જામનગરમાં કુખ્યાત અને સાયચા ગેંગના ઈસમ પર તંત્રએ સકંજો કસ્યો, ગેરકાયદેસર બંગલા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
ઘણી વખત એવી ઘટના સામે આવતી હોય છે કે સમાજના ગુંડારાજ અને અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે જાહેર મિલ્કત ઉપર કબજો કરી લેતા હોય છે અને ત્યાર બાદ વર્ષો સુધી તે મિલ્કત ઉપર હક જમાવી તેને પોતાની માલિકીની બનાવી દેતા હોય છે. તેના ઉપર તંત્ર અને સામાન્ય લોકો ડરના કારણે તેમના સામે ઘણી વખત અવાજ ઉઠાવી શકતા નથી. ત્યારે આ જામનગર માંથી આ અંગેના મોટા સમાચાર સામે આવ્યા છે.
જામનગરના કુખ્યાત અને સાયચા ગેંગના ઈસમ પર તંત્રએ સકંજો કસ્યો છે. શહેરના બેડી બંદર રોડ ઉપર સરકારી જગ્યામાં 26 વર્ષથી ગેરકાયદે કબજો કરીને બંગલો બાંધીને રહેતા કુખ્યાત રજાક સાયચાની શાન તંત્રએ ઠેકાણે લાવી છે. ગેરકાયદે બાંધેલા બંગલા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. અનેક ગુનામાં સંડોવાયેલો રજાક સાયચા સરકારી જમીન પચાવી પાડી હોવાની મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી.
હાલ શિક્ષિકાના આપઘાત કેસમાં જેલમાં બંધ રજાક સાયચાનો જેલમાંથી કબજો લઈ રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ હતી.સરકારી ખરાબામાં પોતાનો મેલો ડોળો જમાવી બંગલો તાણીને ઐયાશી કરનારાની શાન ઠેકાણે લાવી છે.આ જમીન દબાણ પ્રકરણમાં આરોપી રજાક સાઈચાની સાથે અન્ય કોઈ સંડોવાયેલા છે કે, કેમ તે અંગે પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.
કોણ છે રજાક સાયચાની ?
રજાક સાયચાની જામનગરનો કુખ્યાત ગેંગસ્ટર અને ભૂમાફિયા છે. થોડા દિવસ પહેલા જ લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ હતી. તેને સરકારી ખરાબમાં પોતાનો મેલો ડોળો જમાવી મકાન ખડકી દીધાનું સામે આવ્યું હતું. વધુમાં જમીન દબાણ પ્રકરણમાં આરોપી રજાક સાઈચાનું નામ ઘણી વાર સામે આવી ચૂક્યું છે. હાલ આ કુખ્યાત ભૂ માફિયા શિક્ષિકાના આપઘાત કેસમાં જેલમાં બંધ છે. સમગ્ર ઘટના એમ છે કે, મે મહિનામાં જામનગરની એક શિક્ષિકાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ તેની સ્યૂસાઈડ નોટ મળી આવતાં તેમાં રઝાક સાઈચા, અખતર અનવર ચમડિયા, અફરોઝ તૈયબ ચમડીયા વગેરેનાં નામ લખવામાં આવ્યાં હતાં અને આરોપ લગાવ્યો હતો કે તેઓ તેને પ્રેમ માટે દબાણ કરતા અને બદનામી કરતા હતા. ત્યાર બાદ મૃતક શિક્ષિકાના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, અને રજાક સામે આઇ.પી.સી કલમ 306,114 મુજબ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો -- AHMEDABAD : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ 2024’ને ખુલ્લો મૂક્યો