પ્રાચીન ભારતીય વિજ્ઞાન: કેટલાક લોકોને શા માટે ખૂંચે છે?
પ્રાચીન ભારતીય વિજ્ઞાન: કેટલાક લોકોને શા માટે ખૂંચે છે?
24 મે 2023નો દિવસ હતો. મધ્ય પ્રદેશ ઉજ્જૈનમાં આવેલ મહર્ષિ પાણીની સંસ્કૃત એન્ડ વૈદિક યુનિવર્સિટીમાં, ભારતના અંતરીક્ષ સંશોધન સંસ્થા ઈસરોના ચેરમેન એસ. સોમનાથ, વાર્ષિક પદવીદાન સમારંભમાં પોતાનું વક્તવ્ય આપી રહ્યા હતા.
વક્તવ્યમાં તેમણે કહ્યું કે “પ્રાચીન ભારતમાં વિજ્ઞાનની વિવિધ વિદ્યાશાખાઓ જેવી કે ધાતુ વિજ્ઞાન, જ્યોતિષશાસ્ત્ર, ખગોળ વિજ્ઞાન, હવા ગતિશાસ્ત્ર વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, તબીબી વિદ્યા અને ગણિત જેવા ક્ષેત્રનો વિકાસ થયો હતો.
ભારતીય મહાખંડમાં ઇસવીસન પૂર્વે 600થી લઈને 9મી સદી સુધી, વિજ્ઞાન પોતાના મૂળિયા મજબૂત કરી ચૂક્યું હતું. આ સમયગાળામાં વિશ્વના અન્ય ભાગ જેવા કે મેસોપોટેમિયા, ગ્રીસ, ઇજિપ્ત, મેક્સિકો વગેરે સ્થળોએ પણ આ પ્રકારનો વિકાસ થઈ રહ્યો હતો. આરબ પ્રજા, હિન્દુ વિજ્ઞાનને દૂર પૂર્વ સુધી લઈ ગઈ હતી. ત્યાંથી તે યુરોપમાં પહોંચ્યું હતું. અહીં પ્રાચીન ભારતીય જ્ઞાનનો વિકાસ અને વૃદ્ધિ થઈ હતી. હિંદુ વિજ્ઞાને આપેલ થિયરી, પશ્ચિમી જગતનો આધુનિક આવિષ્કાર કે પ્રેક્ટીકલ શોધ બનીને, રી-પેકિંગ થઈ ભારતમાં પાછી આવી છે. યુરોપમાં વિજ્ઞાનના વિકાસ સાથે અવલોકન અને પ્રાયોગિક સાબિતીના આધાર ઉપર વૈજ્ઞાનિક શોધખોળનો પાયો નંખાયો છે. જેની શરૂઆત ગેલેલિયો દ્વારા થયું હોવાનું કહી શકાય.”
બીજા જ દિવસે, સામાજિક સંસ્થા બ્રેકથ્રુ સાયન્સ સોસાયટીએ, ઈસરોના ચેરમેન એસ. સોમનાથે આપેલ વક્તવ્યનો વિરોધ કર્યો. વાત અહીં પૂરી થતી નથી. ઓગસ્ટ-2023માં, ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી ઉપર સફળતાપૂર્વક ઉતરે છે. આ ઘટના પછી, NCERT દ્વારા ચંદ્રયાન-3 સંબંધી સપ્લીમેન્ટરી રીડિંગ મોડ્યુલમાં, પ્રાચીન ભારતીય વિજ્ઞાનની માહિતી ઉમેરવામાં આવે છે. જેના કારણે કહેવાતા બૌદ્ધિકો અને સ્યુડો-સેક્યુલારીસ્ટના પેટમાં ઉકળતું તેલ રેડાય છે. આવો ભેદભાવ શા માટે? જે વાત ઈસરોના ચેરમેન એસ. સોમનાથે કહી છે. તે વાત વિજ્ઞાન જગત સાથે સંકળાયેલ કોઈ પશ્ચિમી જગતનો વિજ્ઞાની જાહેર કરશે, તો જ કહેવાતા બૌદ્ધિકો, ડાબેરીઓ અને સેક્યુલારીસ્ટ જમાત, પ્રાચીન ભારતીય વિજ્ઞાનની સિદ્ધિઓને સ્વીકારશે? જો એમ જ હોય તો લો આ રહ્યા પુરાવા….
