Rohtak: લગ્નની જાનમાં ગેંગવોર, અંધાધૂંધ ગોળીબારમાં 1નું મોત
- હરિયાણાના રોહતકમાં લગ્ન દરમિયાન ગેંગ વોર
- બદમાશોએ લગ્નની જાનમાં આવેલા બે યુવકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો
- આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત
- આ હુમલામાં અમેરિકા સ્થિત ગેંગસ્ટર હિમાંશુ ભાઉ સામેલ
Rohtak : હરિયાણાના રોહતક (Rohtak)માં લગ્ન દરમિયાન ગેંગ વોરના સમાચાર સામે આવ્યા છે. રોહતક જિલ્લાના કિલોઈ ગામમાં એક લગ્ન સમારંભમાં કેટલાક બદમાશોએ લગ્નની જાનમાં આવેલા બે યુવકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય ઘાયલ થયો હતો. મૃતકનું નામ મનજીત અહલાવત છે જે દિગલ ગામનો રહેવાસી છે. જ્યારે બીજો ઘાયલ વ્યક્તિ મનદીપ બાલમ ગામનો છે. આ હુમલામાં અમેરિકા સ્થિત ગેંગસ્ટર હિમાંશુ ભાઉ સામેલ હોવાનું કહેવાય છે.
મનજીત અને મનદીપ ટેબલ પર જમતા હતા ત્યારે બદમાશોએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો
ઝજ્જર જિલ્લાના દિગલ ગામથી લગ્નની જાન કિલોઈ આવી હતી. લગ્નની જાન ભૂમિ ગાર્ડન પહોંચી હતી અને દરેક જણ લગ્નની ઉજવણીમાં સામેલ થયા હતા. ત્યારે અચાનક કાળા રંગની સ્કોર્પિયોમાં કેટલાક બદમાશો ત્યાં આવ્યા હતા. જ્યારે મનજીત અને મનદીપ ટેબલ પર જમતા હતા ત્યારે બદમાશોએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. લગભગ આઠથી દસ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મનજીતને માથામાં ગોળી વાગી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેની સાથે બેઠેલા મનદીપને પગમાં ગોળી વાગી હતી.
પોલીસે તપાસ શરૂ કરી
સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરિવારજનોના નિવેદનના આધારે પોલીસે અજાણ્યા લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મનજીતની હત્યા પાછળ હિમાંશુ ભાઉ ગેંગનો હાથ
સૂત્રોના જણાવ્યા અનુસાર મનજીતની હત્યા પાછળ હિમાંશુ ભાઉ ગેંગનો હાથ છે. અમેરિકામાં રહેતા ગેંગસ્ટર હિમાંશુ ભાઉએ દિલ્હીમાં પણ અનેક ગુના આચર્યા છે.
આ પણ વાંચો---Patna માં વિદ્યાર્થીઓનું ઉગ્ર પ્રદર્શન, Khan Sir ની ધરપકડ થતા સ્થિતિ વણસી
મનજીત અહલાવત દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ હતો
ઘટનાસ્થળે પહોંચેલા ડીએસપી વીરેન્દ્ર સિંહ અને એસએચઓ પ્રકાશ ચંદે કહ્યું કે, તેમને માહિતી મળી હતી કે કિલોઈ ગામમાં એક છોકરીના લગ્ન થઈ રહ્યા છે. અહીં લગ્નની જાનમાં આવેલા બે યુવકો પર અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો છે અને મનજીત નામના વ્યક્તિનું મોત થયું છે. તેમણે જણાવ્યું કે મનજીત અહલાવત દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ રહી ચુક્યા છે અને હાલમાં તે ફાયનાન્સમાં કામ કરતો હતો. તે વરરાજાનો ભાઈ હતો. મૃત્યુ પછી લગ્નનો આનંદ અચાનક જ શોકમાં ફેરવાઈ ગયો.
કોણ છે હિમાંશુ ભાઉ ગેંગ?
હિમાંશુભાઉ ગેંગની ગુનાખોરી ઘણી જૂની છે. હિમાંશુએ સૌપ્રથમ ગોહાનામાં હલવાઈ માતુરામની દુકાન પર ગોળીબાર કરીને અને કરોડો રૂપિયાની ખંડણી વસૂલીને ખ્યાતિ મેળવી હતી. આ પહેલો કેસ હતો જેમાં ભાઉ ગેંગ ચર્ચામાં આવી હતી. ત્યાર બાદ ભાઉ ગેંગ અનેક ગંભીર ગુનાઓને અંજામ આપવા માટે પ્રખ્યાત બની છે. આવા ઘણા કિસ્સાઓ છે જેમાં ભાઉ ગેંગ પોતે જ આગળ આવે છે અને તેની જવાબદારી લે છે.
સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને પોતાની ગેંગમાં જોડે છે
હવે અમેરિકામાં બેસીને હિમાંશુ હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં પોતાની ગેંગ ચલાવે છે અને હરિયાણાની ઘણી ગેંગ તેને આમાં સપોર્ટ કરે છે. આ ગેંગના મુખ્ય લીડર કાલા ખરમપુર હિસાર, નીરજ ફરીદપુર અને સૌરભ ગીડોલી ગુરુગ્રામ છે. જો પોલીસ સૂત્રોનું માનીએ તો આ તમામ ગેંગસ્ટરો હવે અમેરિકામાં છે અને સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને પોતાની ગેંગમાં જોડે છે. તેઓ હરિયાણાની ધરતી પર તેમની સાથે લોહીની રમત રમી રહ્યા છે.
આ પણ વાંચો---"જય શ્રી રામ" બોલાવવાની ફરજ પાડી, બાળકોને થપ્પડ અને ચપ્પલથી માર્યા