ભારતે ઓસ્ટ્રેલિયા સામે મેળવ્યો 6 રનથી વિજય, 4-1 થી સિરીઝ કરી પોતાના નામે
ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 શ્રેણી 4-1થી જીતી લીધી છે. રવિવારે રમાયેલ સિરીઝની છેલ્લી મેચ છ રનથી જીતી હતી. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 20 ઓવરમાં આઠ વિકેટે 160 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં આઠ વિકેટે 154 રન જ બનાવી શક્યું હતું.
અર્શદીપે છેલ્લી ઓવરમાં ભારત માટે બચાવી મેચ
અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી છેલ્લી ઓવરમાં 10 રન બચાવ્યા હતા. તેણે ટીમ ઈન્ડિયાને છ રનથી જીત અપાવી હતી. અર્શદીપે 20મી ઓવરમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેથ્યુ વેડને આઉટ કરીને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી. તેણે વેડને પહેલા અને બીજા બોલ પર રન બનાવવા દીધા ન હતા. ત્રીજા બોલ પર તે આઉટ થયો હતો. જેસન બેહરનડોર્ફ ચોથા બોલ પર માત્ર એક રન બનાવી શક્યો હતો. હવે ઓસ્ટ્રેલિયાને બે બોલમાં નવ રન બનાવવાના હતા. નાથન એલિસે પાંચમા બોલ પર એક રન લીધો હતો. તેના પછી બેહરનડોર્ફે પણ છેલ્લા બોલ પર માત્ર એક રન લીધો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાએ છ રનથી મેચ જીતી લીધી હતી.
મુકેશે તબાહી મચાવી, અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈને બે-બે સફળતા
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 20 ઓવરમાં આઠ વિકેટે 160 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં આઠ વિકેટે 154 રન જ બનાવી શક્યું હતું. તેના માટે બેન મેકડર્મોટે સૌથી વધુ 54 રન બનાવ્યા, પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહીં. ટ્રેવિસ હેડે 28 અને મેથ્યુ વેડે 22 રન બનાવ્યા હતા. આ ત્રણ સિવાય કોઈ બેટ્સમેન 20 રનના આંકડાને સ્પર્શી શક્યો નહોતો.
ટિમ ડેવિડ 17 રન બનાવીને આઉટ થયો હતો અને મેથ્યુ શોર્ટ 16 રન બનાવીને આઉટ થયો હતો. એરોન હાર્ડી માત્ર છ રન અને જોશ ફિલિપ માત્ર ચાર રન બનાવી શક્યા હતા. ભારત તરફથી મુકેશ કુમારે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈને બે-બે સફળતા મળી. અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી.
અય્યરે શાનદાર ઇનિંગ રમી
અગાઉ, શ્રેયસ અય્યરે તેની T20 કારકિર્દીની આઠમી અડધી સદી ફટકારીને ભારતને ઓસ્ટ્રેલિયા સામે સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. ટીમ માટે અય્યરે સૌથી વધુ 53 રન બનાવ્યા હતા. તેણે 37 બોલની ઈનિંગમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. અક્ષર પટેલે 21 બોલમાં 31 રન બનાવ્યા હતા. જીતેશ શર્માએ 16 બોલમાં 24 રન અને યશસ્વી જયસ્વાલે 15 બોલમાં 21 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડ 10 રન બનાવીને, રિંકુ સિંહ છ રન બનાવીને, સૂર્યકુમાર યાદવ પાંચ રન બનાવીને અને રવિ બિશ્નોઈ બે રન બનાવીને આઉટ થયા હતા. અર્શદીપ બે રન બનાવીને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જેસન બેહરનડોર્ફ અને બેન ડોર્સિસે બે-બે વિકેટ લીધી હતી. એરોન હાર્ડી, નાથન એલિસ અને તનવીર સંઘાને એક-એક સફળતા મળી હતી.
આ પણ વાંચો -- આ અભિનેત્રીએ કર્યા ચોંકાવનારા દાવા, કહ્યું – ગંભીર મને મિસ્ડ કોલ આપતો હતો, હું માત્ર ઇરફાન પઠાણને પ્રેમ કરતી હતી