Surat : સિનિયર સિટીઝનને દોઢ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૂ.1.5 કરોડ પડાવ્યા
- ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 1.5 કરોડ અલગ અલગ બેંક ખાતાઓમાં પડાવ્યા
- બેંક એકાઉન્ટનો ઉપયોગ સુરતમાં બનેલી ડિજિટલ એરેસ્ટની ઘટનામાં થયો
- બંને આરોપીઓની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી
ડાયમંડ સિટી સુરતમાં સિનિયર સિટીઝનને દોઢ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ અને CBIના નામે ધાકધમકી આપી રૂપિયા 1.05 કરોડ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. મની લોન્ડરિંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સાઇબર ક્રિમિનલ્સ દ્વારા આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. જે સાઇબર ક્રિમિનલ્સને બેંક એકાઉન્ટ ભાડે આપનાર
અમદાવાદની મહિલા સહિત બે આરોપીઓની સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બેંક એકાઉન્ટનો ઉપયોગ સુરતમાં બનેલી ડિજિટલ એરેસ્ટની ઘટનામાં થયો
સુરત સાયબર ક્રાઇમ સેલની પકડમાં આવેલ મહિલા આરોપી સહિત બે લોકોની સુરત સાઇબર ક્રાઇમ સેલ દ્વારા ડિજિટલ એરેસ્ટના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પકડમાં આવેલ મહિલા આરોપીનું નામ કૈલાશબેન અનિલભાઈ કરમશીભાઈ ભંડેરી છે. જે અમદાવાદમાં લોકોને શેર બજારની ટીપ આપવાનું કામ કરે છે. જ્યારે બીજા આરોપીનું નામ રિતેશ રમેશભાઈ વશરામભાઈ અંટાળા છે. જે આરોપી અમદાવાદના નિકોલ ખાતે આવેલા સહજાનંદ એવેન્યુમાં એસી રીપેરીંગની ઓફિસ ધરાવે છે. આ બંને આરોપીઓ દ્વારા સાયબર ફ્રોડના ગુનાને અંજામ આપતી ગેંગને પોતાના બેંક એકાઉન્ટ ભાડેથી આપ્યા હતા. જે બેંક એકાઉન્ટનો ઉપયોગ સુરતમાં બનેલી ડિજિટલ એરેસ્ટની ઘટનામાં થયો હતો.
ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 1.5 કરોડ અલગ અલગ બેંક ખાતાઓમાં પડાવ્યા
વાત કંઈક એમ છે કે સુરતના સિનિયર સિટીઝનને સાઇબર ફ્રોડ આચરતી ગેંગ દ્વારા ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. સાઇબર ક્રિમિનલ દ્વારા સિનિયર સિટીઝનને વીડિયો કોલ કરવામાં આવ્યા હતા. જેમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ અને CBIના નામે ઓળખ આપી ધમકાવવામાં આવ્યા હતા. તેઓને ધમકી આપવામાં આવી હતી કે મની લોન્ડરિંગ કેસમાં તમારા બેંક મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. જે મની લોન્ડરિંગ કેસમાં તમારા બેંક મેનેજર દ્વારા તમારું નામ આપવામાં આવ્યું છે. જે અંગે તમારી પણ પૂછપરછ કરવી પડશે. જેથી તમારા બેંક એકાઉન્ટ સહિતની ડીટેલ અમોને મોકલી આપો. આમ કહી સુરતના સીનીયર સિટઝનને સતત દોઢ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 1.5 કરોડ અલગ અલગ બેંક ખાતાઓમાં પડાવી લેવામાં આવી હતી.
બંને આરોપીઓની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી
ડિજિટલ એરેસ્ટનો ભોગ બનેલા સિનિયર સિટીઝનની ફરિયાદના પગલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ સેલની તપાસ દરમિયાન અમદાવાદના ઠક્કર નગર ખાતે આવેલ ઇન્દ્રજીત પાર્ક સોસાયટીમાં રહેતી કૈલાશબેન અનિલભાઈ કરમશીભાઈ ભંડેરી અને અમદાવાદના નિકોલ સ્થિત સહજાનંદ એવેન્યુમાં એસી રીપેરીંગની ઓફિસ ધરાવતા રીધેશ રમેશભાઈ વશરામભાઈ અંટાળાની ધરપકડ કરવામાં આવી હતી. જે બંને આરોપીઓની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, મહિલા આરોપી કૈલાશબેન અમદાવાદ ખાતે લોકોને શેરબજાર અંગેની ટીપ આપે છે. જ્યારે રીધેશ એસી રીપેરીંગના કામકાજ સાથે સંકળાયેલ છે. કૈલાશબેન દ્વારા પોતાનું બેન્ક એકાઉન્ટ રીધેશને 22 હજારના ભાડા પટ્ટા પર આપ્યું હતું. જે બેંક એકાઉન્ટ માટે રૂપિયા બે લાખ પણ લીધા હતા. જે બેંક એકાઉન્ટ ઉતરપ્રદેશ સ્થિત મુઝફરાબાદના હુસેન નામના વ્યક્તિને આપ્યું હતું. જે બેંક એકાઉન્ટની કીટ રીધેશ દ્વારા આરોપી હુસેનને ઉત્તર પ્રદેશ જઇ પહોંચાડવામાં આવી હતી.
રીધેશ દ્વારા કૈલાશબેન પાસેથી આ બેન્ક એકાઉન્ટ તેણે ભાડે મેળવ્યું
સાયબર ક્રાઇમ સેલની તપાસમાં જાણવા મળ્યું હતું કે રીધેશ દ્વારા કૈલાશબેન પાસેથી આ બેન્ક એકાઉન્ટ તેણે ભાડે મેળવ્યું હતું. જે બેંક એકાઉન્ટની અંદર સુરતના સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી મેળવવામાં આવેલ 1.5 કરોડ પૈકીના 25 લાખ રૂપિયા જેટલી રકમ આ બેન્ક એકાઉન્ટમાં જમા થયા હતા. જેથી ડિજિટલ એરેસ્ટ દ્વારા ખોટી રીતે અને ગુનો કરી મેળવવામાં આવેલા લાખો રૂપિયાની રકમ અમદાવાદની મહિલા આરોપી કૈલાશબેનના બેન્ક એકાઉન્ટમાં જમા થયા હતા. જે બેંક એકાઉન્ટમાં રહેલી લાખોની રકમ આગળના આરોપીઓએ વીડ્રો કરી અથવા તો અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. આમ, હાલ ઝડપાયેલા આરોપીઓએ ડિજિટલ એરેસ્ટના ગુનાને અંજામ આપતી ગેંગને પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી ગુનો આચર્યો હતો. જે ગુન્હામાં ઉતરપ્રદેશના હુસૈન નામના ઇસમને સાયબર ક્રાઈમ સેલ દ્વારા વોન્ટેડ જાહેર કરી હાલ ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની દિશાના વધુ તપાસ હાથ ધરી છે. જે તપાસમાં નવા ખુલાસા થવાની શક્યતાઓ રહેલી છે.