RAM MANDIR : અયોધ્યા મંદિરના મહાયજ્ઞમાં સુરતને પણ આશીર્વાદ મળશે, શહેરના હિન્દુ સમાજના લોકો દ્વારા ૩૧,૫૦૦ કિલો ઘી મોકલવાનો સંકલ્પ
અહેવાલ - રાબિયા સાલેહ
અયોધ્યા મંદિરના મહાયજ્ઞમાં સુરતને પણ આશીર્વાદ મળશે, મહાયજ્ઞ માટે સુરતથી ૩૧૫૦૦ કિલોનું યોગદાન કરવામાં આવ્યું છે. સુરતમાં મોટા ભાગના રાજસ્થાની કાપડ વેપારીઓ વસે છે, જેથી તેઓ દ્વારા મોટું ફંડ એકત્રિત કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાશે. રામલલ્લાની સ્થાપનાને લઇને સુરતમાં ઉત્સાહનો સંચાર થયો છે.
મહાયજ્ઞ માટે સુરતથી ૩૧,૫૦૦ કિલો ઘીનું યોગદાન આપવામાં આવશે
અયોધ્યામાં રામલલ્લાની સ્થાપનાને લઇ સમગ્ર દેશમાં એક અનેરો આનંદ છવાયો છે. મહાયજ્ઞ માટે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ૨૨ જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા માટે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. દરમિયાન મહાયજ્ઞને લઇને સુરતમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાયજ્ઞ માટે સુરતથી ૩૧,૫૦૦ કિલો ઘીનું યોગદાન આપવામાં આવશે.
કાપડ વેપારીઓએ ત્રણ મહિનાની મહેનત થકી મોટી રકમનું ફંડ એકત્રિત કર્યું છે અને તે ફંડ રાજસ્થાન મોકલવામાં આવશે. અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ૧૦૦૮ કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મહાયજ્ઞને કારણે દેશભરમાંથી સેવાભાવી-ધાર્મિક સંસ્થાઓ, લોકો તરફથી યથાશક્તિ ફાળો, ફંડ આપવામાં આવી રહ્યું છે. વિવિધ સંસ્થા, સમાજના અગ્રણીઓ શક્ય એટલી મદદ કરી રહ્યા છે. આ અંગે કાપડ વેપારી અમિત શર્માએ જણાવ્યુ હતુ કે, જગતગુરુ સ્વામી રામભદ્રાચાર્ય મહારાજના સાંનિધ્યમાં સુરત શહેરના હિન્દુ સમાજના લોકો દ્વારા ૩૧,૫૦૦ કિલો ઘી મોકલવાનો સંકલ્પ કરાયો છે. શહેરના રાજસ્થાની સમુદાયના કાપડ વેપારીઓ, ગૌભક્તો એવા અરૂણ પાટોડિયા, નંદુ ઉપાધ્યાય, લલિત શર્મા, કૈલાશ અગ્રવાલ સહિતનાઓ દ્વારા ઘીની રાશિ એકત્રિત કરીને રાજસ્થાન મોકલવાનું આયોજન કરાયું છે. અંદાજે ૨૦૦ જેટલા વેપારીઓએ ફાળો આપવામાં ઉત્સાહ દેખાડયો હતો અને હવે આ રાશિ રાજસ્થાન મોકલવામાં આવશે.
આ પણ વાંચો -- AHMEDABAD : ગાય માતાને ભારતની રાષ્ટ્રમાતા જાહેર કરવાની ફરી એકવાર માંગ ઉઠી, વાંચો અહેવાલ