મહેસાણા અર્બન બેંકના ડિરેક્ટરના આપઘાત કેસમાં IPS અને PSI સામે થયેલા આરોપની તપાસ શરૂ
મહેસાણાના હાઈપ્રોફાઈલ સ્યૂસાઈડ કેસમાં જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી (Achal Tyagi IPS) સહિત કેટલાંક પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા છે. જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી અને મોઢેરા પીએસઆઈ એસ.જે.રાઠોડ (PSI S J Rathod) સામે મૃતક કિરીટ પટેલે સ્યૂસાઈડ નોટ (Suicide Note) માં અતિ ગંભીર આરોપ લગાવ્યા છે. ગુજરાત વિધાનસભા-2022માં BJP માંથી MLA ની ટિકિટ અપાવવાની લાલચ આપી 2.40 કરોડની ઠગાઈ કરનારા 5 શખ્સો ઉપરાંત આરોપીઓને છાવરનારા મહેસાણા SP, મોઢેરા PSI સહિતના પોલીસ અધિકારીઓ સામે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
રેન્જ IG એ કેમ તપાસ અન્ય જિલ્લામાં આપી ?
2 કરોડ 40 લાખ 50 હજાર રૂપિયાની છેતરપિંડીના મામલામાં મહેસાણા અર્બન બેંક (Mehsana Urban Bank) ના ડિરેક્ટર કિરીટ પટેલે પોલીસ કાર્યવાહી નહીં થતી હોવાથી જીવન ટૂંકાવી લીધું છે. મરતા પહેલાં કિરીટભાઈએ લખેલી સ્યૂસાઈડ નોટમાં મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી અને મોઢેરા PSI એસ.જે.રાઠોડે આરોપીઓ પાસેથી રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો છે. કિરીટ પટેલના આપઘાતની જાહેરાત થતાં બેચરાજી પોલીસે ગુનો નોંધ્યો હતો અને આ કેસની તપાસ ઊંઝા PI ને સોંપવામાં આવી હતી. IPS અને PSI સામે અતિ ગંભીર આરોપ લાગ્યા હોવાથી ગાંધીનગર રેન્જ આઈજી (Gandhinagar Range IG) અભય ચુડાસમા (Abhay Chudasama IPS) એ આ કેસની તપાસ જિલ્લા બહાર કરવા આદેશ કર્યો છે. સાબરકાંઠા હેડ કવાટર્સ ડીવાયએસપી પાયલ સોમેશ્વરે (Dysp Payal Someshvar) આ કેસના દસ્તાવેજો મેળવી લઈ મૃતકના પરિવારજનો સહિતના નિવેદન નોંધવાની તેમજ ફરાર આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.
અચલ ત્યાગી અગાઉ જજ હતા
વર્ષ 2015ની બેચના IPS અચલ ત્યાગી ઉત્તર પ્રદેશના વતની છે અને તેમણે LLB સુધીનો અભ્યાસ કર્યો છે. અચલ ત્યાગી IPS બન્યા તે અગાઉ તેઓ જજ હતા. દિલ્હીની મેટ્રોપોલિટન કોર્ટમાં મેજીસ્ટ્રેટ રહી ચૂક્યા છે. તેમના ટ્વિટર એકાઉન્ટ ડિસ્ક્રિપ્શન પર Lawyer by degree, Cop by Profession આવું લખેલું જોવા મળે છે.
IPS ત્યાગીની મુશ્કેલીઓમાં થશે વધારો
પૂર્વ MLA સ્વ. ભાઈલાલભાઈ પટેલના પુત્ર કિરિટ પટેલને ગત વિધાનસભા-2022માં BJP માંથી ચૂંટણી લડવાની ઇચ્છા હતી અને તેનો લાભ લઈને એક ઠગ ટોળકીએ નિશાન બનાવ્યા. નિલેશ ત્રિવેદી (રહે. ઈન્દોર, મધ્યપ્રદેશ), હરીશ ગુપ્તા (દિલ્હી), અભિષેક વિનોદકુમાર શુકલા, અભિષેકની પત્ની કૃપા અને અમી જોશી (ત્રણેય રહે. અમદાવાદ)એ એકઠાં થઈને વર્ષ 2022ના જુલાઈથી ઓક્ટોબર મહિનાના ગાળામાં કિરીટભાઈ પાસેથી 2.40 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. છેતરપિંડીના મામલાની ફરિયાદ નોંધાવવા માટે કિરીટ પટેલે ગત ફેબ્રુઆરી મહિનામાં મોઢેરા PSI અને SP ત્યાગીને લેખિત રજૂઆત કરી હતી. વારંવાર લેખિત-મૌખિક રજૂઆત છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. સૂત્રોના જણાવ્યાનુસાર મહેસાણા SP ત્યાગીના આદેશથી કિરીટ પટેલની એક અરજી SOG પીઆઈ એ.યુ.રોઝ (PI A U Roz) ને આપી હતી. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, કિરીટભાઈની વારંવારની રજૂઆતો બાદ પણ મહેસાણા SP એ કોઈ કાર્યવાહી કરી ન હતી. મૃતકના પરિવારજનો આ મામલે હાઈકોર્ટના દ્ધાર ખખડાવવાની તૈયારી કરી રહ્યાં છે.
પૂર્વ મંત્રીના ખાસમખાસ હતા ત્યાગી
IPS અચલ ત્યાગી અગાઉ પણ વિવાદોમાં આવી ચૂક્યાં છે. અમદાવાદ શહેરમાં DCP તરીકે ફરજ બજાવી ચૂકેલા અચલ ત્યાગીને લઈને પણ અનેક વાતો હાલ ચર્ચામાં આવી છે. પૂર્વ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) ના પડ્યા બોલ ઝીલવા માટે અચલ ત્યાગી હંમેશા તત્પર રહેતાં હતા. પૂર્વ અમદાવાદમાં થયેલા જમીન કૌભાંડ અને માલિકી હક્કના વિવાદોમાં અચલ ત્યાગી મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યાં હોવાની વાતો શરૂ થઈ છે. રામોલ પોલીસ સ્ટેશન (Ramol Police Station) ના તત્કાલિન પીઆઈ કે.એસ.દવે (PI K S Dave) એ પોતાની પત્નીના નામે એક જમીન ખરીદી હતી અને તેમાં થયેલા ગંભીર આક્ષેપોને અધિકારી નજર અંદાજ કરતા મામલો હાઈકોર્ટમાં ગયો હતો.
આ પણ વાંચો : કેસમાં નામ નાંખો અને પૈસા માગો, કેમ કહ્યું સટ્ટા કિંગ અમિત મજેઠીયાએ POLICE માટે…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.