Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તક્ષશિલા અગ્નીકાંડના રિયલ હીરો જતીન નાકરાણી અને તેનો પરિવાર કફોડી હાલતમાં જીવવા મજબૂર

વર્ષ 2019 ની 24મે ના રોજ સુરતના વરાછા વિસ્તારમાં આવેલ તક્ષશિલા આર્કેડમાં બનેલી આગની ગોઝારી ઘટનામાં 22 બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ બાવીસ બાળકોમાં અઢી વર્ષથી લઈને 22 વર્ષ સુધીના બાળકો સામેલ હતા. આ તમામ બાળકોના માતા-પિતા ઘટનાને ત્રણ વર્ષ વીતી જવા છતાં હજુ પણ ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવી રહ્યા છે. તક્ષશિલામાં બનેલી આ ઘટનામાં જે બાળકોએ જીવ ગુમાવ્યો તે બાળકો અને તેમનો પરિવાર તો બધà
તક્ષશિલા અગ્નીકાંડના રિયલ હીરો જતીન નાકરાણી અને તેનો પરિવાર કફોડી હાલતમાં જીવવા મજબૂર
વર્ષ 2019 ની 24મે ના રોજ સુરતના વરાછા વિસ્તારમાં આવેલ તક્ષશિલા આર્કેડમાં બનેલી આગની ગોઝારી ઘટનામાં 22 બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ બાવીસ બાળકોમાં અઢી વર્ષથી લઈને 22 વર્ષ સુધીના બાળકો સામેલ હતા. આ તમામ બાળકોના માતા-પિતા ઘટનાને ત્રણ વર્ષ વીતી જવા છતાં હજુ પણ ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવી રહ્યા છે. તક્ષશિલામાં બનેલી આ ઘટનામાં જે બાળકોએ જીવ ગુમાવ્યો તે બાળકો અને તેમનો પરિવાર તો બધાને યાદ છે. પરંતુ આ ઘટનામાં 15 જેટલા બાળકોના જીવ બચાવનાર સુપર હીરો એવા જતીન નાકરાણી ભાગ્યે જ કોઈને યાદ છે.
વરાછાના સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા આર્કેડમાં ચોથા માળે ચાલતા ડ્રોઈંગના ક્લાસમાં આગ લાગવાની ઘટના બની હતી. જ્યારે આ જ બિલ્ડીંગના બીજા માળે જતીન નાકરાણીના કોમ્પ્યુટર અને ફેશન ડિઝાઇનિંગ ના ક્લાસ ચાલુ હતા. જે સમયે આગ લાગી ત્યારે જતીન પોતાના ક્લાસમાં જ હતો. આગ લાગતાની સાથે જ માસુમ બાળકોની ચીચીયારીઓ સાંભળીને જતીન તેમને બચાવવા માટે દોડ્યા હતા. એક બે ત્રણ ચાર કરીને તેમણે વારાફરતી 15 જેટલા બાળકોને સહી સલામત બહાર મોકલી દીધા હતા. ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા જતીનનો શ્વાસ રુંધાવા લાગ્યો હતો. જેને પરિણામે તેણે પણ પોતાનો જીવ બચાવવા માટે તક્ષશિલા આર્કેડના ચોથા માળેથી છલાંગ લગાવી દીધી હતી. 
છલાંગ લગાવતા જતીનભાઈનો જીવતો બચી ગયો પરંતુ તેમનો પરિવાર અને તેઓ હંમેશ માટે મૃતપાય અવસ્થામાં આવી ગયા. ચોથા માળેથી છલાંગ લગાવવાના કારણે જતીનના એક હાથના ત્રણ ટુકડા થઈ ગયા હતા અને એક પગ ફેક્ચર થઈ ગયો હતો. તેમજ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે તેમને શરીરના અડધા વાગે લકવો મારી ગયો છે અને તેઓ તેમની યાદ શક્તિ પણ ગુમાવી ચૂક્યા છે. ઘટનાના તુરંત બાદ પરિવારે જતીનને સાજો કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કર્યા. સુરત-અમદાવાદ સહિતની નામાંકિત હોસ્પિટલના મોટા ડોક્ટરોને પણ જતીનનો કેસ સોંપાયો પરંતુ જતીનની પરિસ્થિતિ માં સુધાર તો આવ્યો પણ તેની યાદશક્તિ પાછી લાવવામાં કોઈપણ ડોક્ટરની સારવાર કારગત નહીં નીવડી. આ સમગ્ર સારવારમાં જતીનના પરિવારે 40 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છતાં પણ જતીનની માનસિક પરિસ્થિતિ જેમની તેમ જ રહેવા પામી છે.
