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. તો હવે પ્રશ્ન એ થયા છે કે, આવી સ્થિતિમાં પોતાના બાળકોને ભણવા મુકવા કે કેમ? કારણે કે, ડગલેને પગલે બાળકો પર ખતરો મંડરાઈ રહ્યો છે.