તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે, આ ક્ષેત્રમાં થશે સમજૂતિ
તાન્ઝાનિયા (Tanzania) ના રાષ્ટ્રપતિ સામિયા સુલુહ હસન (Samia Suluh Hassan) તેમના ચાર દિવસના પ્રવાસના ભાગરૂપે, રવિવારે ભારત પહોંચ્યા હતાં. તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ બન્યા બાદ આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. ભારત પહોંચતા જ એરપોર્ટ પર કેન્દ્રીય રાજ્ય મંત્રી અન્નપૂર્ણા દેવીએ તેમનું સ્વાગત કર્યું હતું. સોમવારે તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતાં, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિનું ગાર્ડ ઓફ ઓનર આપીને ઔપચારિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
PM મોદી અને સામિયા સુલુહુ હસન સાથે દ્વિપક્ષીય બેઠક
PM મોદીએ નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર હતા. પીએમ મોદી અને તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય બેઠક દરમિયાન ઘણા મહત્વપૂર્ણ કરારો પર સહમતિ થઈ હતી. પીએમ મોદીએ જણાવ્યું કે સ્થાનિક ચલણમાં વેપાર વધારવા પર બન્ને દેશ કામ કરી રહ્યા છે. ICT કેન્દ્રો, વ્યાવસાયિક તાલીમ અને સંરક્ષણ તાલીમ દ્વારા ભારતે તાન્ઝાનિયામાં કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જળ વ્યવસ્થાપન, કૃષિ, આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રોમાં બન્ને દેશ સાથે મળીને કામ કરી રહ્યા છે અને તાન્ઝાનિયાના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સામિયા સુલુહ હસને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ મુલાકાત કરી
તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહ હસને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ મુલાકાત કરી હતી. વિદેશમંત્રીએ એક્સ સાઇટ પર લખ્યું કે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને ગર્વ અનુભવું છું. મુલાકાત દરમિયાન ઘણા ક્ષેત્રોમાં આપણા દ્વિપક્ષીય સંબંધોનો વિસ્તાર કરવા માટે તેમના માર્ગદર્શન મહત્વપૂર્ણ છે.
આઠ વર્ષ બાદ તાન્ઝાનિયાના રાષ્ટ્રપ્રમુખ ભારતના પ્રવાસે
ઉલ્લેખનીય છે કે આઠ વર્ષ બાદ તાન્ઝાનિયાના રાષ્ટ્રપ્રમુખ ભારતના પ્રવાસે છે અને આ પ્રવાસથી બન્ને દેશોના સંબંધો વધુ મજબૂત બનશે. આ પહેલા જુલાઇમાં વિદેશમંત્રી એસ જયશંકરે કિદુથાની પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી જે ઝાંઝીબારમાં 30 હજાર ઘરોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવશે. ભારત દ્વારા શરૂ કરાયેલા છ પ્રોજેક્ટ્સ પૈકી એક કિદુથાની પ્રોજેક્ટ છે જે સ્થાનિકોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવશે.
આ પણ વાંચો---પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ શાહિદ લતીફ પાકિસ્તાનમાં ઠાર