Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જીવનમાં એરરનું હોવું પણ જરૂરી છે

મેહુલ સુરતી પાછલા કેટલાક વર્ષોમાં ગુજરાતી ફિલ્મ સંગીતનો પર્યાય બની ગયા છે. વર્ષો સુધી સુગમ સંગીતમાં પોતાનું યોગદાન આપ્યા ઉપરાંત તેમણે ગુજરાતી ફિલ્મ સંગીતને એક આગવી ઊંચાઈએ અપાવી છે અને યુવાનો ગુજરાતી ફિલ્મોના ગીતો તેમના મોબાઈલમાં ફીડ કરતા થયા છે. અત્યંત સરળ અને પારદર્શક છતાં ટેલેન્ટનો ઘૂઘવતો સાગર જેવા મેહુલ સુરતી ‘ગુજરાત ફર્સ્ટ’ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં પોતાની આનંદ અનà
જીવનમાં એરરનું હોવું પણ જરૂરી છે
Advertisement
મેહુલ સુરતી પાછલા કેટલાક વર્ષોમાં ગુજરાતી ફિલ્મ સંગીતનો પર્યાય બની ગયા છે. વર્ષો સુધી સુગમ સંગીતમાં પોતાનું યોગદાન આપ્યા ઉપરાંત તેમણે ગુજરાતી ફિલ્મ સંગીતને એક આગવી ઊંચાઈએ અપાવી છે અને યુવાનો ગુજરાતી ફિલ્મોના ગીતો તેમના મોબાઈલમાં ફીડ કરતા થયા છે. અત્યંત સરળ અને પારદર્શક છતાં ટેલેન્ટનો ઘૂઘવતો સાગર જેવા મેહુલ સુરતી ‘ગુજરાત ફર્સ્ટ’ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં પોતાની આનંદ અને પીડાની વાતો કરે છે.  જેમનું સંગીત ગુજરાત માટે રાષ્ટ્રીય- આંતરાષ્ટ્રીય સન્માનો લઈ આવે છે એવા મેહુલભાઈના સુખ- દુઃખ વિશે જાણવું તમને પણ ગમશે.  
તમારા માટે સુખની વ્યાખ્યા શું?
સુખ શબ્દ જેટલો સરળ છે એટલે જ એ શબ્દ જટીલ પણ છે એટલે મારે માટે એની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. વળી, હું સાહિત્યનો માણસ નથી એટલે એ બાબતને હું શબ્દોમાં ન વર્ણવી શકું. પરંતુ મારા સ્વજનોની સાથે મારું હોવાપણું એ મારું સુખ છે એમ હું કહી શકું.
તમને આનંદ કઈ કઈ બાબતોમાંથી મળે?
આમ તો લોકોને સળી કરવાથી કે તેમને ચીઢવવાથી મને ઘણો આનંદ મળે. પરંતુ એ ઉપરાંત પ્રાણી અને પક્ષીઓને ખવડાવવાથી પણ મને અત્યંત આનંદ મળતો હોય છે. હું ક્યાંક બહાર ફરવા જાઉં તો પણ આનંદ મળે. અને એથી વિશેષ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરીને મિત્રો સાથે કે લોકો સાથે વાતો કરવાથી મને અત્યંત આનંદ મળે છે. એ રીતે તો મારા અત્યંત તઘલઘી કહી શકાય એવા આનંદ છે.  
આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?
આપણું સુખ બિલકુલ આધારિત હોય છે. મારું સુખ એ મારા પરિવારજનોથી, મારા આપ્તજનોથી છે કે મારા સંગીતથી છે. આમ મારું સર્કલ અત્યંત નાનું છે. હું માત્ર પંદર-વીસ માણસોથી જ ઘેરાયેલો છું. પરંતુ હા, મારું સુખ એ નાનાં સર્કલ પર જ આધારિત છે અથવા એ સર્કલની આસપાસ ફરતું રહે છે.
આસપાસના માણસો અથવા સંબંધોથી કંટાળીને ક્યારેય ભાગી જવાનું મન થયું છે ખરું?
આસપાસના માણસોથી કંટાળીને ભાગી જવાનું મન મને ક્યારેય નથી થયું. ડૉક્ટર મુકુલ ચોક્સીને કારણે હું એટલી ધીરજ અને સહનશક્તિ તો કેળવી જ શક્યો છું. પરંતુ હા, કામ કરતી વખતે એવું અનેક વખત થયું છે હું અહીં શું કરી રહ્યો છું? એનું કારણ એ છે કે હું ફિલ્મ અને કર્મશિયલ એડ્સની ફિલ્ડમાં કામ કરું છું, જ્યાં હંમેશાં ડેડલાઈન તમારા માથા પર મંડરાતી રહેતી હોય છે. અને કોઈ પણ કામની એક ડેડલાઈન સ્વાભાવિક હોવાની, પરંતુ કોઈ કારણોસર અથવા કોઈક વ્યક્તિ કે એજેન્સીને કારણે તમારી ડેડલાઈન વહેલી થઈ અથવા તેમાં કોઈ ફેરફાર આવી જાય ત્યારે મને એમ થાય કે યાર આ કામ હું શું કામ કરું છું?
એવી કઈ ઘટના કે બાબતો ઘટે ત્યારે તમારું મન વ્યથિત થાય?
હું મ્યુઝિકની સેન્સમાં કહું તો હું કંઈક બનાવવા બેઠો હોઉં અને મારા મગજમાં કોઈ ગીત અથવા ટ્યુન બાબતે એક ચિત્ર સ્પષ્ટ હોય કે ભઈ બહાર આ પ્રોડક્ટ આ રીતે આવવી જોઈએ. પણ જ્યારે હું એ તૈયાર કરવા બેસું અને મને જ્યારે મારા ધાર્યા મુજબનું પરિણામ ન મળે ત્યારે હું ભયંકર અકળાઈ જાઉં. આફ્ટરઑલ હું વન મેન બેન્ડ છું, પરંતુ મારા ધાર્યા મુજબનું આઉટકમ ન મળે ત્યારે મને અત્યંત ભૂખ લાગે, પરંતુ સાથોસાથ એ સમયે હું ખાઈ નથી શકતો. ઈનશોર્ટ મારા કામને જ્યારે હું ન્યાય નથી આપી શકતો અથવા જેનાથી હું છું એ મારાથી સરખું ન બને કે પછી મારા મગજમાં જે છે એને હું એપ્લીકેટ નથી કરી શકતો ત્યારે હું અત્યંત અકળાઈ જાઉં છું અને ખરેખર વ્યથિત થઈ જાઉં છું.
તમારા જીવનના કોઈ કપરા સમય વિશે વાત કરશો?
આપણું આખું જીવન જ કપરું છે યાર. મને લાગે છે કે આપણે જન્મીએ છીએ ત્યારથી પહાડો ચઢવાનું શરૂ કરીએ છીએ. દરેક સેકન્ડ, દરેક કલાક, દરેક વર્ષો કપરા જ હોય છે. પણ આ તો સિક્કાની એક બાજું થઈ. આમ જોવા જઈએ આપણું જીવન સરળ પણ એટલું જ છે.
જો તમે દુઃખી થાઓ તો પીડામાંથી બહાર આવવા તમે શું કરો?
હું દુઃખી થાઉં ત્યારે સૌથી પહેલાં હું મારી પત્ની નૂતન અને માર મિત્ર ડૉક્ટર મુકુલ ચોકસીની સાથે મારા દુઃખનું કારણ શેર કરું અને તેમની સલાહ લઉં. તેઓ મને જે સલાહ આપે એ હું શાંત ચિત્તે સાંભળું. તેઓ જે કહે એ સલાહનો અમલ કરવાની વાત પછી આવે. એમની સલાહ અમલમાં મૂકવા પહેલાં હું એકલો મારા રૂમમાં બેસું છું, પછી એ વિશે વિચાર કરું છું અથવા તો મને મનગમતી ગઝલો કે રચનાઓ રિપિટેડલી વાંચું. કે પછી હું કંઈક સાંભળું અને પછી એ આખીય સ્થિતિનો ઊંડાણપૂર્વક વિચાર કર્યા પછી એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરું.
પણ મૂળભૂત રીતે આવા કિસ્સામાં હું સમયને પસાર થવા દઉં છું. કારણ કે સમય જેમ પસાર થાય છે એમ આપણી અંદરની એન્ક્ઝાઈટી ઓછી થતી જાય છે, વિચારોનો વ્યાપ વધતો જાય અને આપણને આપણી સમસ્યામાંથી બહાર નીકળવાની શક્યતાઓ વધુ દેખાવા માંડે છે. પછી તો સ્વાભાવિક છે કે જ્યારે આપણી પાસે શક્યતાઓ વધી જાય છે ત્યારે આપણે શાંતિથી આપણી પીડામાંથી બહાર નીકળી શકીએ છીએ.

સુખ અને દુઃખ બાબતે તમે અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યા?
શીખ્યો નથી, પરંતુ શીખી રહ્યો છું એમ કહી શકાય. પરંતુ હું માનું છું કે સુખ અને દુઃખ એ સીક્કાની બે બાજુ જેવા છે. પરંતુ અહીં આપણે પેલા ‘શેલે’ ફિલ્મના સીક્કાને ચલણમાં લેવાનો છે. કે જ્યારે પણ આપણે એ સીક્કો ઊછાળીએ ત્યારે બંને બાજુ સુખ જ લખેલું હોય.
તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કોણ અને સૌથી દુઃખી માણસ કોણ?
મારા મતે ઈશ્વર સૌથી સુખી માણસ છે અને સૌથી દુખી માણસ પણ ઈશ્વર જ છે.  આફ્ટરઑલ માણસે જ તો ઈશ્વરને બનાવ્યા છે. પણ હું એ દૃષ્ટિકોણ નથી સમજાવતો. હું તો એ રીતે સમજાવું છું કે માણસની અંદર ઈશ્વર છે જ. એ રીતે માણસ પોતે જ ઈશ્વર છે. તો પછી સૌથી સુખી કે સૌથી દુઃખી માણસ ઈશ્વર જ હોયને?
અમારા વાચકો સુખી થવા માટે કોઈ સલાહ કે ટિપ્સ આપશો?
સૌથી પહેલી વાત એ કે કોઈને સલાહ આપવાની મારી હેસિયત નથી. છતાં હું એટલું કહીશ કે નિજાનંદમાં રહીએ. આપણા કામને પ્રામાણીક રહીએ. આપણા કામને પૂરું કરીએ. જો આટલું પણ કરીશું તો આપણી દુખી થવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે. આખરે જેટલા પ્રામાણિક રહીશું, જેટલા સરળ રહીશું કે જેટલા ભાર વિનાના રહીશું એટલા આપણે મોકળાશથી જીવી શકીશું. બાકી, સુખ અને દુઃખ તો આવતા જ રહેવાના છે. અને હું માનું છું કે આપણને કેટલીક એરર એટલે કે કેટલાક દુખોની જરૂર પણ છે. એ હશે તો જ આપણને સુખની પરિભાષા સમજાશે પણ અને આપણે સુખને માણી પણ શકીશું. 
Tags :
Advertisement

.

×