જતીને બીએસસી આઈટી કર્યા બાદ ફેશન ડિઝાઇનનો ધંધો શરૂ કરવાનું વિચાર્યું હતું અને તેના માટે તેણે શહેરના છેવાડે લસકાણા ખાતે આવેલ પોતાનું ઘર મોર્ગેજ કરીને 35 લાખ રૂપિયાની લોન લીધી હતી. લોન લીધા બાદ ધંધો શરૂ કર્યો હતો પરંતુ વિધિની વક્રતા ને કારણે ધંધો માંડ સેટ થાય ત્યાં સુધીમાં તો વર્ષ 2019 માં આ ગોઝારી ઘટના બની. જેને કારણે આ આગમાં જતીન નો આખો ધંધો હોમાઇ ગયો. ઘરનો એક જ આધાર સ્તંભ એવો જતીન આ અવસ્થામાં આવી પડતાં પરિવારના માથા પર જાણે આભ તૂટી પડયું હતું. કારણ કે, જ્યારે આ ઘટના બની તેના પાંચ વર્ષ પહેલાં જ તેમના પિતા નિવૃત્તિ લઇ ચૂક્યા હતા અને એક પિતા તરીકે તેમને પણ આશા હતી કે તેમનો દીકરો જતીન હવે ધંધો સેટ કરશે અને તેમની પાછળની જિંદગી સારી રીતે પસાર થશે. પરંતુ કુદરત ને બીજું જ કંઈક મંજૂર હોય તેમ આ ઘટના બની અને પરિવારનો આધારસ્તંભ જતીન પથારીવશ થઈ ગયો.
જતીનના પથારીવશ થવાના કારણે તેના નિવૃત પિતાએ ફરી એકવાર ઘરનું ગાડું ગબડાવવામાં માટે કામ શરૂ કરવું પડ્યું. કારણકે જતીને પોતાના ધંધા માટે ઘર પર લોન લીધી હતી તે લોનના હપ્તા ચૂકવવાના તો ઉભા જ હતા. ધંધો તો આગમાં સ્વાહા થઈ ચૂક્યો હતો પરંતુ બેંક વાળા એ લોનના હપ્તા ની ઉઘરાણી ચાલુ રાખી હતી. જેને કારણે નિવૃત્તિની ઉંમરમાં એક લાચાર પિતાએ ફરી એકવાર છૂટક કામ કરવું પડી રહ્યું છે.
બેંક લોનના હપ્તા ન ભરાતાં બેંક દ્વારા હપ્તા ભરવા માટે વારંવાર નોટિસ આપવામાં આવી હતી. પરંતુ જતીનના પિતા ભરતભાઈ પાસે એવી કોઈ બચત કે આવક ન હતી કે તેઓ બેંકના હપ્તા ભરી શકે. બેંકના હપ્તા બાઉન્સ થવાના કારણે એક સમય એવો આવ્યો કે બેન્કવાળાઓ એ કોઈપણ જાતની શરમ રાખ્યા વિના આ પરિવારને ઘરથી બહાર કરીને ઘરને સીલ મારી દીધું હતું. પરંતુ તક્ષશિલા આર્કેડ ની ઘટના માં જે બાળકોએ જીવ ગુમાવ્યો છે તેમના માતા-પિતાની રજૂઆતને પગલે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ બેંક દ્વારા કરવામાં આવેલું સીલ ખોલી આપ્યું હતું અને ભરતભાઈ નાકરાણીને તેમના ઘરમાં ફરી પ્રવેશ કરાવ્યો હતો. પરંતુ થોડા સમય બાદ પરિસ્થિતિ જેમની તેમ જ છે. અત્યારે પણ ઘરની બહાર બેંકની નોટિસો લાગી છે અને ભરતભાઈ ના જણાવ્યા મુજબ બેંક વાળા ગમે ત્યારે તેમને ઘરથી બેઘર કરી શકે છે.
 ભરતભાઈ આંખમાં આંસુ સાથે એવું કહેતા પણ જણાયા કે, દીકરા જતીનને ઉભો કરવા માટે મેં મારું સર્વસ્વ ખર્ચી નાખ્યું છે. પરંતુ આ બેંક લોનના હપ્તા ભરવાની ક્ષમતા મારામાં નથી. સરકાર અને સમાજના મોભીઓ પાસે પણ મદદની માંગ કરી છે પરંતુ ક્યારેક ક્યાંક થી થોડી ઘણી મદદ મળી રહે છે જેનાથી ઘરનું ગુજરાન ચાલી જાય છે. અત્યારે તો ભરતભાઈ ટેમ્પો ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે પણ તેઓ બેન્ક સામે લાચાર છે. તેમનું કહેવું છે કે, બેંક ગમે ત્યારે અમને ઘરમાંથી કાઢી મૂકે તેવી તો હાલ પરિસ્થિતિ સર્જાઈ છે.
આ ઘટનામાં જીવ ગુમાવનાર 22 બાળકો તેમજ તેમના પરિવારો માટે લોકોએ ઘણી સહાનુભૂતિ દર્શાવી છે. પરંતુ આ બાવીસ નો આંકડો વધુ ન જાય તે માટે 15 બાળકોનો જીવ બચાવીને એમને હેમખેમ બહાર કાઢનાર અને પોતાનો જીવ જોખમમાં મૂકનાર જતીન માટે કદાચ હજુ કોઈને સહાનુભૂતિ થઈ નથી. જેને પરિણામે જતીન અને તેનો પરિવાર હાલ કપરી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.