Bharuch: શહેરના પશ્ચિમ વિસ્તારમાં બિસ્માર રસ્તા અને ગંદકીના સામ્રાજ્યથી લોકો ત્રાહિમાન
Bharuch: ભરૂચ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ તો ખુલી ગઈ છે, છતાં પણ નગરપાલિકાના અધિકારીઓને પદાધિકારીઓની આળસ હજુ ખંખેરાતી નથી? માર્ગ ઉપર પડેલા ખાડાઓના કારણે ટ્રાફિક જામ તો બીજી તરફ કચરાના ઢગલાઓથી ગટરો જામ થઈ ગઈ છે. જેથી ગટરના પાણી રોડ ઉપર આવી જતા લોકોને હવે ભયંકર રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે.
સફાઈ પાછળ લાખો રૂપિયાનું આંધણ થયું?
ભરૂચ (Bharuch)નગરપાલિકામાં ‘રામરાજ્ય અને પ્રજા દુઃખી’ હોય તેઓ ઘાટ ઉભો થયો છે કાંસ સફાઈ પાછળ લાખો રૂપિયાનું તો આંધણ કર્યું છે. છતાં પણ વરસાદી પાણી ભરાવાનું યથાવત રહ્યું છે પરંતુ ભરૂચ (Bharuch)ના ઘણા વિસ્તારોમાં કચરાઓના ઢગલાઓ માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યા છે. દુર્ગંધના કારણે લોકો ભયંકર રોગચાળામાં સપડાય તેવા ભય વચ્ચે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહાત્મા ગાંધી રોડ સહિત ફાટા તળાવ, ઘાસ મંડાઇ, નાના મોટા ડભોયાવાડ, નાના-મોટા નાગોરી અને ડુંગળી સહિતના વિસ્તારોમાં કચરાઓના ઢગલાઓ યથાવત રહ્યા છે.
લાખો રૂપિયા ખર્ચા પરંતુ કામના નામે માત્ર મીંડું!
ભરૂર (Bharuch)નગરપાલિકાના સફાઈ કર્મીઓ પણ કચરો ઉઠાવવા તૈયાર નથી. ઘણા વિસ્તારમાં તો કચરાપેટી પણ ઉઠાવી લેતા લોકો જાહેરમાં જ કચરાનો નિકાલ કરતા કચરાનો જથ્થો કાંસોમાં ભરાઈ રહેતા વરસાદી કાંસ સહિત ગટરના પાણી રોડ ઉપરથી રજડતા જોવા મળી રહ્યા છે. દુર્ગંધ સાથે ગંદા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે. ભરૂચ નગરપાલિકાનું સેનેટરી વિભાગ ઊંઘતું ઝડપાયું હોય જેને લઇને આગામી દિવસોમાં રથયાત્રા અને મોહરમ પર્વને લઈ ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવા માટે હવે સ્થાનિકો મેદાનમાં ઉતર્યા છે.
વાહનચાલકોની ગતિ ધીમી થતા ટ્રાફિકજામની સમસ્યા
ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા પ્રથમ વરસાદમાં જ માર્ગોનું સત્યનાશ વળી ગયું છે અને જાહેર માર્ગો ઉપર જ ખાડા પડી જતા વાહનચાલકોની ગતિ ધીમી થતા ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ છે. ભરૂચના ઢાલ થી મહમદપુરા સુધી ટ્રાફિક જામની સમસ્યા માથાના દુઃખાવા સમાન સાબિત થઈ ગઈ છે. જાહેર માર્ગો ઉપર મસ મોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને સમસ્યા ઊભી થઈ છે. સાંકડા અને બિસ્માર રસ્તાઓ વાહન ચાલકો માટે જોખમ રૂપ સાબિત થયા છે.