યોગ્ય રીતે નથી બન્યો પુલ એટલે વારંવાર તૂટે છે : નીતિશ કુમાર
બિહારના ભાગલપુરમાં, રવિવારે એક નિર્માણાધીન પુલ તૂટી પડ્યો અને થોડી જ વારમાં તે ગંગા નદીમાં ડૂબી ગયો. એસપી સિંગલા કન્સ્ટ્રક્શન કંપની આ બ્રિજ બનાવી રહી હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પુલ ધરાશાયી થવાની ઘટના પર પ્રતિક્રિયા આપી છે. બ્રિજ બનાવતી કંપની પર સવાલ ઉઠાવતા નીતીશ કુમારે કહ્યું કે તે એક વર્ષ પહેલા પણ તૂટી ગયો હતો. ગઈ કાલે ફરી પડ્યો. તે યોગ્ય રીતે બનાવવામાં આવ્યો ન હતો તેથી તે વારંવાર તુટી રહ્યો છે.
નીતિશ કુમારે કહ્યું, થોડા સમય પહેલા પણ આવું થયું હતું. અમે પૂછ્યું હતું કે આવું કેમ થયું. અમે તેને લાંબા સમય પહેલા બનાવવાનું નક્કી કર્યું છે. 2012 માં તેને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે 2014માં બનાવવાનું શરૂ કર્યું. જેને (કોન્ટ્રેક્ટ) આપવામાં આવ્યો હતો, તે આટલા લાંબા સમયમાં કેમ કરી રહ્યો છે. આ પહેલા પણ પુલ તૂટી ગયો હતો, 1 વર્ષ પહેલા પણ અમે કહ્યું હતું. તે ગઈકાલે ફરી તુટી ગયો. જો પુલને યોગ્ય રીતે બનાવ્યો હોત તો આવુ થયુ જ નહોત. આ મામલે બેદરકારી દેખાઇ રહી છે. એક વખત પુલ તૂટ્યા બાદ ફરી તુટે એનો મતલબ તો એ જ થયો કે પુરતી ગંભીરતા લેવાઇ નથી.
1700 કરોડના ખર્ચે તૈયાર કરેલ પુલ 10 મિનિટમાં ગંગામાં સમાયો
આ પુલ 1717 કરોડના ખર્ચે બની રહ્યો હતો. એપ્રિલમાં આવેલા તોફાનના કારણે આ નિર્માણાધીન પુલનો કેટલોક ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો. ખાગરિયા-અગુવાની-સુલતાનગંજ વચ્ચે ગંગા નદી પર બનાવવામાં આવી રહેલા મહાસેતુનો મધ્ય ભાગ રવિવારે તૂટી પડ્યો હતો. પુલનો ઉપરનો ભાગ નદીમાં ડૂબી ગયો છે. જોકે આ અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી. 4 વર્ષ પહેલા સીએમ નીતિશ કુમારે આ પુલનો શિલાન્યાસ કર્યો હતો.
ભાગલપુર બ્રિજ તૂટી પડવાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે નિર્માણાધીન બ્રિજનું સુપર સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું છે. જો કે પુલ તૂટી પડવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજના ત્રણ પિલરની ઉપર બનેલ સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું. ભાગલપુરના સુલતાનગંજમાં બની રહેલો આ પુલ ખગરિયા અને ભાગલપુરને જોડશે.
ભાજપે નીતિશ-તેજશ્વીના રાજીનામાની માંગ કરી છે
નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયા બાદ રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે. ભાજપે આ મામલે મહાગઠબંધન સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા નીતિશ કુમાર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના રાજીનામાની માંગ કરી છે.