Madhya Pradesh: બોરવેલમાં પડેલા મયંકનો 27 કલાક બાદ પણ નથી કોઈ પત્તો, બચાવ કામગીરી યથાવત
Madhya Pradesh: મધ્યપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ખુલ્લા બોરવેલમાં પડી ગયેલા મયંક આદિવાશીને બચાવવા માટે વહીવટી અધિકારીઓ ઉપરાંત NDRF અને SDERFની ટીમો દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. બોરવેલમાં પડેલા નિર્દોષ મયંકને જલ્દીથી સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રયત્નો યથાવત છે. ઘટના બાદ મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લા પણ શનિવારે સવારે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમના દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી મોહન યાદવ પણ અકસ્માતને લઈને જિલ્લા પ્રશાસનના સતત સંપર્કમાં છે. મુખ્યમંત્રીએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી છે. મયંકને સુરક્ષિત બહાર લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવશે.
બોરવેલમાંથી મયંકનો રડવાનો અવાજ સાંભળ્યો પરંતુ...
તમને જણાવી દઈએ કે, શુક્રવારે બપોરે લગભગ 3 વાગે 6 વર્ષીય મયંક આદિવાશી તેના મિત્રો સાથે ઘઉંના ખેતરમાં રમવા ગયો હતો. આ દરમિયાન તે ખુલ્લા 60 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યો હતો. આ ઘટના બાદ તેની સાથે રમતા તેના મિત્રોએ તેને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ ગયા. મયંકના મિત્રોએ તરત જ તેના પરિવારને આ ઘટનાની જાણ કરી, ત્યારબાદ પરિવાર સ્થળ પર દોડી ગયો. નોંધનીય છે કે, બોરવેલમાંથી મયંકનો રડવાનો અવાજ સાંભળ્યો હતો. પરિવારે સત્વરે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ પણ ઘટના સ્થળે આવી અને કાર્યવાહી હાથ ધરી દીધી હતી. નોંધનીય છે કે, પોલીસ સાથે ઘટના સ્થળ પર ડોક્ટરોની ટીમ પણ આવી ગઈ હતી.
6 જેટલી જેસીબી સાથે બોરવેલથી થોડે દૂર ખોદકામ શરૂ કરાયું
નોંધનીય છે કે, મયંકને શ્વાસ લેવામાં તકલીફ ન પડે તે માટે આરોગ્ય વિભાગની ટીમે તરત જ ઓક્સિજન સિલિન્ડર મંગાવ્યું અને બોરવેલમાં નીચે ઉતાર્યું હતું. ઘટના બાદ ઘટનાસ્થળે કેમેરાની ટીમને પણ બોલાવવામાં આવી હતી અને બોરવેલમાં એક કેમેરા પણ નીચે ઉતારી દેવામાં આવ્યો હતો જેથી બહાર લગાવવામાં આવેલા ટીવી સ્ક્રીન દ્વારા બોરવેલની અંદર મયંકની હિલચાલની સ્થિતિ જાણી શકાય.અત્યારે આ ઘટનાને લગભગ 27 કલાક થઈ ગયા પરંતુ હજુ મયંકના કોઈ સંકેતો શોધી શકાયા નથી. મળતી વિગતો પ્રમાણે અત્યારે NDRF અને SDERFની ટીમો દ્વારા 6 જેટલી જેસીબી સાથે બોરવેલથી થોડે દૂર ખોદકામ શરૂ કરી દીધું છે.
મયંકના પિતાએ ખેતર માલિક પર લગાવ્યા આરોપ
પોતાના દીકરાના આવા હાલ થતા પિતાએ બોરવેલ માલિક પર આરોપ લગાવ્યો છે. મયંકના પિતા વિજય કુમાર આદિવાશીનો આરોપ છે કે ખુલ્લા બોરવેલ સાથેનું ખેતર હિરામણી મિશ્રાનું છે. ઘટના બાદ ખેતરના માલિકને જાણ કરવામાં આવી હતી, જે બાદ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બોરવેલમાં દોરડું નાખીને મયંકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ થોડા સમય બાદ તે ત્યાંથી નીકળી ગયો હતો પરંતુ ફોન સ્વીચ ઓફ હતો. જેથી બાળકાના પિતાએ હિરામણી મિશ્રા પર આરોપ લગાવ્યાં છે.