અમદાવાદની સ્થાપનાના 614 વર્ષ બાદ પ્રથમ વખત નગરદેવીની યાત્રા, બપોરના 12 સુધી બજારો-રોડ બંધ રહેશે
- નગરદેવીની 6.25 કિમી લાંબી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે
- મંદિરને રંગબેરંગી લાઈટિંગ્સથી સુશોભિત કરવામાં આવ્યુ
- અલગ-અલગ સ્પોર્ટ પર ભવ્ય સ્વાગત વિધિ કરવામાં આવશે
- નગરયાત્રાના માર્ગ પર 300 કિલો બુંદીની મહાપ્રસાદ વિતરણ કરાશે
26મી ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ છે અને મહાશિવરાત્રિ પર્વ પણ છે. ત્યારે અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળવાના છે. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઊમટશે. સવારે 7:30 વાગ્યે પ્રસ્થાન થનારી નગરયાત્રા સૌથી જૂના શહેરના વિસ્તારમાં ફરવાની છે.
જગન્નાથની જેમ નગરદેવી ભદ્રકાલીની નીકળશે યાત્રા | Gujarat First#BhadrakaliYatra #DivineProcession #SpiritualJourney #AhmedabadFestival #GoddessBhadrakali #GujaratFirst pic.twitter.com/FA0AmP2M76
— Gujarat First (@GujaratFirst) February 25, 2025
ત્યારે ગુજરાત ફર્સ્ટ આપને જણાવી રહ્યું છે કે, આપ નગરયાત્રા જોવા માટે જવાના છો અને તમારે માતાજીની ચરણ પાદુકાનાં દર્શન કરવા છે તો કઈ જગ્યાએ તમે જઈ શકો છો. સમગ્ર યાત્રાનો રૂટ અને કયા સ્થળે માતાજીની આરતી થશે? માતાજીની સ્થાપના અને નગરયાત્રાનો શું છે ઈતિહાસ? તે સહિતની માહિતી આપની સમક્ષ રાખવામાં આવી છે.
મેયર નગરયાત્રાનું પ્રસ્થાન કરાવશે, જુઓ ક્યાં પૂજા-આરતી થશે
અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલા નગરદેવી ભદ્રકાળી માતાજી મંદિરના ટ્રસ્ટી શશીકાંતભાઈ તિવારીએ જણાવ્યું હતું કે, સવારે 7:00 વાગ્યે માતાજીની આરતી અને પૂજા થશે. ભદ્ર પરિસરમાં આવેલા માતાજીના પંજાની આરતી અને પૂજા થશે. ત્યારબાદ માતાજીની પાદુકા રથમાં મૂકવામાં આવશે. અમદાવાદના નગરપતિ એટલે કે, મેયર દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે, જેમાં મોરપીંછથી રસ્તો વાળી માતાજીની નગરયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. આ નગરયાત્રા ભદ્ર પરિસરથી ત્રણ દરવાજા થઈ માણેકચોક માણેકનાથ દાદાની આરતી કરવામાં આવશે. ત્યાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે પહોંચશે, જ્યાં ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ આરતી ઉતારશે.
ભદ્રકાળી મંદિરથી લઈને ત્રણ દરવાજા માણેકચોક સુધીના રસ્તા ખૂબ સાંકડા છે. માણેકચોકમાં થઈને માંડવીની પોળ પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફ જવાનો રોડ જે અંદાજે બે કિલોમીટરનો છે. જેમાં ખૂબ સાંકડો રસ્તો હોવાથી જો ભીડ વિના આ યાત્રા જોવા ઇચ્છતા હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસના મુખ્ય રોડ ઉપરથી લોકો આ યાત્રા જોઈ શકશે. ખાસ કરીને નગરયાત્રા દરમિયાન માતાજીની આરતી દરેક સ્થળ ઉપર ઉતારવામાં આવશે.
