Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot ની 150 વર્ષ જુની ઝનાના હોસ્પિટલની કાયાપલટ, એક છત નીચે મળશે અત્યાધુનિક સારવાર

અહેવાલ : રહીમ લાખાણી, રાજકોટ બાળકના જન્મ સાથેના પ્રથમ રુદન અને માતાના સ્નેહાળ સ્પર્શના મિલનનો સાક્ષી બનતો રાજકોટ સિવિલ હોસ્પિટલનો ગાયનેક વિભાગ ટૂંક સમયમાં જુના ઝનાના હોસ્પિટલ કેમ્પસ ખાતેના નવનિર્મિત બિલ્ડિંગમાં શિફ્ટ થવા જઈ રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની પ્રસૂતાઓ...
rajkot ની 150 વર્ષ જુની ઝનાના હોસ્પિટલની કાયાપલટ  એક છત નીચે મળશે અત્યાધુનિક સારવાર

અહેવાલ : રહીમ લાખાણી, રાજકોટ

Advertisement

બાળકના જન્મ સાથેના પ્રથમ રુદન અને માતાના સ્નેહાળ સ્પર્શના મિલનનો સાક્ષી બનતો રાજકોટ સિવિલ હોસ્પિટલનો ગાયનેક વિભાગ ટૂંક સમયમાં જુના ઝનાના હોસ્પિટલ કેમ્પસ ખાતેના નવનિર્મિત બિલ્ડિંગમાં શિફ્ટ થવા જઈ રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની પ્રસૂતાઓ અને નજાવત બાળકોને એક છત્ર નીચે સંપૂર્ણ સારવાર સાથેના ‘’મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હેલ્થ'' વિંગની કામગીરી પૂર્ણતાને આરે છે.

ગુજરાતની સૌથી ઉંચી MCH હોસ્પિટલ

સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, સ્વસ્થ બાળ અને સ્વસ્થ માતાની વિભાવનાને ચરિતાર્થ કરવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સંનિષ્ઠ પ્રયાસોથી રાજકોટમાં કોર્પોરેટ સ્ટાઈલમાં ગ્રાઉન્ડ પ્લસ 11 માળની ગુજરાતની સૌથી ઊંચી MCH હોસ્પિટલ અદ્યતન સુવિધાઓ સાથે નિર્માણ પામશે.

Advertisement

શું હશે સુવિધા?

સૌરાષ્ટ્ર કચ્છના મેટર્નલ અને બાળ દર્દીઓ માટે હોસ્પિટલમાં 500 બેડ ઉપરાંત વધારાના 200 બેડની સુવિધા સાથે કુલ 700 બેડની સુવિધા, સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્ક બેન્ક, ટ્રાઈએઝ, થ્રી લેયર એન.આઈ.સી.યુ., ડી.ઈ.આઈ.સી., એન.આર.સી. પ્લે ગ્રાઉન્ડ સહિતની સુવિધા આ કેમ્પસમાં ઉપલબ્ધ કરાવાઈ છે. આ સાથે અન્ય ફ્લોર પર 9 ઓપરેશન થીએટર બ્લોક, 18 બેડનો આગમન કક્ષ (પ્રસુતિ રૂમ), રિસ્કી ડીલિવરી માટે ક્વોલિફાઈડ નર્સીઝ દ્વારા ચાર બેડનો મીડ વાઈફ લેડ કેર યુનિટ, 4 ન્યુ બોર્ન કોર્નર કે જ્યાં નવજાત બાળકની સારવાર, પ્રથમ એક હજાર દિવસ સર્ટિફિકેશન મજુબ અલગથી લેબર રૂમ, મમતા ક્લિનિક ઓ.પી.ડી.સહીત ઓલ ઈન વન સ્ટોપ સ્ટેશન, ગાયનેક ઓ.પી.ડી. કે જેમાં કેન્સર ક્લિનિક, મેનોપોઝલ ક્લિનિક, કુટુંબ નિયોજન ઓ.પી.ડી. જેવા વિભાગો અલાયદા ઉભા કરવામાં આવ્યા છે.

