Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અન્યો આપણને સુખ આપી શકે, આનંદ નહીં

પ્રજ્ઞા વશી આપણી ભાષાના જાણીતા કવયિત્રી છે, જેમણે આપણને ઉત્તમ કહી શકાય એવી ગઝલો, ગીતો અને કાવ્યો આપ્યાં છે. આ ઉપરાંત એમની અનેક રચનાને સંગીતબદ્ધ કરવામાં આવી છે, જેને સાંભળવી એક લહાવો થઈ પડે છે. અહીં એમણે એમના સુખ અને દુઃખ વિશેની વાતો માંડી છે, તો ચાલો આજે જાણીએ પ્રજ્ઞા વશીની આનંદ-પીડાની લાગણીઓ વિશે...તમારા માટે સુખની વ્યાખ્યા શું?જ્યારે જે પરિસ્થિતિમાં અનુકૂળતા સધાય અને શાંતિ પ્રાપà
12:30 AM Jul 23, 2022 IST | Vipul Pandya
પ્રજ્ઞા વશી આપણી ભાષાના જાણીતા કવયિત્રી છે, જેમણે આપણને ઉત્તમ કહી શકાય એવી ગઝલો, ગીતો અને કાવ્યો આપ્યાં છે. આ ઉપરાંત એમની અનેક રચનાને સંગીતબદ્ધ કરવામાં આવી છે, જેને સાંભળવી એક લહાવો થઈ પડે છે. અહીં એમણે એમના સુખ અને દુઃખ વિશેની વાતો માંડી છે, તો ચાલો આજે જાણીએ પ્રજ્ઞા વશીની આનંદ-પીડાની લાગણીઓ વિશે...
તમારા માટે સુખની વ્યાખ્યા શું?
જ્યારે જે પરિસ્થિતિમાં અનુકૂળતા સધાય અને શાંતિ પ્રાપ્ત થાય તે સાચું સુખ. સુખ બાહ્ય છે જ્યારે આનંદ આંતરિક અવસ્થા છે.
જીવનમાં કઈ બાબતોમાંથી આનંદ મળે?
દરેકનો આનંદ સાક્ષેપ હોય છે. બાળકને રમકડું મળે તો આનંદ, મારો આનંદ કંઈક નવું સર્જન થાય અને એ કૃતિ મને જે આનંદ આપે તે ખરો આનંદ. તેમજ પરિવારની ક્ષેમકુશળતા એ જ આનંદ.
આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?
અન્ય તમને સુખ આપી શકે આનંદ નહીં. આપણું સુખ બીજા પર આધારીત હોય તો એ લાંબુ ટકતું નથી.
કઈ બાબતો કે ઘટના ઘટે ત્યારે મન વ્યથિત થાય?
કોઈ દગો કરે કે હર્ટ કરે તો મન વ્યથિત થાય છે. પોતાના વચન ઉપર કાયમ ન રહેતા માણસો દુઃખી કરી જાય છે.
આસપાસના માણસો કે સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ક્યારેય?
મને ક્યાંક ભાગી છૂટવાનું મન તો નથી થતું, પરંતુ હા, હું આસપાસના માણસોથી કંટાળું ખરી. અને જ્યારે પણ હું કંટાળું છું ત્યારે સારાં પુસ્તકોનું શરણ લઉં છું, અથવા નવી કૃતિનું સર્જન કરવા તરફ જાઉં છું.
તમારા જીવનના કોઈ કપરા સમય વિશે વાત કરશો?
મારી દીકરીઓને મૂકીને નોકરી કરવા જતી હતી એ મારો કપરો સમય હતો. એક તરફ હું ભણતી હતી, એક તરફ મારે ભણાવવાનું હતું અને બીજી તરફ મારી દીકરીઓને ઉછેરવાની હતી. ભણતરની સાથે નોકરી અને બાળઉછેર અને કુટુંબની જવાબદારી કદાચ આ વેદના મારી જેમ દરેક સ્ત્રીને સ્પર્શે છે.
તમે દુઃખી થાઓ ત્યારે પીડામાંથી બહાર આવવા શું કરો?
એટલો સમય સમાજસેવાના કાર્યો, વાંચન-લેખન અને વક્તવ્યો આપવાનું વધારી દઉં છું, જેથી પીડા આપોઆપ દૂર જતી રહે છે. હાલમાં જ મેં કોરોનાકાળ પર બે નવલકથાઓ લખી છે. એ રીતે હું મારી જાતને સર્જનમાં પરોવી દઉં છું.
તમારા મતે દુનિયામાં સૌથી સુખી માણસ કોણ અને દુઃખી માણસ કોણ?
પોતાની જાતને વફાદાર રહી જીવનાર સુખી અને ભૌતિક સુખને સાચુ સુખ ગણનારા અને હવાતિયાં મારનારાં દુઃખી.
અમારા વાચકોને સુખી રહેવા માટે કોઈ સલાહ કે ટિપ્સ જેવું કંઈક આપશો?
નાની-નાની વાતો ઉપર ધ્યાન ન આપતાં આપણે આપણાં નક્કી કરેલ ધ્યેય તરફ જ આગળ વધવું. કંઈક બનશું તો જ નફરત કરનારાં પણ પ્રેમથી તમારી તરફ દોસ્તીનો હાથ લંબાવશે. સુખ-આનંદ અને પ્રેમ તમારી અંદર જ છે. પહેલાં આપણે આપણી અંદર પ્રયાણ કરીએ તો આનંદ આપણી મુઠ્ઠીમાં છે.

ankitdesaivapi@gmail.com
Tags :
GujaratFirstHappinessJoyLifeSad
Next Article