વિદેશ જવા માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપતા આરોપીની સુરત ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ
અહેવાલઃ આનંદ પટણી, સુરત
2020માં ગુનો નોંધાતા આરોપી આફ્રિકા ભાગી ગયો હતો
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી છેતરપિંડીના ગુનામાં ભાગતા કરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી ચેતન સિકોતરા વિદેશ જવા ઇચ્છતા લોકોને તેમના સંબંધીના નામના ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો અને મુંબઈમાં આવેલી અમેરિકન એમ્બેસીએ આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું અને 2020માં આરોપી સામે ગુનો દાખલ થતા તે આફ્રિકા ભાગી ગયો હતો અને ત્રણ મહિના પહેલા સુરત આવ્યો હતો. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ઉપરાંત સુરત શહેરમાં અલગ અલગ ગુનાઓમાં ભાગતાફળતા આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે. ત્યારે 2020માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલ ચિટિંગના ગુનામાં ભાગતા ફરતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે આરોપીને પકડવામાં આવ્યો છે તે આરોપીનું નામ ચેતન સિકોતરા હોવાનું સામે આવ્યું છે અને તે અલથાણના નેસ્ટ વુડ એપાર્ટમેન્ટમાં તેના પરિવાર સાથે રહેતો હતો. ચેતન સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં 2020માં ચીટીંગનો ગુનો દાખલ થયો હતો. કેતન અમદાવાદના લોકોને વિદેશમાં મોકલવા સંબંધીના નામના બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો અને આ લોકોને અમેરિકા મોકલવાનું કૌભાંડ ચલાવી રહ્યો હતો. આ બાબતે 2020માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચેતન સામે ગુનો દાખલ કરતા તે આફ્રિકા ભાગી ગયો હતો. ત્યાં નોકરી કરતો હતો અને ત્રણ મહિના પહેલા જ તેના પરિવારને મળવા માટે સુરત આવ્યો હતો ચેતનનો પરિવાર સુરતમાં અલથાણ વિસ્તારમાં રહેતો હતો.
ઓફિસમાં જ બોગસ સેલેરી સર્ટી અને જન્મનો દાખલો બનાવી આપતો હતો.
મહત્વની વાત છે કે, અમદાવાદમાં લેભાગુ ટ્રાવેલ્સ એજન્ટ સંજય પ્રજાપતિ સાથે આરોપીએ અમેરિકાના બી વન અને બી ટુ વિઝા માટે ગ્રાહકોને બોગસ ડોક્યુમેન્ટ આપ્યા હતા. મુંબઈ સ્થિત આવેલી અમેરિકન એમ્બેસીમાં ગ્રાહકના ઇન્ટરવ્યૂ સમયે આ સંજય ગ્રાહકોને બોગસ ડોક્યુમેન્ટ આપતો હતો. સંજય ગ્રાહકોને તેના સંબંધિત અમેરિકામાં રહેતા હોવાનું બતાવી પોતાની ઓફિસમાં જ બોગસ સેલેરી સર્ટી અને જન્મનો દાખલો બનાવી આપતો હતો. આ પ્રકારે અમેરિકન એમ્બેસીમાં ગ્રાહકો વગર ડોક્યુમેન્ટનો ઉપયોગ કરતા હતા અને અમેરિકન એમ્બેસીએ આ બોગસ ડોક્યુમેન્ટ નું રેકેટ ઝડપી પાડ્યું હતું. ત્યારથી આરોપી આ ગુનામાં ભાગતો ફરતો હતો પરંતુ હવે સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે.