Amritpal ને શા માટે અસમ જેલમાં રખાશે? રાસુકા હેઠળ નોંધાયા અનેક ગુના
Amritpal Arrest: પંજાબ પોલીસે મોગાના રોડે ગામના ગુરુદ્વારામાંથી અમૃતપાલ સિંહની ધરપકડ કરી છે. વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલસિંહ પર રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (રાસુકા) સાથે અન્ય છ કેસ પણ નોંધવામાં આવ્યા છે. જેમાં હત્યા, અપહરણ અને ખંડણી જેવા ગંભીર ગુનાની કલમો લાગી છે. બીજી તરફ ધરપકડ બાદ અમૃતપાલ સિંહને આસામની ડિબ્રુગઢ જેલમાં લઈ જવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર અમૃતપાલને પંજાબ કે નજીકની જેલમાં ન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમૃતપાલને પંજાબની જેલમાં રાખવાથી રાજ્યમાં તણાવ વધવાની આશંકાને જોતા અમૃતપાલને પંજાબ કે તેની આસપાસની કોઈ જેલમાં બંધ રાખવા પર અજનાલા પોલીસ સ્ટેશન જેવી ઘટના થવાની પણ આશંકા હોવથી અમૃતપાલને પંજાબથી દુર અસમની ડિબ્રુગઢ જેલમાં મોકલવાનો નિર્ણય કરાયો છે જેથી પંજાબમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. અમૃતપાલના સાથીઓને પણ ડિબ્રુગઢ જેલમાં રાખવામાં આવ્યા છે.
ડિબ્રુગઢ જેલ આસપાસ કિલ્લેબંધી
અસમ પોલીસને ડિબ્રુગઢ જેલ આસપાસ ચુસ્ત સુરક્ષા ગોઠવવા અને જેલમાં આવતા-જતાં લોકોની સંપૂર્ણ તપાસ અને તેમનું વિવરણ રેકોર્ડમાં રાખવા જણાવ્યું છે. રાજ્ય પોલીસ સિવાય કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળને પણ જેલની આજુબીજુના વિસ્તારમાં તૈનાત કરાયા છે.
મળતી મહિતી અનુસાર અમૃતપાલને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ અને પંજાબ પોલીસના સંયુક્ત પ્રયાસથી ઝડપવામાં આવ્યો છે. પંજાબ પોલીસની એક ટીમ સાથે ભટિંડા એરપોર્ટથી એક વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ સવારે 8.25 વાગ્યે ઉપડી અને બપોરે 2.20 વાગ્યે ડિબ્રુગઢ એરપોર્ટ પહોંચી જ્યાંથી તેમને તાત્કાલિક ડિબ્રુગઢ જેલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબી તપાસ બાદ તેમને સેલમાં રાખવામાં આવ્યા હતા.
- આ પણ વાંચો : જાણો, અમૃતપાલને જ્યાં રખાયો છે તે ડિબ્રુગઢ જેલ વિશે
અમૃતપાલ પર રાસુકા સહિત આ કેસો નોંધાયેલા છે
- અમૃતપાલ સિંહ વિરુદ્ધ 16 ફેબ્રુઆરી 2023ના રોજ પહેલો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ અપહરણ અને ટોર્ચર સાથે સંબંધિત હતો.
- આ પછી અમૃતપાલ સિંહ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલો 23 ફેબ્રુઆરીએ અજનલા પોલીસ સ્ટેશનનો છે, જ્યાં અમૃતપાલ અને તેના સમર્થકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને તેમના ધરપકડ કરાયેલા સાથી લવપ્રીત સિંહ તુફાનને છોડાવ્યો અને અથડામણમાં ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.
- આ પછી 18 માર્ચે, જ્યારે પોલીસ અમૃતપાલ સિંહની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી હતી, તે દરમિયાન અમૃતપાલ સિંહે ભાગવાનો પ્રયાસ કર્યો અને આ પ્રયાસમાં તેની કાર પોલીસકર્મીઓની કાર સહિત અનેક વાહનોને ટક્કર મારી. જેના કારણે પોલીસે અમૃતપાલ સિંહ વિરુદ્ધ ખોટી રીતે ડ્રાઇવિંગ અને સરકારી કર્મચારી પર હુમલો કરવાના આરોપમાં કેસ નોંધ્યો છે.
- 19 માર્ચે જ્યારે પંજાબ પોલીસ અમૃતપાલ સિંહને શોધી રહી હતી, ત્યારે પોલીસે અમૃતપાલના સહયોગીઓ પાસેથી હથિયારો કબજે કર્યા હતા, ત્યારબાદ પોલીસે અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. ખિલચિયન પોલીસે અમૃતપાલ સિંહ સામે બેફામ ડ્રાઇવિંગ, ગુનાહિત ઉશ્કેરણી અને ફરજ પરના સરકારી કર્મચારીઓને અવરોધવાના આરોપમાં પણ કેસ નોંધ્યો હતો.
- 21 માર્ચે પોલીસે અમૃતપાલ સિંહ વિરુદ્ધ શાહકોટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો. આ કેસ ગેરકાયદેસર ખંડણી અને રમખાણો અને આર્મ્સ એક્ટ સાથે સંબંધિત હતો. વાસ્તવમાં, ફરાર થવા દરમિયાન અમૃતપાલ સિંહ નાંગલે આંબિયા ખુર્દ ગામના ગુરુદ્વારામાં ગુરુદ્વારાના ગ્રંથીને ધમકાવવા અને બંદૂકની મદદથી પોતાના પુત્રના કપડા લઈ જવાનો કેસ દાખલ કર્યો હતો. દરમિયાન, અમૃતપાલ સિંહ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (રાસુકા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે દેશની સુરક્ષા માટે ખતરો ગણાતા વ્યક્તિ વિરુદ્ધ NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. અમૃતપાલની સાથે તેના સહયોગીઓ પર પણ NSA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
રાસુકા કાયદો શું છે? અને શું છે તેની જોગવાઈ?
રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (National Security Act) રાસુકાના ટુંકા નામથી ઓળખાય છે. જો કેન્દ્ર અને રાજ્ય સરકારને લાગે કે કોઈ વ્યક્તિ કાનુન વ્યવસ્થા ચલાવવામાં અડચણરૂપ બને છે કે આવશ્યક સેવાની આપૂર્તિમાં વિક્ષેપ બને છે તો સંબંધિત સરકાર દ્વારા તેની ધરપકડ કરવામાં આવી શકે છે. ઈન્દિરા ગાંધીની સરકાર દરમિયાન 23 સપ્ટેમ્બર 1980ના રોજ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો અમલમાં આવ્યો હતો. રાસુકાની શંકાસ્પદ વ્યક્તિને 12 મહિના સુધી કોઈ આરોપ વિના કેદ થઈ શકે છે.
IB અને RAW અમૃતપાલની પુછપરછ કરશે
સમાચાર એજન્સી અનુસાર ઈન્ટેલિજેન્સ બ્યૂરો (IB), રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) તથા અન્ય ગુપ્તચર એજન્સીઓની એક ટીમ અમૃતપાલની પુછપરછ કરશે. તેમના ફંડિંગ વિશે પુછપરછ કરવામાં આવશે કારણ કે એજન્સીઓને પાકિસ્તાન અને અન્ય દેશમાં તેમના આકાઓ સાથેના કનેક્શનની અનેક જાણકારીઓ મળી છે.
આ પણ વાંચો : 19 વર્ષની ઉંમરે ગામ છોડ્યું, જાણો અમૃતપાલ સાથે જોડાયેલી 10 મોટી વાતો