Gondal : ડોર ટુ ડોર ગાર્બેજ કોન્ટ્રાક્ટ પોતાના મળતીયાને આપવા સુરતના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરાયાની ફરિયાદ મુખ્યમંત્રી કાર્યાલય પહોંચી
અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલમાં પોતાના મળતીયાઓને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કોન્ટ્રાક્ટ આપવા માટે સુરતના કોન્ટ્રાક્ટરને અપહરણ કરી માર મરાયો હતો. સુરતના કોન્ટ્રાક્ટરે મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતા નગરપાલિકાના ઉચ્ચ પદાધિકારીઓએ લૂલો બચાવ કર્યો છે. નગરપાલિકાના કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર જણાવ્યું કે આવી કોઈ ઘટના બની જ નથી ટેન્ડરને સમગ્ર પ્રક્રિયા પારદર્શક છે.
આક્ષેપો બિલકુલ પાયા વિહોણા છે
ગોંડલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા જણાવ્યું કે દરબાર વેસ્ટ કોર્પોરેશન સુરતના સંચાલકે અમારી વિરુદ્ધમાં જે લેખિત ફરિયાદ કરેલ છે તે આક્ષેપો બિલકુલ પાયા વિહોણા છે. ગત તા.22 ડિસેમ્બરના રોજ હું જેલ ચોક ખાતે સરકારી કાર્યક્રમ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં હતો. તેમજ રીબડા ખાતે પટેલ સમાજનું સ્નેહમિલન તથા સેન્ટ મેરી સ્કૂલના કલ્ચર પ્રોગ્રામમાં અમે વ્યસ્ત હતા. બધા કાર્યક્રમોના ફોટા તથા વિડીયો રેકોર્ડિંગ છે. તેમજ જે ટેન્ડરની વાત છે તે વિવાદિત હતું. તેથી ટેન્ડર રદ કરી નવા ટેન્ડરની પ્રક્રિયા હાલ શરૂ છે. આ બાબતનું કોઈને હજુ સુધી કામ આપવામાં આવેલ નથી. દર મહિને સેનિટેશન સાફ - સફાઈ તેમજ કર્મચારીના પગારના આશરે 40 લાખ ગોંડલની પ્રજાના ટેક્સની રકમમાંથી ચૂકવવામાં આવતા હતા. તે માટે સરકારની 15 માં નાણાપંચની યોજના અંતર્ગત ગ્રાન્ટથી કામ આપવાનું નક્કી કરેલ તેથી ગોંડલની પ્રજાના ટેક્સના રૂપિયાની બચત થાય. આ બાબતે વ્યક્તિગત અમારો કોઈ સ્વાર્થ ન હતો.
ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે
કોન્ટ્રાક્ટર દ્વારા ચીફ ઓફિસર સામે ફરિયાદ કરેલ તે દરબાર કન્ટ્રક્શન દ્વારા લેખિતમાં સ્ટેમ્પ ઉપર પાછી ખેંચેલ છે. અમારી ઉપર કોંગ્રેસ પાર્ટીના નેતાને સાથે રાખી ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ છે. જેને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. તેની વિરૂદ્ધ માં કાયદાકીય રીતે જવાબ આપશું.
શું હતો સમગ્ર મામલો
ગોંડલમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું ત્રણ વર્ષનું અંદાજિત 12 કરોડનું ટેન્ડર અમદાવાદની શ્રીજી એજન્સીને અપાવવા માટે ગોંડલ નપાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફિસર એ.જે. વ્યાસ, ગોંડલ નપાના સદસ્ય ચંદુભાઈ ડાભી અને મયંકભાઈ વૈષ્ણવે સુરતના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરીને માર માર્યો હોવાનો આરોપ લગાવાયો હતો. સુરતના કોન્ટ્રાક્ટર દ્વારા અપહરણ કરી એક બંગલામાં પાંચ કલાકથી વધુ ગોંધી રાખી ઢોરમાર માર્યાનો આક્ષેપ કરાયો છે. કોન્ટ્રાક્ટરને બેફામ ગાળો આપી. જે ટેન્ડર ભર્યું હતું તે સંદર્ભેની તમામ બાબતોનું સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવી તેની નોટરી કરાવ્યા બાદ 'મારે કોઈ ટેન્ડર સંદર્ભે કાર્યવાહી કરવાની થતી નથી હું મારી તમામ પ્રક્રિયા પાછી ખેંચી લઉં છું' તેવું જાહેર કરાવી તેનું વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હોવાની સનસનીખેજ અને ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.
મુખ્યમંત્રી સુધી ફરિયાદ
સુરતના જીવીબા પાર્ક સોસાયટીમાં રહેતા અને દરબાર વેસ્ટ કોર્પોરેશન નામે રાજ્યની અલગ અલગ 10 પાલિકા - મહાપાલિકામાં કોન્ટ્રાક્ટ ધરાવતા બિપીનસિંહ એમ. પિલુદરીઆએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજકોટ રેંજ આઈજી અશોક યાદવ, જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોર તેમજ સિટી બી ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટરને આધાર પુરાવા સાથેની ફરિયાદ કરી છે. આ ઘટનામાં સંડોવાયેલા તમામ શખ્સો સામે કાનૂની રાહે પગલાં લેવા અને પોતાને પોલીસ રક્ષણ આપવા માંગ કરી છે.
કોન્ટ્રાક્ટરે નગરપાલિકાના પદાધિકારીઓ સામે કર્યા ગંભીર આક્ષેપો
દરબાર વેસ્ટ કોર્પોરેશન સુરતના સંચાલક બિપીન પિલુદરીઆ અને જેનું અપહરણ કરાયું હતું તે દિનેશભાઈ સતાણીના નામે કરાયેલી અરજીમાં જણાવાયું છે કે, ગોંડલ નપાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફિસર એ.જે. વ્યાસ, ગોંડલ નપાના સદસ્ય ચંદુભાઈ ડાભી અને મયંકભાઈ વૈષ્ણવે ગત શુક્રવારે ગોંડલના અક્ષર મંદિર પાસેથી અપહરણ કરી એક બંગલાની ઓફિસમાં લઈ જઈ માર મારી પરિવારને ઉડાવી દેવાની ધમકી આપી હતી. એ.જે. વ્યાસને રાજેન્દ્રસિંહે સૂચના આપી હતી કે આ બંને પાસેથી તેઓએ જે ટેન્ડર ભર્યા છે તે તેઓ ભરવા માગતા નથી અને તમામ બાબતો પાછી ખેંચી લેવામાં આવે છે તેવું લખાણ કરાવી લેજો. વ્યાસે લખાણ કરાવી બાદમાં તેનું નોટરાઈઝ પણ કરાવ્યું હતું અને આ બંને કાગળોમાં પોતાની અને સાક્ષી તરીકે પોતાના મિત્રની સહી કરાવી પાલિકા કચેરીએ જઈ તેના ઈનવર્ડ નંબર પણ પાડી દીધા હતા.
આ પણ વાંચો----DWARIKA: જાણો… DWARIKA અને સબમરીન પર લોકોની પ્રતિક્રિયા
.