કેવી હશે અત્યાધુનિક સારવાર

અધિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે,રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દર વર્ષે 8 હજાર થી વધુ ડીલિવરી કરવામાં આવી રહી છે, જેમાં નોર્મલ ડીલેવરી માટે આ હોસ્પિટલ વિવિધ તકનીક સાથેનું રોલ મોડેલ બની રહેશે. અહીં મોડ્યુલર 8 ઓપરેશન થીએટર, સ્ત્રી રોગની સારવાર, સુપર સ્પેશિયાલિટીઝ ડોક્ટર્સની ટીમ સાથે ઝીરો રેફરલ પોલિસી અપનાવાશે. પી.આઈ.યુ. ની કામગીરી પૂર્ણ થવામાં છે. આ સાથે અલગથી વીજ લાઈન, પાવર બેકઅપ માટે જનરેટર, ઓક્સીજન લાઈન, દર્દીના સગા માટે કેન્ટીનની વ્યવસ્થા વગેરે સવલતો પણ ઉભી કરવામાં આવી છે.

Advertisement

પીડિયાટ્રિક વિભાગ

સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગના હેડ અને પ્રોફેસર ડો. પંકજ બુચે જણાવ્યું હતું કે નવી હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં નવજાત શિશુની સારવાર માટે એન.આઈ.સી.યુ ત્રણ લેવલમાં ઉભુ કરવામાં આવેલ છે. નવજાત શિશુ અને માતાની સારવાર માટે એક જ જગ્યાએ અલાયદો વોર્ડ, બાળકો માટે વેન્ટિલેટર સાથે ૨૫ બેડનું આઈ.સી.યુ., મોટી ઉંમરના બાળકો માટે ૪૪ બેડનું હાઈ ડીપેન્ડન્સી યુનિટ, પોર્ટેબલ સોનોગ્રાફી, ઇકો કાર્ડિયોગ્રાફી મશીન સુવિધાઓ, ભારત સરકારની ઓપરેશનલ ગાઈડલાઈન મુજબનું ગુજરાતનું પ્રથમ શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ બાળકોની સારવાર માટેનું ડી.ઈ.આઈ. સેન્ટર, કુપોષિત બાળકોના વજન વધારવા માટેનું ૨૫ બેડનું એન.આર. સેન્ટર, હિમોફેલિયા અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી ચડાવવા માટેનો અલાયદો વિભાગ ઉપરાંત પીડિયાટ્રિક ન્યુરો સર્જીકલ અને સર્જીકલ વિભાગ, બાળકો રમત રમી શકે તે માટે પ્લે એરિયા, તેમજ એન.આઈ.સી.યુ. ટ્રેનિંગ માટે ૧૦૦ બેઠકનું ટ્રેનિંગ સેન્ટર ઉપલબ્ધ કરવામાં આવ્યુ હોવાનું ડો. બુચે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું.

ગાયનેક વિભાગ

પી.ડી.યુ. મેડિકલ કોલેજના ગાયનેક વિભાગના હેડ અને પ્રોફેસર ડો. કમલ ગોસ્વામીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, મેડિકલ કાઉન્સિલની ગાઈડલાઈન મુજબ, સૌરાષ્ટ્ર -કચ્છના દર્દીઓની સંખ્યાને પહોંચી વળવા સાથે ઉત્તમ સારવાર મળી રહે તે માટે ૩૭૦ બેડ સાથેનો ગાયનેક વિભાગ ડીઝાઇન કરાયો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર દર્દીનું રજીસ્ટ્રેશન, વેઇટિંગ કમ નોલેજ શેરિંગ, પ્રસુતિ અને સ્ત્રી રોગ ઇમર્જન્સી સારવાર અર્થે ૬ બેડનો ટ્રાએજ એરિયા, મમતા ક્લિનિક ઉપરાંત સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ સહિતની સુવિધા એક જ ફ્લોર પર ઉભી કરવામાં આવી છે

સ્નેહસભર સારવારનું કેન્દ્ર બનશે હોસ્પિટલ

દર્દીઓની સુવિધાર્થે અનુપ્રસુતી અને પૂર્વપ્રસુતી અને સ્ત્રી રોગ વોર્ડ વિભાગ ડીઝાઇન એન.એમ.સી. ગાઈડલાઈન, 1000 ડેઝ અને મિડવાઈફ કન્સેપટને ધ્યાને લઈને કરવામા આવ્યા હોવાનું ડો. ગોસ્વામીએ જણાવ્યું છે. રાજકોટની ઝનાના હોસ્પિટલ ખરા અર્થમાં જરૂરિયાતમંદ મહિલા અને બાળ દર્દીઓનું સ્નેહસભર સારવારનું કેન્દ્ર ચોક્કસ બની રહેશે.

આ પણ વાંચો : KUTCH : પાબીબેન ડોટકોમ બની બ્રાન્ડ, 300થી વધુ મહિલાઓને મળી ઓળખ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.