Fraud Case: અદાણી હેલ્થ વેન્ચર્સ લિમીડેટના નામે કરોડોની છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ
Fraud Case: દેશભરમાં અત્યારે છેતરપિંડીના કેસો ખુબ જ વઘી રહ્યા છે, ત્યારે વધુ એક છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ છે. વિગતે વાત કરવામાં આવે તો, અદાણી હેલ્થ વેન્ચર્સ લિમીડેટના નામે કરોડોની છેતરપિંડી (Fraud Case) કરનારી ગેંગ ઝડપાઈ છે. ફાર્મસી અને ડિસ્ટ્રીબ્યુશનશીપ આપવાના બહાને લોકો સાથે કરોડોની ઠગાઈ આચરી હતી. સાથે જ છેતરપિંડી માટે આરોપીએ સ્કુલ કોલેજમાં કેમ્પસ ઈન્ટરવ્યુ પણ કર્યાં હતા. જે ગુનામાં સાયબર ક્રાઈમે 3 આરોપીની ધરપકડ કરી છે. જોકે મુખ્ય આરોપી ફરાર છે. મહત્વનું છે કે, આરોપી ઠગાઈ માટે અદાણી નામે જ કરાર કરતા અને આઈકાર્ડ પણ આપતા હતા. જે અંગે સાયબર ક્રાઈમે વધુ તપાસ શરુ કરી છે.
હજી પણ મુખ્ય આરોપી અશ્વિની કુમાર ચૌબે ફરાર
અદાણી હેલ્થ વેન્ચર્સ લિમીટેડના નામે છેલ્લા 1 વર્ષથી ચાલતી બનાવટી કંપનીનો ખુલાસો થયો છે. સાયબર ક્રાઈમે 3 આરોપીની ધરપકડ કરી છે જેમાં સૌમ્યજીત ઉર્ફે તોતોન ગાંગુલી, રાકેશકુમાર સાવ અને બિપુલ બિસ્વાસની ધરપકડ, કરી છે. જ્યારે મુખ્ય આરોપી અશ્વિની કુમાર ચૌબે ફરાર છે. જેની સાયબર ક્રાઈમે શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે, છેલ્લા એક વર્ષમાં અદાણી કંપનીમાં 10 થી વધુ મેઈલ આવ્યા હતા. જેની તપાસ કરતા આ બનાવટી કંપની ચાલતી હોવાનો ખુલાસો થયો છે. ઝડપાયેલા આરોપી ફાર્મા પ્રોડક્ટ અને ફાર્મસી શરુ કરવા માટે તથા ડિસ્ટ્રીબ્યુશનશીપ આપવા ના બહાને લોકો સાથે ઠગાઈ કરતા હતા. આરોપીએ અત્યાર સુધીમાં 15 લોકો સાથે 10 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
50 જેટલા વિદ્યાર્થીઓને નોકરી પણ આપવામાં આવી હતી
આરોપી ઝડપીને તપાસ કરતા હકિકત સામે આવી કે, આરોપીએ AHVM ના નામે વેસ્ટ બંગાળમાં એક કંપની ની નોંધણી કરાવી અને તે કંપનીના નામે 100 જેટલા સિમકાર્ડ મેળવ્યા હતા. બાદમાં અદાણી નામને લગતુ મેઈલ આઈડી બનાવી તેના આધારે છેતરપિંડી કરતા હતા. આ ગેંગના સભ્યોમા ફરાર આરોપી અશ્વિની કુમાર ચૌબે કંપનીના સીઈઓ તરીકે શશી સિન્હાના નામે મુલાકાત કરતો હતો. સૌમ્યજીત ગાંગુલી કંપનીના રીઝીયોનલ ઓફિસર તરીકે મળતા અને અદાણીના નામે છેતરપિંડી કરતા હતા. આરોપીએ છેતરપિંડી કરવા માટે જયપુર, કલકત્તા અને હરિયાણામાં કુલ 5 ઓફિસો ખોલી હતી અને જે માટે બનાવટી આધાર કાર્ડ અને અદાણી નામના વાઉચર પણ બનાવ્યા હતા.. જે તમામ ક્રાઈમ બ્રાચે કબ્જે કર્યાં છે.
ઝડપાયેલા આરોપી વિરુધ્ધ કુલ 3 ફરિયાદ નોંધાઈ
ઝડપાયેલા આરોપીએ જયપુરની અમેટી અને વિવેકાનંદ ગ્લોબલ યુનીવર્સિટી તથા કોલકત્તાની અમેટી કોલેજ અને ગુરુનાનક કોલેજમાં પણ કેમ્પસ ઈન્ટર્વ્યુ કરી 50 જેટલા વિદ્યાર્થીઓને નોકરી પણ આપવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ સાથે પણ રોકાણના નામે છેતરપિંડી કરી હતી. ઝડપાયેલા આરોપી વિરુધ્ધ કુલ 3 ફરિયાદ નોંધાઈ છે. જોકે આરોપી પાસેથી મળી આવેલા બનાવટી દસ્તાવેજ ક્યાં અને કોની પાસે બનાવ્યા તે અંગે તપાસ શરુ કરી છે. સાથે જ ફરાર મુખ્ય આરોપી અશ્વિની કુમાર ચૌબે અગાઉ 2021મા રિલાયન્સના નામે પણ છેતરપિંડી કરી ચુક્યો છે. ત્યારે આરોપીની તપાસમા શુ નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનું છે.