બિપોરજોયની મુંબઈમાં અસર, એરપોર્ટ પર એરક્રાફ્ટની કામગીરી પણ પ્રભાવિત, વૃક્ષો ધરાશાયી
બિપોરજોય વાવાઝોડાએ ખૂબ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. વાવાઝોડાના કારણે અરબી સમુદ્રમાં પૂરનો ખતરો જોવા મળી રહ્યો છે. તેની અસર જમીનથી લઈને આકાશ સુધી જોવા મળી રહી છે. ગુજરાત, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહીની શક્યતા વધુ જોવા મળી રહી છે. ખરાબ હવામાનને કારણે મુંબઈમાં અનેક ફ્લાઈટને પણ અસર થઈ હતી.
વાવાઝોડાના કારણે ઘણી ફ્લાઈટ્સ પ્રભાવિત
અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો, ધૂળની ડમરીઓ અને દરિયામાં ઊંચા મોજા જોવા મળ્યા હતા. આ વાવાઝોડાના કારણે ઘણી ફ્લાઈટ્સ પણ પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રને પહેલેથી જ એલર્ટ પર કર્યા છે. બિપોરજોય વાવાઝોડુ હવે દેવભૂમિ દ્વારકાથી 370 કિમી દૂર છે અને 15 જૂન સુધીમાં ગુજરાતના જખૌ બંદરને પાર કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. જણાવી દઇએ કે, વાવાઝોડાને કારણે મુંબઈ એરપોર્ટ પર એરક્રાફ્ટની કામગીરીને અસર થઈ છે. મોટી સંખ્યામાં મુસાફરો તેમની ફ્લાઈટની રાહ જોઈ રહ્યા છે. ઘણી એરલાઈન્સે ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. રવિવારે સાંજે મુંબઈમાં ઘણી ફ્લાઈટ્સનું લેન્ડિંગ રદ કરવામાં આવ્યું હતું. એર ઈન્ડિયાએ આ સંબંધમાં નોટિફિકેશન જારી કરીને કેટલીક ફ્લાઈટ્સમાં વિલંબ વિશે જણાવ્યું છે.
અનેક વૃક્ષો ધરાશાયી થયા
ચક્રવાતને લઈને ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આ દરમિયાન મુંબઈમાં તોફાન આવ્યું અને અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં હવામાન પર દેખરેખ રાખવાની સંસ્થાએ જણાવ્યું કે, સામાન્ય ચક્રવાત અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. હાલમાં ચક્રવાત બિપોરજોય 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના કારણે મુંબઈમાં મરીન ડ્રાઈવ પર ઊંચા મોજા જોવા મળ્યા હતા. IMD અનુસાર, 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળનું તોફાન હળવાથી મધ્યમ વરસાદ સાથે મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘરમાં વિનાશ મચાવી શકે છે. છેલ્લા બે દિવસથી ચક્રવાતની સૌથી વધુ અસર રત્નાગીરી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. પાણીના જોરદાર મોજાની ઝપેટમાં આવતા લોકો અહીં બીચ પર એકઠા થઈ ગયા હતા.
ઘણા રાજ્યોને ચેતવણી
IMD એ વાવાઝોડાના અત્યંત ગંભીર સ્વરૂપ અંગે ઘણા રાજ્યોને ચેતવણી આપી છે. IMDએ જણાવ્યું હતું કે, "રાજ્ય સરકારોને તેમના સંબંધિત વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવા, નિયમિતપણે પરિસ્થિતિની દેખરેખ રાખવા અને યોગ્ય સાવચેતીનાં પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે. જિલ્લા સત્તાવાળાઓને સલાહ આપવામાં આવે છે." IMDએ માછીમારોને ગુજરાત, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપના દરિયામાં ન જવાની સલાહ આપી છે.
આ પણ વાંચો - હવામાન વિભાગે 5 દિવસ માટે આપી આ ગંભીર ચેતવણી, વાંચો તમારા જિલ્લામાં શું થશે…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