Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

JUNAGADH : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે જૂનાગઢની મુલાકાતે આવ્યા

અહેવાલ - સાગર ઠાકર  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જૂનાગઢની મુલાકાતે હતા. ગિરનાર તળેટીમાં આવેલ રૂપાયતન ખાતે દિવ્યકાંત નાણાવટી શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા. દિવ્યકાંત નાણાવટી : ભૂલાય તે પહેલાં નામના સ્મૃતિ ગ્રંથનું કેન્દ્રીય ગૃહ મંત્રી...
junagadh   કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે જૂનાગઢની મુલાકાતે આવ્યા

અહેવાલ - સાગર ઠાકર 

Advertisement

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જૂનાગઢની મુલાકાતે હતા. ગિરનાર તળેટીમાં આવેલ રૂપાયતન ખાતે દિવ્યકાંત નાણાવટી શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા. દિવ્યકાંત નાણાવટી : ભૂલાય તે પહેલાં નામના સ્મૃતિ ગ્રંથનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, જાણીતા ધારાશાસ્ત્રી નિરૂપમ નાણાવટી સહીતના શહેરના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Image preview

Advertisement

દિવ્યકાંતભાઈ નાણાવટી રૂપાયતન સંસ્થાના પ્રમુખ હતા, જૂનાગઢના વિકાસમાં તેમનું મોટું યોગદાન રહ્યું હતું. જૂનાગઢ નગરપાલિકાના પ્રમુખ તરીકે તેમણે જાહેર જીવનનો પ્રારંભ કર્યો હતો, બાદમાં બે વખત તેઓ ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા અને વિધાનસભામાં કેબિનેટ મંત્રી તરીકે રહી ચુક્યા છે. રાજકીય ઉપરાંત તેઓ જૂનાગઢ અને ગુજરાતના જાણીતા ધારાશાસ્ત્રી પણ હતા. તેઓ જ્યારે નગરુપાલિકાના પ્રમુખ હતા ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન થયેલા કાર્યોને લોકો આજે પણ યાદ કરે છે. ત્યારે સમાજ માટેના તેમના યોગદાનની યાદગીરી રૂપે તેમના એક પુસ્તકનું ગૃહ મત્રી અમિતભાઈ શાહના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અને પદ્મશ્રી હેમંત ચૌહાણ એ તેમની આગવી શૈલીમાં કૃતિઓ રજૂ કરી હતી.

Image preview

Advertisement

આ દરમિયાન પોતાના વકતવ્યમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ એ જણાવ્યું હતું કે...

જે લોકો સમાજ માટે જીવતા હોય, બીજા માટે કાંઈક કરતા હોય તેના અનુભવો અને કામો કાલ બાહ્ય નથી થતાં, પુસ્તકના ટાઈટલ બાબતે કોમેન્ટ કરતાં તેમણે જણાવ્યું કે મરણ અને સ્મરણ વચ્ચે અડધા સ નો તફાવત છે પરંતુ આ અડધો સ જોડતા જોડતા આખી જીંદગી નીકળી જાય તોય ઘણાં લોકો જોડી નથી શકતા. મરણ પછી સ્મરણમાં રહેવા જેવું જીવન જીવવા માટે જીવનની દરેક પળને લોકો માટે જીવવી પડે ત્યારે સ્મરણ રહેતું હોય છે, કામ એવો ટમટમતો દિવડો છે કે જેની વાટ અને તેલ ક્યારેક ને ક્યારેક કોઈ પુરતું જ હોય છે. નવી પેઢીમાં સ્પીરીટ વાળા રાજનીતિજ્ઞ કેવા હોય એનો એક ચીલો ચાતરવાની જરૂર હોય એવા સમયે આ પુસ્તકનું વિમોચન થયું છે, નવી પેઢીના રાજનીતિજ્ઞો માટે નિશ્ચિત દિશા દર્શન કરવાનું પુસ્તક રહેશે.

Image preview

સો વર્ષ પછી કોઈ વ્યક્તિને કોઈ યાદ ત્યારે જ કરે જ્યારે એમનું જીવન સાર્થક જીવન હોય, દિવ્યકાંત નાણાવટી નગરપાલિકાના પ્રમુખ હતા એ સમયે કચરા ઉપડવાનું બજેટ પણ શું હોય એવા સમયમાં એમણે વિકાસ કર્યો. એ જમાનામાં પાકા રસ્તા બનાવવામાં આવ્યા હતા, તો સંસ્થાના પ્રમુખ નિરૂપમ નાણાવટી સાથેના સ્મરણો તાજા કરતાં ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે પ્રોફેશ્નાલિઝમ કેવું હોય તેનું જીવંત ઉદાહરણ એટલે નિરૂપમ નાણાવટી.

