Junagadh જીલ્લાના સ્વતંત્રતા સેનાનીઓનું વહીવટી તંત્ર દ્વારા સન્માન કરાયું
જૂનાગઢ જીલ્લાના સ્વાતંત્ર્ય સેનાની શંભુપ્રસાદ ઓઝા, છેલશંકર પાઠક, લાભશંકર દવે અને કે.બી. ઉપાધ્યાયનું કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં આઝાદી કા અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા શાલ અને સ્મૃતિચિન્હ અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ સન્માન તેમના વતી તેમના પરિવારજનોએ સ્વીકાર્યું હતું.
સ્વાતંત્ર્ય સંગ્રામની વાતો યાદ થઈ
જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજીત કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર અને ધારાસભ્ય સંજય કોરડીયાની ઉપસ્થિતિમાં દેશની આઝાદીમાં યોગદાન આપનાર જૂનાગઢના લડવૈયાઓના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતના સ્મરણો તાજા કરાયા હતા. જૂનાગઢના સ્વતંત્રતા સેનાનીના મુખે સાંભળેલી તેમના પરિવારજનોએ આઝાદી માટેના સંઘર્ષ, જેલવાસ વગેરેની વાતો યાદ કરવામાં આવી હતી.
યુવા પેઢી આઝાદીના લડવૈયાનો સંઘર્ષ જાણે તે જરૂરી
આ પ્રસંગે કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી આઝાદીના લડવૈયાના જીવન સંઘર્ષ જાણે તે ખૂબ જરૂરી છે. દેશની આઝાદી માટે ઘણા લડવૈયાઓ સ્વાર્થ વગર હોમાઈ ગયા ત્યારે આપણે સ્વતંત્રતાની ખુલ્લી હવા માણી શકીએ છીએ. આજે સ્વતંત્રતાના પરિણામે ભારત દેશ ગરીબીમાંથી બહાર એક ઉભરતી અર્થવ્યવસ્થા રૂપે સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત થયો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું વિદેશમાં જે રીતે ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે તેનાથી દેશનું સન્માન વધ્યું છે. તેના મૂળમાં દેશના સ્વતંત્રતા સેનાનીઓ પણ છે.
સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનોએ સ્વિકાર્યું સમ્માન
આ સ્વતંત્રતા સેનાનીઓએ દેશ માટે તન મન ધન બધું જ અર્પણ કરી દીધું હતું. તેમનું ઋણ ચૂકવી શકાય તેમ નથી પણ સાદર વંદન સાથે તેમના માંથી પ્રેરણા મેળવવી જોઈએ, આ સન્માન સ્વીકારવા માટે શંભુપ્રસાદ ઓઝા વતી અનિલભાઈ જોશી, છેલશંકર પાઠકના ધર્મપત્ની કાંતાબેન, લાભશંકર દવે ના પુત્ર કૃષ્ણકુમાર, કે.બી. ઉપાધ્યાય ના ધર્મપત્ની ચંપાબેન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી મિરાંત પરિખ, નિવાસી અધિક કલેકટર પી. જી. પટેલ, જીલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, જીલ્લા રમત ગમત અધિકારી વિશાલ દિહોરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : સાગર ઠાકર, જૂનાગઢ
આ પણ વાંચો : જેતપુર સોમનાથ નેશનલ હાઇવે થી ખેડૂતો પરેશાન, ખેડૂતોએ કરી અનેક રજૂઆતો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.