IND vs SL : શ્રીલંકાએ તોડ્યો ભારતનો અજેય સિલસિલો, 27 વર્ષ બાદ જીતી વનડે શ્રેણી
- લંકામાં 27 વર્ષના દુષ્કાળનો અંત આવ્યો
- ટીમ ઈન્ડિયાએ શ્રેણીબદ્ધ શરમજનક રેકોર્ડ બનાવ્યા
- શ્રીલંકાએ ત્રીજી વનડેમાં ભારતને 110 રને હરાવ્યું
IND vs SL : યજમાન શ્રીલંકાએ ODI શ્રેણીમાં ભારતને હરાવીને નવો ઈતિહાસ રચ્યો છે. શ્રીલંકાએ 3 મેચની વનડે શ્રેણીમાં ભારતને 2-0થી હરાવ્યું હતું. આ જીત સાથે શ્રીલંકાએ 27 વર્ષનો દુષ્કાળ ખતમ કરી દીધો છે. શ્રીલંકાએ 1997 પછી પ્રથમ વખત ભારતને વનડે શ્રેણીમાં હરાવ્યું છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા હતા. જવાબમાં સમગ્ર ભારતીય ટીમ 26.1 ઓવરમાં 138 રનમાં સમેટાઈ ગઈ હતી.
શ્રીલંકાની ટીમે 27 વર્ષ બાદ ભારતને વનડે શ્રેણીમાં હરાવ્યું
ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 35 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શ્રીલંકા તરફથી દુનિત વેલાલાગે 5 વિકેટ ઝડપી હતી. આ રીતે વેલ્લાલાગે ભારત સામે નવો રેકોર્ડ બનાવ્યો હતો. વેલ્લાલાગે ભારત સામેની વનડેમાં એક કરતા વધુ વખત 5 વિકેટ લેવાની મોટી સિદ્ધિ મેળવી છે. આ પહેલા આ બોલરે 2023માં ભારત સામે 5 વિકેટ ઝડપી હતી. જણાવી દઇએ કે, શ્રીલંકાની ટીમે 27 વર્ષ બાદ ભારતને વનડે શ્રેણીમાં હરાવ્યું છે. શ્રીલંકાએ ત્રીજી વનડે મેચ 110 રનના વિશાળ માર્જિનથી જીતી લીધી અને શ્રેણી 2-0થી જીતી લીધી. ફરી એકવાર ભારતીય બેટ્સમેનો સ્પિનરની આગળ ફસાઈ ગયા હતા. ફરી એકવાર દુનિત વેલાલાગેનો કહેર જોવા મળ્યો હતો. આ તેની કારકિર્દીની બીજી 5 વિકેટ છે. ભારતીય ટીમને સ્પિન બોલરો સામે ફરી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
History scripted 🇱🇰👏
Charith Asalanka's side has put an end to a long 27-year wait 👉 https://t.co/MSpMM346EP#SLvIND pic.twitter.com/3ZjMXCRJKO
— ICC (@ICC) August 7, 2024
ભારતીય ટીમ ફરી સ્પિનમાં ફસાઈ
ભારતના સાત બેટ્સમેન ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હોતા. કેપ્ટન રોહિત શર્માએ 35 રન જ્યારે વોશિંગ્ટન સુંદરે 30 રન બનાવ્યા હતા. તેના સિવાય વિરાટ કોહલીએ 20 રન બનાવ્યા હતા જ્યારે પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા રિયાન પરાગે 15 રનની નબળી ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી દુનિત વેલાલાગે 5.1 ઓવરમાં 27 રન આપીને 5 વિકેટ લીધી હતી. મહેશ તિક્ષણા અને જ્યોફ્રી વેન્ડરસેએ 2-2 વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડોએ પણ એક વિકેટ પોતાના નામે કરી હતી. આ પહેલા શ્રીલંકાની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 248 રન બનાવ્યા હતા. આજની મેચમાં શ્રીલંકાને ખૂબ જ સારી શરૂઆત મળી હતી. બંને ઓપનર બેટ્સમેન વચ્ચે પ્રથમ વિકેટ માટે 89 રનની ભાગીદારી જોવા મળી હતી.
વનડે શ્રેણીની છેલ્લી બે મેચમાં કારમી હાર
સ્પિન સામે ભારતે ગુમાવેલી 27 વિકેટ એ દ્વિપક્ષીય ODI શ્રેણી (મહત્તમ 3 મેચ)માં કોઈપણ ટીમ દ્વારા ગુમાવેલી વિકેટોની સૌથી વધુ સંખ્યા માટે શરમજનક રેકોર્ડ છે. પ્રથમ મેચ ટાઈ થયા બાદ ટીમ ઈન્ડિયાને વનડે શ્રેણીની છેલ્લી બે મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ શ્રેણીમાં ભારતની હારનું મુખ્ય કારણ એ બેટ્સમેનો હતા જેઓ શ્રીલંકાના સ્પિનરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: IND VS SL : SRI LANKA ના SPIN ATTACK સામે ભારત આવ્યું ઘૂંટણે, 240 ના લક્ષ્યનો પીછો કરતાં થયું ALL OUT