હિન્દુ શબ્દ આવે એટલે વિરોધ કરવાનો જ
બૌદ્ધિકો, ડાબેરીઓ અને સેક્યુલારીસ્ટને ખબર છે કે 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જો હિન્દુ ધર્મ અને તેની સાથે સંકળાય વિજ્ઞાનની વાત સ્વીકારવામાં આવે તો, વિરોધ પક્ષને થાય ફાયદો તેમ નથી. આ કારણે પ્રાચીન વિજ્ઞાનની વાતનો વિરોધ, રાજકીય રંગ આપીને કરવામાં આવી રહ્યો છે. આમ પણ ભારતમાં “હિન્દુ અને મુસ્લિમ” શબ્દ લોકોને ઉશ્કેરવા માટે કાફી છે. જ્યારે અહીં તો સપ્લીમેન્ટરી રીડિંગ મોડ્યુલમાં પ્રાચીન પ્રાચીનકાળના વૈમાનિક વિજ્ઞાનનો ઉલ્લેખ થયો છે. બૌદ્ધિકો, ડાબેરીઓ અને સેક્યુલારીસ્ટ ભડકી રહ્યા છે, કારણ માત્ર એટલું જ કે પ્રાચીનકાળના વૈમાનિક વિજ્ઞાનનો સાથે વેદ અને હિન્દુ ધર્મ ગ્રંથનો સંદર્ભ જોડાયેલો છે. જ્યાં સુધી જ્ઞાન અને વિજ્ઞાનના સવાલ છે ત્યાં સુધી, તેને ધર્મ સાથે ન જોડવામાં જ મજા છે. પરંતુ આ એક હકીકત પણ છે કે “દુનિયાના લગભગ દરેક ધર્મમાં પોતપોતાના મત મુજબ, મનુષ્યની ઉત્પત્તિ, બ્રહ્માંડની રચના, બ્રહ્માંડમાં મનુષ્યનું સ્થાન જેવા વિવિધ પ્રશ્નોને ધાર્મિક દ્રષ્ટિકોણથી રજૂ કરવામાં આવ્યા છે. માત્ર આ કારણથી જ પ્રાચીન ધર્મગ્રંથમાં દર્શાવેલ વિજ્ઞાનની વાતને, પ્રાચીન દંતકથામાં ફેરવી નાખવાની?
આધુનિક વિજ્ઞાનને એક સળંગ સૂત્ર અને સુસંગત વાર્તા તરીકે સ્વીકારવી હશે તો, પ્રાચીન હિન્દુ વિજ્ઞાનની સિદ્ધિઓ સ્વીકાર કરવો પડશે. જેના આધારમાં 10ની સંખ્યા લેવામાં આવી છે તેવી, નંબર સિસ્ટમમાં બેઝ 10નો કન્સેપ્ટ, પ્રાચીન હિન્દુ વિજ્ઞાનને આપ્યો છે. ગણિતના એક અંકથી માંડીને ફિલોસોફીના શૂન્યાવકાશ સુધીના આઈડિયા, ભારતની શૂન્યની શોધ દ્વારા વિશ્વને મળેલ છે. પ્રાચીન હિન્દુ ખગોળશાસ્ત્ર, વિવિધ ગ્રહોની ગણતરી કરીને આગળ વધે છે. જે ગ્રહોની ગતિશાસ્ત્રના નિયમને જાણકારી વગર શક્ય નથી. આયુર્વેદનો ઉપયોગ પણ, હિન્દુ પ્રણાલી, એક વિજ્ઞાન તરીકે કરી રહી છે. પ્રાચીન કાળમાં હિન્દુ ઋષિમુનિ અને ત્યારબાદ આવેલ આચાર્ય, ધાતુઓના નિષ્કર્ષણ અને શુદ્ધિકરણમાં નિપુણતા ધરાવતા હતા. દમાસ્કસ બ્લેડ અને દિલ્હી ખાતે આવેલ આયર્ન પિલરમાં આ પ્રાચીનની નિપૂર્ણતાનો ઉપયોગ થયેલ જોવા મળે છે.
હિન્દુસ્તાની રંગે રંગાયેલા લોકો
2000માં વિશ્વની સૌથી મોટી વિજ્ઞાન સંસ્થા ગણાતી, અમેરિકન એસોસિયેશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ સાયન્સ (AAAS) દ્વારા, અત્યાર સુધીની 100 મહત્વપૂર્ણ શોધોને, વૈજ્ઞાનિક સમય રેખા ઉપર આલેખવા નક્કી થયું ત્યારે, એમાં મોટાભાગની શોધો પશ્ચિમની જગત દ્વારા કરવામાં આવેલ હતી. જ્યારે માત્ર બે શોધ, બિન પશ્ચિમી વિશ્વ ( એટલે કે હિન્દુ વિજ્ઞાન) દ્વારા કરવામાં આવી હતી, તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રથમ શોધ એટલે શૂન્યની શોધ અને બીજી શોધ એટલે, ખેતી એટલે કે કૃષિ માટે, તેમજ ધાર્મિક હેતુ માટે, હિન્દુ તેમજ માયા સંસ્કૃતિના ખગોળશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલ ખગોળશાસ્ત્રીય અવલોકનો.
પ્રાચીન કાળમાં હિન્દુસ્તાનની ભૂમિ ઉપર વિજ્ઞાનનો વિકાસ થયો હતો, જેને પામવાની કોશિશ એરિસ્ટોટલ, મેગાસ્થિનીસ અને ત્યાનાના એપોલોનિયસ; અલ-બિરુની, અલ-ખ્વારિઝમી, ઇબ્ન લબ્બાન, અને અલ-ઉક્લિદિસી, અલ-જાહ. ઇસ્લામિક વિદ્વાનોએ કરી હતી. આ યાદીમાં ફા-હિએન, હ્યુએન ત્સાંગ અને આઈ-સિંગ જેવાં ચાઈનીઝ બૌદ્ધિકોનો પણ સમાવેશ કરી શકાય. યુરોપના ઘણા બધા બૌદ્ધિકો ભારતીય ગ્રંથોનો અભ્યાસ કરતા હતા. લિયોનાર્ડો, ફિબોનાચી, પોપ સિલ્વેસ્ટર II, રોજર બેકોન, વોલ્ટેર અને કોપરનિકસની વિચારધારા ઉપર, ભારતીય વિજ્ઞાનધારાની અસર જોઈ શકાય છે. આધુનિક યુગમાં રાલ્ફ વાલ્ડો ઇમર્સન, જોહાન વુલ્ફગેંગ વોન ગોથે, જોહાન ગોટફ્રાઈડ હર્ડર, કાર્લ જંગ, મેક્સ મુલર, રોબર્ટ ઓપેનહાઇમર, એર્વિન શ્રોડિન્જર, આર્થર શોપનહોઅર અને હેનરી ડેવિડ થોરોએ, વિજ્ઞાનમાં પ્રાચીન હિન્દુ સિદ્ધિઓ, ભારતીય ટેકનોલોજી, અને ફિલસૂફીની અસર સ્વીકારી છે.
11મી સદીમાં થઈ ગયેલ મુસ્લિમ વિદ્વાન સૈદ અલ-અંદાલુસી (1029-1070) તેમના “તબાકાત અલ-ઉમામ” પુસ્તકમાં નોંધે છે કે “ વિશ્વમાં વિજ્ઞાનનું વાવેતર થયું હોય તેવો પ્રથમ દેશ એટલે કે હિન્દ. આ શક્તિશાળી રાષ્ટ્ર છે. હિંદ તેમના લોકોનાં જ્ઞાન અને શાણપણ માટે જાણીતા છે. સદીઓથી વિશ્વના મોટાભાગના રાજાઓએ, હિંદુ દ્વારા જ્ઞાનની બધી જ વિદ્યાશાખાઓમાં મેળવેલી નિપુણતાને સ્વીકારી છે.” આ પુસ્તકમાં તેમણે વિશ્વના આઠ રાષ્ટ્રને વિજ્ઞાનમાં આપેલ તેમના યોગદાન માટે એક યાદીમાં ગોઠવ્યા છે. યાદીમાં સૌથી ટોપ ઉપર હિન્દુઓ છે. ત્યારબાદ પર્સિયન, કાલ્ડિયન, ગ્રીક, રોમન, ઇજિપ્તવાસીઓ, આરબો અને હીબ્રુઓ લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. કોણ હતા આ મુસ્લિમ વિદ્વાન?
મુસ્લિમ વિદ્વાન સૈદ અલ-અંદાલુસી: કોણ છે?
સૈદ અલ-અંદાલુસી ગણિતશાસ્ત્રી અને વિજ્ઞાનના સારા ઇતિહાસકાર છે. આ કામ કરવામાં ધર્મ તેમની આડે આવતો નથી. સ્પેનમાં તેમના પિતા અને દાદાજી ધાર્મિક ન્યાય કરનાર કાજી એટલે કે જજ હતા. જેના કારણે સૈદ અલ-અંદાલુસીની ન્યાય ભાવનાનો વિકાસ થયો હતો. તેઓ જાહેર ક્ષેત્રના હિસાબોની ચકાસણી પણ કરતા હતા. તેમના એક વિદ્યાર્થી, જેનું નામ અઝાર્કીઅલ Azarquiel (Arzachel or Zarqālī) છે. તેઓ પ્રખ્યાત ટોલેડન ટેબલ્સ માટે જાણીતા બન્યા હતા. આ ટેબલના કારણે સૂર્ય, ચંદ્ર અને અન્ય ગ્રહોની ગતિ અને સ્થાન નક્કી કરી શકાતા હતા. સૈદ અલ-અંદાલુસીના મત મુજબ, હિન્દુસ્તાનનો ગણિત, ખગોળશાસ્ત્ર, તબીબી વિજ્ઞાન અને ચેસની શોધ માટે ઋણ સ્વીકાર કરવો જોઈએ. મધ્ય યુગમાં એમનું પુસ્તક ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. પરંતુ હિન્દુસ્તાનમાં સંસ્થાનવાદના મૂળિયાં મજબૂત થતા ગયા તેમતેમ, આ પુસ્તકે તેની લોકપ્રિયતા ગુમાવી હતી, કારણ કે આ પુસ્તક બ્રિટનના સંસ્થાનવાદના એજન્ડામાં ફિટ બેસતું ન હતું. 1991માં ફરિવાર આ પુસ્તક અંગ્રેજીમાં રજૂ થઇ લોકોની નજરે પહોંચ્યું હતું.
સૈદ અલ-અંદાલુસીએ, વિશ્વની નામાંકિત સભ્યતાઓમાં થયેલ વિજ્ઞાનના વિકાસનું, વિજ્ઞાન ઇતિહાસનું અવલોકન કર્યા પછી પુસ્તક લખ્યું હતું. જેમાં ઇજિપ્ત ગ્રીસ અને રોમનો પણ સમાવેશ થતો હતો. છતાં તેમણે વિજ્ઞાનના દેશ તરીકે એકમાત્ર હિંદની પસંદગી કરી હતી. જે આજના વિજ્ઞાન માટે વિરોધાભાસી લાગે તેવું સ્ટેટમેન્ટ છે. સૈદ અલ-અંદાલુસીના પુસ્તકમાં રહેલ હિન્દુસ્તાન અને એસ. સોમનાથ દ્વારા આપેલ વક્તવ્ય સાંભળો તો લાગે કે “ હજાર વર્ષ બાદ, ફરીવાર મુસ્લિમ વિદ્વાનના શબ્દો નવા અર્થ સાથે રજૂ થઈ રહ્યા છે.” ઇસવીસન 475થી યુરોપમાં થયેલ નવજાગૃતિ સુધીનો સમય ( ઈ.સ.1400સુધીનો સમય) વિજ્ઞાન જગત માટે અંધાર યુગ એટલે કે ડાર્ક એજ તરીકે જાણીતો છે. આ શબ્દ પ્રયોગ યુરોપમાં ભૌતિક અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિની ગેરહાજરી માટે દર્શાવવામાં આવે છે. યાદ રહે કે આ સમયગાળામાં વિશ્વના અન્ય પ્રાંતમાં પણ વૈજ્ઞાનિક વિચારસરણીનો ઉદય થયો હોવા છતાં, પશ્ચિમી વિજ્ઞાન જગત એશિયા આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોનું યોગદાન નોંધતા નથી. આવું શા માટે?
આધુનિક વિજ્ઞાનનો વિકાસ ચીન કે ભારતમાં કેમ થયો નથી ?
