દેશના ઈતિહાસમાં સૌ પ્રથમવાર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ સરદાર જયંતિ પર કરશે રાજવી વંશજોનું સન્માન
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરવાના સંકલ્પ સાથે 100 વીઘા જમીનમાં 100 કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વ ઉમિયાધામનું નિર્માણ કરવામાં આવી રહેલું છે. જ્યાં જગતજનની મા ઉમીયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઇ રહેલું છે. ત્યારે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયાધામ ભારતની આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલનનું આયોજન કરી રહેલું છે. જેમાં રાજ્યભરમાંથી દરેક સમાજના 1 લાખથી વધુ રાષ્ટ્ર પ્રેમી જનતા સરદાર સાહેબની જીવનગાથાનું રસપાન કરશે. સરદાર પટેલના જીવનની સિદ્ધાતોને સમજવા માટે તેમના સંકલ્પ સિદ્ધ પ્રસંગોમાંથી આજના યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી સરદાર પટેલ ગૌરવગાથાનું આયોજન કરાયું છે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દેશના 50થી વધુ મોટા રાજવી પરિવારોનું કરશે સન્માન
આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાને ઉજાગર કરવા અને દેશમાં સામાજિક સમરસતાના અભિયાન અંતર્ગત હિન્દુત્વના પ્રતિક અને દેશના વીર પુરુષ એવા મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના રાજવી વંશજો સહિત દેશના 50થી વધુ મોટા રાજવી પરિવારોનું દેશના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ધાર્મિક તેમજ સામાજિક સ્તરે કાર્ય કરતી વૈશ્વિક સંસ્થા તરીકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સન્માન કરશે. અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ પ્રત્યેના પ્રેમ, વિશ્વાસ અને વચનબદ્ધતાથી પ્રેરાઈને અખંડ ભારતના નિર્માણના સહભાગી એવા રાજાઓના ત્યાગ અને સમર્પણને યાદ કરાશે અને દેશમાં તેના સંદેશ મોકલશે.
મા ઉમિયા મંદિરના ગર્ભગૃહમાં માટીના કળશને સ્થાપિત કરવામાં આવશે
સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલના ઋણાનુંબંધના અનુરાગી થવા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 10,000 થી વધુ કાર રેલી સ્વરૂપે અમદાવાદમાં કાર્યક્રમ સ્થળે પહોંચશે. કાર રેલી સ્વરૂપે આવનાર લોકો મેરી મિટ્ટી - મેરા દેશ - મેરા ધર્મની ભાવના સાથે પોતાના શહેર અને ગામની માટીની પૂજા કરી કળશમાં લઇને આવશે. ગુજરાતભરમાંથી આવેલી આ માટીના કળશની પૂજાવિધિ કરી વિશ્વ ઉમિયધામ દ્વારા નિર્મિત જગતજનની મા ઉમિયાના મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. આ કાર્યક્રમ અંગે વધુ જણાવતા વિષે ઉમિયાધામના પ્રણેતા એવમ પ્રમુખશ્રી અને આ અકલ્પનીય વિચારના દ્રષ્ટા શ્રી આર.પી. પટેલ જણાવે છે કે જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા 504 ફુટ મંદિર નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે સરદાર સાહેબની 149મી જન્મજંયતીના દિવસે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી સરદાર ગૌરવ ગાથા તેમજ રાજવી વંશજોના સન્માન સમારોહનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે જગતજનની મા ઉમિયા આધ્યાત્મિકતાનું ઉદગમ સ્થાન છે. તો લોહ પુરુષ શ્રી સરદાર પટેલએ રાષ્ટ્ર ચેતનાનું પ્રતિક છે. અખંડ ભારતના નિર્માણમાં જે તે સમયના રાજવીઓએ આપેલા સમર્પણને યાદ કરીને આજની યુવા પેઢીને ધર્મ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સહયોગી થવાનો સંદેશ પાઠવશે.
વૈશ્વિક ખેલ મહોસ્તવનું ભવ્ય આયોજન
આ સાથે જ મનની માવજત અને સમસ્યાઓના સમાધાન હેતુથી ઉમા કાઉન્સલિંગ સેન્ટરનું પણ ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ ઉપરાંત વિશ્વ ઉમિયાધામ દ્વારા ગાંધીનગરમાં 1.4.5 ACADEMY નો પણ 31 ઓક્ટોબરના દિવસે શુભારંભ કરનાર છે, જ્યાં કોઈપણ સમાજના યુવાનો તાલીમ લઈને I.AS થવાનું સ્વપ્ન પૂર્ણ કરશે, સાથો સાથ વિશ્વ ઉમિયાધામ દ્વારા દેશના ખેલાડીઓ વૈશ્વિક રમતોમાં ઉત્તમ પ્રદાન કરી શકે તે હેતુથી આગામી ડીસેમ્બરમાં વૈશ્વિક ખેલ મહોસ્તવનું ભવ્ય આયોજન કરી રહેલ છે. જેમાં દરેક સમાજના ગુજરાત સહિત દેશ-વિદેશના એક લાખ જેટલા ખેલાડીઓ ભાગ લઇ પોતાની રમતનું કૌશલ બતાવશે. સામાજિક સમરસતા, દેશના કાયદા પરત્વેનું સન્માન અને રાષ્ટ્ર કર્તવ્યની પરિપૂર્તિ આ મહાસંમેલનની સંદેશ છે અને તે સાથે દર વર્ષે સરદાર જન્મજયંતીના દિને સમગ્ર દેશના દરેક પરિવાર ૧ વૃક્ષનું વાવેતર કરે અને દર શનિવારે પોતાની સૌસાયટી કે નજીકના સ્થળે પોતાના ઇસ્ટદેવની સાંજે ૭ કલાકે સામૂહિક આરતી કરી સનાતન ધર્મને ઉજાગર કરી સંગઠિત થાય તેવો સંકલ્પ આ મહાસંમેલનમાં લેવાશે. એવું સંસ્થાના પ્રમુખ શ્રી આર. પી. પટેલ જણાવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે