Vietnam : જળાશયમાં એક સાથે 200000 માછલીઓ મૃત્યુ પામી, જાણો શું છે કારણ
Vietnam : તમે કોઈ એવો સરોવર જુઓ કે 200000 કરતાં વધુ માછલી મૃત્યુ પામી હોય તો તમે કેવો અનુભવ કરશો. આવી ઘટના વિયેતનામ દેશમાં અત્યારે સામે આવી છે. દક્ષિણ વિયેતનામના ડોંગ નાઈ પ્રાંતમાં એક જળાશયમાં સેંકડો માછલીઓ મરી ગઈ છે. જેની તસવીર હાલ દુનિયભરમાં ભારે વાયરલ થઈ રહી છે, અને સૌ લોકો આ દ્રશ્યો જોઈને વિચારી રહ્યા છે કે, આવું શા માટે બન્યું હશે? આજે તમને અમે જણાવીશું કે એવું તો શું બન્યું કે, એકસાથે લાખોની સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામી છે.
દક્ષિણ વિયેતનામના ડોંગ નાઈ પ્રાંતની ઘટના
દક્ષિણ વિયેતનામના ડોંગ નાઈ પ્રાંતમાંથી એવી તસવીરો સામે આવી છે કે, એક વ્યક્તિ મૃત માછલીઓથી ભરેલા સરોવરમાં તેની બોટ હાંકી રહ્યો છે અને તે મૃત માછલીઓને પાણીમાંથી બહાર નિકાળી રહ્યો છે. આ સરોવરમાં એટલી સંખ્યામાં મૃત માછલીઓ હતી કે તેના સ્તર ઉપર પાણી કરતાં માછલી વધારે દેખાતી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ માછલીઓના મૃત્યુ પાછળ કાળઝાળ ગરમી અને તળાવની ગંદકી જવાબદાર છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ અને મધ્ય વિયેતનામમાં ગરમીના કારણે શાળાઓ વહેલી બંધ કરવી પડી હતી અને ગરમીના કારણે દેશમાં વીજળીનો વપરાશ પણ અચાનક વધી ગયો છે. આ વિસ્તારમાં આકરી ગરમીના કારણે લોકો બેહાલ થઈ ગયા છે.
એક સાથે 200000 માછલીઓ મૃત્યુ પામી
આ જળાશયમાં એકસાથે આટલી માછલી મૃત્યુ પામતા મૃત માછલીની દુર્ગંધના કારણે આસપાસના લોકોનું રહેવું ભારે બન્યું છે. એક તો અસહ્ય ગરમી અને તેના ઉપરથી આવી દુર્ગંધ અને વિચલિત કરનારા દ્રશ્યો, તમે વિચારી શકો છે ત્યાંના સ્થાનિક લોકો કેવી રીતે આવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશે. સ્થાનિકો દ્વારા આ સમસ્યાના નિવારણ માટે પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. સ્થાનિકોએ આ અંગે જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા જ જળાશય વ્યવસ્થાપન દ્વારા પાક અને માછલીઓને બચાવવા માટે તળાવમાં પંપ લગાવીને થોડું પાણી ખાલી કરાવ્યું હતું, પરંતુ આ પ્રયાસો પણ અપૂરતા સાબિત થયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ગંદા અને ઓછા પાણીના કારણે 200 ટન માછલીઓ નાશ પામી હતી.
ગરમીના કારણે સૌના હાલ થયા બેહાલ
અહી ગરમીનું પ્રમાણ છેલ્લા 26 વર્ષમાં સૌથી વધુ આ વર્ષે એપ્રિલ મહિનામાં નોંધાયું છે.ડોંગ નાઈ પ્રાંતમાં એપ્રિલનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. 1998 પછી પહેલીવાર એપ્રિલમાં આટલી તીવ્ર ગરમી જોવા મળી રહી છે, જેના કારણે પડોશી દેશ કંબોડિયા પર પણ અસર થઈ રહી છે, જ્યાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. બુધવારે, કંબોડિયન વડા પ્રધાન હુન માનેટે શાળાઓને શિક્ષકો અને વિદ્યાર્થીઓને ગરમીથી બચાવવા માટે બંધ કરવાનું વિચારવાનો આદેશ આપ્યો હતો અને પાણીની અછતના કિસ્સામાં સત્તાવાળાઓને તૈયાર રહેવા જણાવ્યું હતું.
આ પણ વાંચો : UAE : દુબઈમાં ફરી ભારે વરસાદ અને ભયંકર વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર, અનેક સેવાઓ ઠપ…