કેટલાક વિદ્વાનો સવાલ કરે છે કે “શા માટે એશિયા, આફ્રિકા, મધ્ય પૂર્વ અને લેટિન અમેરિકામાં આધુનિક વિજ્ઞાનનો વધુ વિકાસ થયો નથી? અહીં એ પણ યાદ કરવું જોઈએ કે પશ્ચિમના વિજ્ઞાનના ઇતિહાસમાં પણ કેટલાક ગાબડા/ગેપ પડેલા તમે જોઈ શકો છો. તેનો સૌપ્રથમ ઉલ્લેખ , “સાયન્સ એન્ડ સીવીલાઈઝેશન ઈન ચાઇના”ના દળદાર ગ્રંથના લેખક અને વિદ્વાન જોસેફ નીધમ દ્વારા કરવામાં આવ્યો છે. જોસેફ નીધમ દ્વારા એક ખૂબ જ લોકપ્રિય પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જે આજકાલ સામાન્ય પ્રજા પણ એટલા જ હકથી પૂછે છે! શા માટે આધુનિક વિજ્ઞાન, ગણિત અને ટેકનોલોજીનો વિકાસ માત્ર પશ્ચિમીજગત કે માત્ર યુરોપમાં જ થયો હતો? ચાઈનીઝ કે ભારતીય સભ્યતામાં કેમ નહિ ?
આ પ્રશ્નનો ઉત્તર આપતા જોસેફ નીધમ નોંધે છે કે “ ચાઈનીઝ સભ્યતાનો અભ્યાસ કર્યા પછી મને લાગે છે કે આપણે ટેક્સબુક તરીકે જે પશ્ચિમી વિજ્ઞાન ભણાવીએ છીએ, તે અધૂરી વાત છે.” સંસ્થાનવાદના કારણે, પ્રાચીન ભારતીય સાયન્સને યોગ્ય પરિપેક્ષમાં જોવાનો કોઈએ પ્રયત્ન કર્યો નથી.” વિશ્વના મોટાભાગના વિસ્તાર ઉપર ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ અને નેધરલેન્ડે કબજો જમાવી સંસ્થાનવાદના મૂળિયા નાખ્યા હતા. તેઓએ પોતાના લોકપ્રિય સાહિત્યમાં એ વાતને જ રજૂ થવા દીધી, જે વાત તેમના dream of domination એટલે કે સંસ્થાનવાદના સપનાંને પૂરી કરતી હતી. આ કારણે પશ્ચિમની જગતનું વિજ્ઞાન યુરોપસેન્ટ્રીક અને અધૂરું લાગે છે. સંસ્થાનવાદની શિક્ષણનીતિ માત્ર કારકુન પેદા કરવાની હતી, એટલે વિજ્ઞાનીઓ પેદા થાય તેવું શિક્ષણ તેમને આપવામાં આવતું ન હતું. બ્રિટિશ અને ફ્રેન્ચ ગવર્મેન્ટ, ભારતીય સભ્યતામાં રહેલ વિદ્વતા અને વિચાર શ્રેષ્ઠતાને દાબીને, પોતાના સંસ્થાનવાદને અનુરૂપ થાય તેવું પ્રચારયુદ્ધ ચલાવી રહ્યા હતા.
હિન્દુસ્તાનની કમનસીબી એ હતી કે “ ભારતીય વિજ્ઞાન મોટાભાગે સંસ્કૃતમાં હોવાથી, પશ્ચિમના લોકો સંસ્કૃત ભાષાનો અર્થ અને અનુવાદ, પોતાની મરજી અને જરૂરિયાત મુજબ કરવા લાગ્યા હતા. બ્રિટિશરો શરૂઆતથી જ હિન્દુ મુસલમાન વચ્ચે ભાગલા પાડી લડાવી રહ્યા હતા. આ કારણે હિન્દુસ્તાની પ્રાચીન વિજ્ઞાનને ધાર્મિક દ્રષ્ટિકોણ આપી, તેઓ હિન્દુ વિજ્ઞાન તરીકે તેઓ રજુ કરી રહ્યા હતા. જેના કારણે બ્રિટિશ વિચારસરણી વાળો શિક્ષિત વર્ગ, પ્રાચીન વિજ્ઞાનને નફરત અને શંકાની નજરે જોઈ રહ્યા હતો. આજે પણ આ પરિસ્થિતિમાં ખાસ કોઈ ફેરફાર થયો નથી.
આ પણ વાંચો: ભાષાને પાંખી નથી બનાવી-જીવનનું માધુર્ય ગુમાવ્યું