ત્યારબાદ ખમાસાથી જમાલપુર જગન્નાથ મંદિર ખાતે જશે, ત્યાં જગન્નાથ મંદિરે આરતી ઉતારવામાં આવશે. ત્યારબાદ રિવરફ્રન્ટ પાસે સાબરમતી નદી ખાતે જશે. સાબરમતી નદીની પણ આરતી ઉતારવામાં આવશે. ત્યાંથી મહાલક્ષ્મી મંદિર ખાતે માતાજીની આરતી ઉતારી અને વસંત ચોક ખાતે પહોંચશે. વસંત ચોકમાં માતાજીની આરતી ઉતારી અને લાલ દરવાજા વીજળી ઘરથી પરત ભદ્ર પરિસર ખાતે પહોંચશે. મંદિરે પરત ફર્યા બાદ માતાજીનો હવન થશે અને ત્યારબાદ ભંડારો યોજાશે, જેમાં પાંચ હજાર લોકો આ ભંડારાના પ્રસાદમાં ભાગ લેશે.
આ રોડ-રસ્તા અને બજારો બંધ રહેશે...
યાત્રાને લઈને કાલે સવારે 7 વાગ્યાથી ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા, માણેકચોક, માંડવીની પોળ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન, ખમાસા જમાલપુર દરવાજા જગન્નાથ મંદિર, ગાયકવાડ હવેલી, રિવરફ્રન્ટ મહાલક્ષ્મી મંદિર, લાલ દરવાજા વીજળી ઘર તરફના તમામ રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ રહેશે. યાત્રા પસાર થઈ ગયા બાદ રસ્તા નાગરિકોની અવરજવર માટે ખુલ્લા મૂકી દેવામાં આવશે. સાથે લાલ દરવાજા ભદ્ર બજાર, માણેકચોક સોની બજાર સહિતનાં બજારો બપોર સુધી બંધ રહેશે.
યાત્રામાં માત્ર 20 જ વાહનને મંજૂરી અપાઈ
ટ્રસ્ટી શશીકાંતભાઈ તિવારીએ જણાવ્યું કે, નગરદેવીની યાત્રા માટે પોલીસ કમિશનર દ્વારા માત્ર 20 જ વાહનને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રથ, છોટા હાથી અને ખુલ્લી જીપનો સમાવેશ થાય છે. છોટા હાથીમાં જ ભજન મંડળીઓ રાખવામાં આવશે. ખુલ્લી જીપમાં બેસીને આ યાત્રા નીકળવાની છે. પોલીસ કમિશનર તરફથી માત્ર 20 વાહનોની પરમિશન આપવામાં આવી છે. અન્ય હાથી, ઘોડા, પાલખી કે અખાડા કોઈ પણ અન્યની પરમિશન આપવામાં આવી નથી. જોકે, આવતીકાલે જ્યારે નગરયાત્રા આવશે, ત્યારે બીજા લોકો પણ જોડાય તેવી શક્યતા છે. વર્ષો બાદ યાત્રા નીકળવાની હોવાથી માત્ર 20 વાહનોને પોલીસ કમિશનરે મંજૂરી આપી છે, પરંતુ અંદાજ મુજબ 50થી વધારે વાહનો હોઈ શકે છે.
મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યો નગરયાત્રા અને સ્થાપનાનો ઈતિહાસ
અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલા નગરદેવી ભદ્રકાળી માતાજી મંદિરના ટ્રસ્ટી શશીકાંતભાઈ તિવારીએ જણાવ્યું હતું કે, શહેર પહેલાં કર્ણાવતી નગર તરીકે ઓળખાતું હતું. કર્ણાવતી નગરને વસાવનાર રાજા કર્ણદેવ હતા અને તેમનાં કુળદેવી ભદ્રકાળી માતાજી હતાં. રાજા કર્ણદેવે માતા ભદ્રકાળીની સ્થાપના કરી હતી, જેથી તેમને નગરદેવી તરીકે કહેવામાં આવ્યાં છે. લોકવાયકા મુજબ 614 વર્ષ પહેલાં કર્ણાવતી નગર હતું, ત્યારે માતાજીની નગરયાત્રા નીકળતી હતી. જે સમયથી મોગલકાળ શાસન શરૂ થયું, ત્યારથી આ નગરયાત્રા બંધ થઈ ગઈ હતી.