ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાના કાવતરા અંગે પીએમ મોદીનું પહેલું નિવેદન
ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાના કાવતરા અંગે પીએમ મોદીનું પહેલું નિવેદન
પીએમ મોદીએ કહ્યું કે તેઓ ખાલિસ્તાની આતંકવાદી પન્નુના કેસને લગતા મળેલા પુરાવાઓની તપાસ કરશે. જો કે, વડાપ્રધાને એમ પણ કહ્યું કે આવી નાની ઘટનાઓથી ભારત અને અમેરિકાના સંબંધોમાં કોઈ ફરક નહીં પડે.
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના મામલામાં પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ આ મામલે ભારત પાસે તપાસની માંગ કરી છે. આ ઘટના અંગે પીએમ મોદીએ કહ્યું કે તેઓ આ કેસમાં મળેલા પુરાવાઓની તપાસ કરશે. જો કે, વડાપ્રધાને એમ પણ કહ્યું કે આ નાની ઘટનાઓથી ભારત અને અમેરિકાના સંબંધોમાં કોઈ ફરક નહીં પડે.
થોડા દિવસો પહેલા અમેરિકન ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની અમેરિકન ધરતી પર હત્યાના ષડયંત્રનો ખુલાસો કર્યો હતો. અમેરિકા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એક ભારતીય વ્યક્તિએ પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને તે ભારતના એક સરકારી અધિકારીના સંપર્કમાં હતો. આ કેસમાં ભારતીય અધિકારીની ઓળખ જાહેર કરવામાં આવી નથી. જો કે અમેરિકાએ આ ઘટના અંગે ભારત પાસે તપાસની માંગ કરી હતી.
પીએમ મોદીએ અમેરિકાના આરોપોનો જવાબ આપ્યો
પીએમ મોદીએ અમેરિકાના આ આરોપો પર ફાઈનાન્શિયલ ટાઈમ્સ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે જો આપણા નાગરિકોમાંથી કોઈએ કંઈ સારું કે ખરાબ કર્યું છે તો અમે આ મામલે તપાસ કરવા તૈયાર છીએ. કાયદાના શાસન પ્રત્યે અમારી સંપૂર્ણ પ્રતિબદ્ધતા છે. આ સાથે વડાપ્રધાને ખાલિસ્તાની આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, "જે રીતે કેટલાક કટ્ટરપંથી સંગઠનો વિદેશમાં ગતિવિધિઓ કરી રહ્યા છે તે અંગે હું ચિંતિત છું. આવા તત્વો અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે લોકોને ડરાવવા અને હિંસા ભડકાવવામાં સામેલ છે.
ભારત-અમેરિકાના સંબંધો પર કોઈ અસર નહીં પડેઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવા પ્રમાણે, આ આરોપોની ભારત-અમેરિકા સંબંધો પર કોઈ અસર થવાની નથી. "આ સંબંધને મજબૂત કરવા માટે મજબૂત દ્વિપક્ષીય સમર્થન છે, જે સ્થિર ભાગીદારીની સ્પષ્ટ નિશાની છે," તેમણે કહ્યું. મને કેટલીક ઘટનાઓને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સાથે જોડવાનું પસંદ નથી.
મેનહટનની ફેડરલ કોર્ટમાં યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા દાખલ કરવામાં આવેલા આરોપમાં ભારતીય અધિકારી સામેના આરોપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આરોપ મુજબ, ભારતીય અધિકારીઓ 50 વર્ષીય ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા સાથે કામ કરી રહ્યા હતા, જેની ચેક રિપબ્લિક સત્તાવાળાઓ દ્વારા આ વર્ષે 30 જૂને ધરપકડ કરવામાં આવી હતી. તેના પર પન્નુની હત્યા માટે હત્યારાને પૈસા ચૂકવવાનો આરોપ છે.