Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ATM કાર્ડ બદલી છેતરપીંડી કરતાં બે ભેજાબાજ ઝડપાયા

અહેવાલ--રિતેશ પટેલ, દમણ જો આપ બેંકના એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા જાઓ અને કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે મદદની માંગ કરો અથવા કોઈ અજાણ્યા વ્યક્તિ પૈસા ઉપાડવામાં મદદ કરવાની ઓફર કરે તો સાવધાન થઈ જજો. ક્યાંક અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ મૂકવો આપને...
atm કાર્ડ બદલી છેતરપીંડી કરતાં બે ભેજાબાજ ઝડપાયા
અહેવાલ--રિતેશ પટેલ, દમણ
જો આપ બેંકના એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા જાઓ અને કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે મદદની માંગ કરો અથવા કોઈ અજાણ્યા વ્યક્તિ પૈસા ઉપાડવામાં મદદ કરવાની ઓફર કરે તો સાવધાન થઈ જજો. ક્યાંક અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ મૂકવો આપને મોંઘો સાબિત થઈ શકે છે. કારણકે મદદના બહાને ક્યાંક કોઈ ગઠીયા આપના બેંક એકાઉન્ટ નું તળિયું સાફ ન કરી દે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો નાનકડા સંઘપ્રદેશ દમણમાં સામે આવ્યો છે. જેમાં દમણના એક વ્યક્તિ ને એટીએમ મશીનમાં પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને બે ગઠિયાઓ એ ફ્રોડ કરી તે વ્યક્તિનું એટીએમ કાર્ડ બદલી બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી મોજ મસ્તીમાં ઉડાવી દીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.  આ બંને ભેજાબાજો અંતે દમણ પોલીસના હાથે ઝડપાઇ ગયા છે.
 મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલી દીધુ
રાજ્યના પડોશમાં આવેલા નાનકડા સંઘપ્રદેશ દમણ ના કચીગામ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક વ્યક્તિ એટીએમ મશીન દ્વારા પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવા ગયો હતો અને એ જ સમયે બે વ્યક્તિઓ એટીએમમાં પ્રવેશી ફરિયાદી ને એટીએમ મશીનમાંથી પૈસા કાઢવામાં મદદ કરવાની ઓફર કરી હતી. ત્યાર બાદ મદદ કરવાના બહાને આ ફરિયાદીનું એટીએમ કાર્ડ ચતુરાઈથી બદલી લીધું હતું. સાથે જ આ બંને ભેજાબાજો એ યુક્તિપૂર્વક ફરિયાદીના  કાર્ડ નો પિન પણ જાણી લીધો હતો. ત્યારબાદ બીજા દિવસે ફરિયાદીના ખાતામાંથી મોટી રકમ ઉપાડી અને વાપી ની એક દુકાનમાંથી સામાન પણ ખરીદી લીધો હતો. ફરિયાદી એ દમણ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવતા દમણ પોલીસ હરકતમાં આવી અને ભેજાબાજ ગઠિયાઓને ઝડપવા દમણ, દાદરા નગર હવેલી સહિત વલસાડ જિલ્લાના એટીએમ મશીનો પર બાજ નજર રાખવાનો શરૂ કર્યું હતું.
સીસી ટીવી ફૂટેજ મળ્યા
આ આરોપીઓએ એટીએમ કાર્ડ બદલ્યા બાદ વાપીના એક શોરૂમમાંથી લક્ઝુરીયસ સામાનની ખરીદી પણ કરી હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું હતી. આથી દમણ પોલીસ આ મામલે તપાસ કરતી શોરૂમ સુધી પહોંચી હતી જ્યાં આ બંને ભેજાબાજ ગઠિયાઓ ખરીદી કરી અને ઠગાઈ કરી મેળવેલા એટીએમ કાર્ડ થી શોરૂમના કાઉન્ટર પર પેમેન્ટ કરતા હોવાના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. ત્યારબાદ આ સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસની ટીમો વોચમાં હતી એ દરમિયાન જ ફરી એક વખત દમણના કચિગામ વિસ્તારમાં આવેલા ગાર્ડ વિનાના એક એટીએમમાં આ બંને ભેજાબાજ દેખાતા પોલીસે બંનેને દબોચી લીધા હતા.
પોલીસે બંનેને ઝડપી લીધા
બંને આરોપીને ઝડપ્યા બાદ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા બંને આરોપીઓએ પોપટની જેમ પોતાનો ગુનો કબુલ કરી લીધો હતો. પોલીસના હાથે ઝડપાયેલા આરોપી અયોધ્યા નારાયણ સિંગ અને ચંદન કુમાર આ બંને મિત્રો હોવાનું અને મૂળ બિહારના વતની હોવાની સામે આવ્યું હતું. આ બંને આરોપીઓ વાપીના એક વિસ્તારમાં રહેતા હતા અને વલસાડ જીલ્લા અને સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના એટીએમ મશીનો પર શિકારની શોધમાં રહેતા હતા. આ ગઠિયાઓ મોટે ભાગે જે એટીએમ મશીન પર ગાર્ડની વ્યવસ્થા ન હોય તેવા મશીનો પર જ અડ્ડો જમાવી અને મોકો જોઈ એટીએમ મશીન માંથી પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને યુક્તિપૂર્વક લોકોના એટીએમ મશીન બદલી અને તેના પીન નંબર પણ જાણી લેતા હતા અને ત્યારબાદ મોજ શોખમાં જ રૂપિયા ઉડાવી દેતા હતા. પોલીસે અત્યારે આરોપીઓ પાસેથી 106 થી વધુ એટીએમ કાર્ડ અને ત્રણ મોબાઈલ સહીત નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓને સળિયા પાછળ ધકેલી દીધા છે.
ગઠિયાઓ સિક્યુરિટી ગાર્ડ વિનાના એટીએમ મશીનને ટાર્ગેટ કરતા
આ અગાઉ પણ દમણ, દાદરા નગર હવેલી અને વલસાડ જિલ્લામાં પણ એટીએમ ફ્રોડની અનેક ફરિયાદો પોલીસ સ્ટેશનમાં ચોપડે નોંધાઈ ચૂકી નોંધાઈ ચૂકી છે. મોટાભાગના કિસ્સાઓમાં ગઠિયાઓ સિક્યુરિટી ગાર્ડ વિનાના એટીએમ મશીન પર અડ્ડો જમાવી લોકો સાથે છેતરપિંડી કરતા હોવાના ખુલાસા થઈ રહ્યા છે. જોકે હજુ આ ગેંગનો માસ્ટર માઈન્ડ પોલીસ પકડથી દૂર છે આથી પોલીસે માસ્ટર માઈન્ડ ને વોન્ટેડ જાહેર કર્યો છે. જોકે અત્યારે તો દમણ પોલીસના હાથે ઝડપાયેલા આ બંને ગઠીયાઓ પાસેથી જુદી જુદી બેંકના 106 થી વધુ એટીએમ કાર્ડ મળી આવ્યા છે. આથી દમણ પોલીસે હવે આ ગાંઠિયાઓ એ અગાઉ કેટલા લોકો સાથે આવી છેતરપિંડી કરી છે.? તે જાણવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.