કોંગ્રેસ પક્ષે સીબીઆઈ નો કેસ કરી જેલમાં નાખ્યો, મારા માટે એ કપરો કાળ હતો, પાંચ મિનિટ પહેલા જેલનો મંત્રી હતો અને પાંચ મિનિટ પછી જેલનો કેદી હતો. ભાગ્યે જ જમીન પર ઉતરવાનું સૌભાગ્ય કોઈને મળ્યું હશે, ઈશ્વરે આવું સૌભાગ્ય કોઈ માણસને જમીન પર લાવવા નહીં આપ્યું હોય એ મને મળ્યું.

આ સમયે કોને વકીલ રાખવા એ પ્રશ્ન હતો, ગુજરાતના સારા વકીલની ચર્ચા કરી જેમાં નિરૂપમ નાણાવટી નું નામ આવ્યું પરંતુ નિરૂપમભાઈ કોંગ્રેસના જનરલ સેક્રેટરી રહ્યા, નેતા રહ્યા બેકગ્રાઉન્ડ પણ કોંગ્રેસનું... તો એ આ કેસ કેમ લડે...

બધાનો મત હતો મારૂં માનવું પણ હતું કે એ આ કેસ ન લડે... પણ પૂછવામાં શું જાય એમ સમજીને વાત કરી અને અમારા સૌના આશ્ચર્ય સાથે નિરૂપમભાઈ એ મારો કેસ લીધો, લડ્યા અને જીત્યા... એનું એકમાત્ર કારણ કે કોંગ્રેસના મિત્રોએ એમને ફસાવ્યા હતા...

Image preview

ગૃહ મંત્રી અમિત શાહે ભક્ત કવિ નરસિંહ મહેતાને યાદ કર્યા અને જણાવ્યું કે... થોડું અમથું કામ કરીને પદ્મશ્રી માટે પાછળ પડેલા લોકોને મેં જોયા છે, નરસિંહ મહેતા જેવો સાહિત્યકાર મળવો અસંભવ છે. વેદો અને ઉપનિષદોનુ રહસ્ય સરળ ભાષામાં દુનિયા સામે મુક્યું, એ જમાનામાં અસ્પૃશ્યતા સામે લડવાની હિંમત કોઈ કરી શકે તો તે નરસિંહ મહેતા છે. આજે નાના મોટા કામો કરી સામાજીક ન્યાયની વાત કરે છે એને હું એટલું કહીશ કે એકવાર નરસિંહ મહેતાને સમજો તો ખ્યાલ આવશે કે સામાજીક ન્યાય કોને કહેવાય.

દિવ્યકાંત ભાઈની સ્મૃતિમાં જે પુસ્તક પ્રકાશિત થયું તે નિશ્ચિતપણે જૂનાગઢ અને ગુજરાતના સાર્વજનિક જીવનમાં કામ કરનાર લોકોને એક નવી દિવાદાંડી સમાન બની રહેશે.

પદ્મશ્રી ભીખુદાન ગઢવી માટે ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે જૂની પેઢીની કલાને નવી પેઢી સુધી પહોંચાડનાર છે. કાગ બાપુ અને આજની સાહિત્યકારની પેઢી વચ્ચેનો સેતુ એ ભીખુદાન ગઢવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પદ્મશ્રીની પહેલી યાદીમાં ભીખુદાન ગઢવી નું નામ શામેલ કરીને તેને નવાજવાનુ કામ કરી સમગ્ર સૌરાષ્ટ્રના કલાકારોનું સન્માન કર્યું.

નામ લીધા વગર અમીતભાઈ શાહે કોંગ્રેસ પર કટાક્ષ કરતાં જણાવ્યું કે, ભીખુદાન ગઢવીને અત્યાર સુધી કોઈએ યાદ ન કર્યા કારણકે અત્યાર સુધી યાદ કરાવો તો જ મળે તેવી વ્યવસ્થા હતી. નરેન્દ્રભાઈ એ સામેથી યાદ કરવાની પરંપરા ઉભી કરી અને સમગ્ર દેશમાં જેમની યોગ્યતા હતી તેમને સાર્વજનિક સન્માન થી નવાજવાનુ કામ કર્યું.

આ પણ વાંચો -- CHHOTA UDEPUR : શિયાળાની સિઝનમાં લીલા શાકભાજીના ભાવ ઘટવા જોઈએ તેની સામે ઉલટીગંગા જોવા મળી

Tags :
Advertisement

.