Russia Terrorist Attack : જાણો કેમ અમેરિકાએ કરી હતી ભવિષ્યવાણી? 14 દિવસ પછી જ થયો આતંકી હુમલો
Russia Terrorist Attack : અમેરિકાએ 14 દિવસ પહેલા પોતાના નાગરિકોને કહ્યું હતું કે, ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળજો. અમેરિકાની આ ચેતવણીના 14 દિવસ બાદ જ રશિયાના મોસ્કોમાં આતંકી હુમલો થયો છે. જેમાં અત્યાર સુધીમાં 60 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ સાથે મીડિયો એજન્સીઓ દ્વારા મળતી વિગતો પ્રમાણે 145 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. રશિયામાં આવેલા અમેરિકી દુતાવાસે રશિયાની રાજધાની મોસ્કો પર સંભવિત ખતરાને લઈને ચેતવણી આપી હતીં. અમેરિકી અધિકારીઓએએક ખુફિયા રિપોર્ટ પ્રમાણે વાત કરી હતી કે, ‘કેટલાક ઉગ્રવાદી સંગઠનો મોસ્કોમાં ગીચ વિસ્તારો અને કોન્સર્ટ સહિતના મોટા મેળાવડાઓને નિશાન બનાવી હુમલાની યોજના બનાવી રહ્યા છે.’ આ નિકટવર્તી ખતરાને ધ્યાનમાં રાખીને દૂતાવાસે રશિયામાં હાજર અમેરિકન નાગરિકોને સાવચેતી રાખવા અને ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવા વિનંતી કરી છે.
આતંકી હુમલામાં 60 લોકોના મોત થયા
ઉલ્લેખનીય છે કે, જ્યારે આ આતંકીઓ હુમલો કર્યો ત્યારે આ હોલમાં ‘પિકનિક મ્યૂઝિક’ બેન્ડનું પરફોર્ન્સ ચાલી રહ્યું છે. આ મ્યુઝિક કોન્સર્ટની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. એક અનુમાન મુજબ જ્યારે આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો ત્યારે હોલમાં 6200 લોકો હાજર હતા. ક્રોકસ ખાતે હોલની મહત્તમ ક્ષમતા 9,500 લોકો છે. રશિયાના એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, આતંકવાદીઓએ પહેલા સુરક્ષાકર્મીઓની હત્યા કરી અને પછી કોન્સર્ટ હોલની એન્ટ્રી અને એક્ઝિટ બંધ કરી દીધી અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. વિસ્ફોટ બાદ કોન્સર્ટ હોલના ઉપરના માળે આગ ફાટી નીકળી હતી અને છતનો એક ભાગ તૂટી પડ્યો હતો.
રશિયાના મોસ્કોમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘ભારત દુખની આ ઘડીમાં સરકાર અને રશિયન ફેડરેશનના લોકો સાથે એકતામાં ઊભું છે.’
રશિયા એ શોધી કાઢશે કે આ હુમલા પાછળ કોણ છે? : રશિયા
રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘વ્હાઈટ હાઉસે કહ્યું કે તેને મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલામાં યુક્રેન અથવા યુક્રેનિયનો સામેલ હોવાના કોઈ સંકેત મળ્યા નથી. આ દુર્ઘટના વચ્ચે વોશિંગ્ટનમાં બેઠેલા અધિકારીઓ કયા આધારે કોઈની નિર્દોષતા વિશે તારણો કાઢી રહ્યા છે? જો યુનાઇટેડ સ્ટેટ્સ પાસે આ સંબંધમાં કોઈ વિશ્વસનીય માહિતી હોય અથવા હોય, તો તે તરત જ રશિયન બાજુને ટ્રાન્સફર કરવી જોઈએ. અને જો આવી કોઈ માહિતી ન હોય તો વ્હાઇટ હાઉસને કોઈને પણ ક્લીનચીટ આપવાનો અધિકાર નથી. રશિયા એ શોધી કાઢશે કે આ હુમલા પાછળ કોણ છે?’
વિસ્ફોટમાં યુક્રેનની કોઈ સંડોવણી નથીઃ યુક્રેન રાષ્ટ્રપતિ
આ હુમલાને લઈને યુક્રેનનું પણ એક નિવેદન સામે આવ્યું છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે મોસ્કો કોન્સર્ટ હોલમાં ગોળીબાર અને વિસ્ફોટમાં યુક્રેનની કોઈ સંડોવણી નથી. વિસ્ફોટ બાદ લાગેલી આગને કારણે કોન્સર્ટ હોલનો મોટાભાગનો ભાગ આગની લપેટમાં આવી ગયો હતો અને છત આંશિક રીતે પડી ગઈ હતી. રશિયન રાજ્ય મીડિયા અનુસાર, હુમલાખોરોએ ગ્રેનેડ અથવા ઉશ્કેરણીજનક બોમ્બ ફેંક્યા હતા, જેના કારણે હોલમાં આગ લાગી હતી.