કૌભાંડની આશંકા, અંબાજી મંદિરમાં 139 ગાર્ડ પૈકી 48 ગાર્ડે બોગસ પ્રમાણત્રથી નોકરી મેળવી!
અહેવાલ--શક્તિસિંહ રાજપૂત, અંબાજી
ગુજરાતમાં તાજેતરમાં ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહની ઘરપકડ કરવામાં આવી છે અને યુવરાજસિંહ દ્રારા ગુજરાતમાં ઘણા બધા પેપર કૌભાંડો અને પેપર ફુટવાના કિસ્સાઓના ખુલાસાઓ કરવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રહેવાસી અને અંબાજી મંદિર ખાતે હાલમાં જીઆઇએસએફએસ ગાર્ડમાં ફરજ બજાવતા માવજીભાઈ સરવૈયા દ્વારા અંબાજી મંદિરમાં ચાલતું વધુ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
તેમણે જણાવ્યું કે, 139 ગાર્ડ પૈકી 48 ગાર્ડ બોગસ પ્રમાણપત્રથી નોકરી કરી રહ્યા છે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં માવજીભાઈ સરવૈયાએ પુરાવા સાથે કૌભાંડ બહાર લાવતા અંબાજી મંદિરમાં ફરજ બજાવતા જીઆઇએસએફ ગાર્ડમા સોપો પડી ગયો છે. માવજીભાઈ સરવૈયાએ જણાવ્યું કે, આ કોભાંડ બહાર લાવવા માટે અમારી સંસ્થાના પ્રમુખ પણ અમારી સાથે જોડાયેલા છે. આ અગાઉ પણ માવજીભાઈ સરવૈયા દ્વારા ઘણા કૌભાંડો બહાર લાવવામાં આવ્યા છે અને તેઓ ભાવનગર ખાતે જીઆઇએસએફએસ ગાર્ડમાં ફરજ બજાવતા હતા પરંતુ કેજરીવાલની સભામાં હાજર રહેતા તેમની બદલી અંબાજી ખાતે કરવામાં આવી છે.
જીઆઈએસએફએસ સિક્યુરિટી સંસ્થામાં અંબાજી મંદિરમાં ઘણા વર્ષથી ભાઈઓ અને બહેનો ગાર્ડ તરીકેની ફરજ બજાવે છે અને આવા ગાર્ડ હાલમાં ગુજરાતમાં વિધાનસભા, સચિવાલયથી લઈને આરટીઓ ઓફિસ અને બીજી ઘણી ઓફિસોમાં ફરજ બજાવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં જીઆઇએસએફએસ સંસ્થાનું સૌથી મોટું કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.
ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ કર્મચારી એસોસિએશનના પ્રવક્તા માવજીભાઈ સરવૈયા દ્વારા વિવિધ તપાસ અને આરટીઆઈ દ્વારા મળતી માહિતી મુજબ તેમને મીડિયાને જણાવ્યું હતું કે, અંબાજી મંદિરમાં 139 ગાર્ડ પૈકી 48 ગાર્ડ બોગસ પ્રમાણપત્રથી નોકરી મેળવી છે. આ સિવાય તેમણે આ તમામ સામે પોલીસ ફરિયાદ કરવાની પણ માંગ કરી છે.
આ સિવાય તેમણે વધુમાં જણાવ્યું કે, જે લોકો નોકરીથી વંચિત છે અને જે લોકો આ ક્રાઈટેરિયામાં આવે છે તેમને નોકરી આપવામાં આવે. માવજીભાઈ સરવૈયા દ્વારા 48 નામ બહાર આવતા અંબાજી અને દાંતા તાલુકામાં ફરજ બજાવતા પુરુષ અને મહિલા ગાર્ડમા સોપો પડી ગયો છે.