SURAT : સીગરેટ જેવી નજીવી બાબતમાં યુવકે ચપ્પુ ઝીંકી પોતાના જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ
અહેવાલ - રાબિયા સાલેહ, સુરત
સુરત શહેર હવે ક્રાઇમનું શહેર બની ગયું હોય તેમ દિન પ્રતિદિન હત્યાના બનાવવોમાં સતત વધારો થઈ રહ્યો છે, કાયદો વ્યવસ્થાનો જાણે કોઈ ડર ન હોય તેમ સુરત શહેરમાં ઉપરાછાપરી હત્યાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, છેલ્લા ચાર દિવસમાં સુરતમા પાંચ હત્યા પોલીસના ચોપડે નોંધાઈ છે.
સિગરેટ જેવી નજીવી બાબતમાં બોલાચાલી જોત જોતા હત્યા સુધી પહોંચી ગઈ હતી, સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલા તડકેશ્વર સોસાયટી પાસે ગતરોજ બે મિત્રો વચ્ચે સિગરેટ ની નજીવી બાબતમાં બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાઈને એક યુવક મિત્રોને તલવાર લઈ મારવા ગયો હતો, જો કે આ દરમિયાન સામે જ મિત્રએ ચપ્પુના ઘા ઝીંકી દેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હત્યાના બનાવની જાણ થતા જ ખટોદરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આરોપી યુવક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં ક્રાઇમ રેટમાં વધારો થયો હોય એમ શહેરમાં દિન પ્રતિદિન હત્યા અને લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા પાંચ દિવસમાં સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં હત્યાના બનાવો પોલીસના ચોપડે નોંધાયા છે. જેમાં વરાછા, પાંડેસરા સહિતના વિસ્તારોમાં હત્યા થયા બાદ હવે સુરત શહેરના ભટાર વિસ્તારમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. ભટાર વિસ્તારમાં આઝાદ નગર પાસે આવેલ ઇન્દિરા નગરમાં રહેતો દીપ રવીન્દ્ર પટેલ અને ભટારમાં જ ગોકુલ નગરમાં રહેતો આકાશ બાબા સાહેબ વાઘમારે બંને મિત્રો છે. વાત છે ગણેશ ચતુર્તિ ઉત્સવના દિવસોની જયારે બંને મિત્રો સાથે હતા ત્યારે મૃતક આકાશ વાઘમારે એ હત્યારા દીપ પાસે સિગરેટના પૈસાની માંગણી કરી હતી. પરંતુ દીપે મજાક મસ્તીમાં માત્ર બે રૂપિયા જ આપ્યા, જે બાદ પોતાનું સોમાન ખોળાતું લાગતાં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો થાળે પડી જતા પોતાના ઘરે આવી ગયો હતો.
આ દરમિયાન ગણેશ ઉત્સવ વીતી ગયો અને હવે આવી છે નવરાત્રી અને હજી પણ બંનેને એક બીજા પર હતો ગુસ્સો, અને અચાનક ગત રોજ બંને અમને સામને થઈ ગયા હતા. જે બાદ બંને વચ્ચે છુટા હાથની મારામારી થઈ અને એ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યાર બાદ અચાનક, આકાશ વાઘમારે પોતાના ઘરે જઈ તલવાર લઈને દીપને મારવા માટે આવ્યો હતો. દીપ પટેલ ભટારમાં જ તડકેશ્વર સોસાયટી પાસે સુરતી લાલાની દુકાન પાસે આઝાદ નગર નજીક ઉભો હતો ત્યારે આકાશ તલવાર લઈને દીપને મારવા જતા દીપે પોતાની પાસેનું ચપ્પુ આકાશ પર ચલાવી દીધું હતું અને આકાશને ઉપરા છાપરી ઘા ઝીંકી દેતા તેનું ઘટના સ્થળ જ મોત નિપજ્યું હતું.
આ ઘટના માં માત્ર બે મિત્રોને નહિ પરંતુ તેમના પરિવારે પણ ભોગવવાનો વારો આવ્યો છે. આકાશે હુમલો કરતા દીપના પરિવારના અન્ય બે લોકોને પણ ઈજા થઈ હતી. જેથી ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયારે દીપ પટેલને પણ મારામાંરી થયા બાદ તેના શરીર પર ઈજાના નિશાન સ્પષ્ટ દેખાય રહ્યા હતા. જેથી દીપને પણ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને સારવાર આપ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ખટોદરા પોલીસે દીપ પટેલ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો -- BHARUCH : આસો નવરાત્રીમાં પણ તસ્કરોનો આંતક યથાવત, સલૂન અને રેસ્ટોરન્ટને બનાવ્યું નિશાન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે