અંબાજી પહોંચ્યા સાબરકાંઠાના સાંસદ, કહ્યું - વિકાસ કાર્યોમાં અમે ગેનીબેન સાથે
Ambaji Temple : અંબાજી ખાતે હાલમાં લોકસભા ચૂંટણીમા વિજેતા બનેલા ઉમેદવારો મા અંબાના દર્શન કરવા આવી રહ્યા છે. ત્યારે 11 જૂન ના રોજ બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અંબાજી મંદિરના દર્શન કર્યા હતા. જે પછી આજે 12 જૂનના રોજ સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને તેમની સાથે રાજયસભાના સાંસદ રમીલાબેન બારા પણ જોડાયા હતા. અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા બાદ મંદિરના શિખર ઉપર બંને મહિલા સાંસદોએ ધજા પણ અર્પણ કરી હતી.
અંબાજી મંદિરમાં તેમણે સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કર્યા હતા અને અંબાજી મંદિરના મહારાજ દ્વારા તેમને ચુંદડી ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરની ગાદીમાં પણ તેમને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવ્યું હતું. દાંતાના ભાજપના કાર્યકર્તા દ્વારા શોભનાબેન બારૈયા જીતશે તો ધજા ચઢાવવાની માનતા માની હતી. તે માનતા પણ આજે સાંસદની હાજરીમાં પૂરી કરાવી હતી. અંબાજી મંદિરમાં આવેલા શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે, આજે કરોડો જનતાના આશીર્વાદનું કેન્દ્ર જગતજનની અંબાના દર્શન કરવા અમે આવ્યા છીએ. જનતાએ જે અમારા માટે પ્રેમ વરસાવ્યો છે અને અમને વિજયી બનાવ્યા છે, જનતાની સુખાકારી માટે અને કલ્યાણ માટે અમે આજે જગતજનનીને પ્રાર્થના કરીએ છીએ. આવનારા સમયમાં ગુજરાતની જનતા માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબના આશીર્વાદથી અને કેન્દ્રીય નેતૃત્વના આશીર્વાદથી સુખાકારીનો અનુભવ કરે અને કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લે. આવનારા સમયમાં સૌ પ્રજાજનોને મા જગતજનનીના પણ આશીર્વાદ મળી રહે એવી અમે મા અંબેને પ્રાર્થના કરીએ છીએ.
સાંસદે કહ્યું કે, કરોડોની આસ્થાનું કેન્દ્ર છે અને મા અંબા જનતા ઉપર જ્યારે આશીર્વાદ વરસાવે છે ત્યારે એમના મંદિરના વિકાસમાં કાર્યોમાં અમારા થકી જે પણ મદદ થશે અમે કરવા તૈયાર છીએ. અમે 2 સાંસદો સાબરકાંઠામાં હોવા છતાં ગેનીબેન દ્વારા જે વાત કરાઈ છે જેમાં વિકાસના કામોમાં અમે સદા સૌની સાથે રહીશું. શોભનાબેન બારૈયા, સાંસદ, સાબરકાંઠા સાથે રમીલાબેન બારા રાજ્યસભા સાંસદ, અંબાજી ભાજપ પ્રમુખ બકુલેશ શુકલ, અંબાજી ભાજપના મહામંત્રી નરેશ દેસાઈ, અભિષેક જૈન, દાંતાથી આવેલા નેતાઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અહેવાલ - શક્તિસિંહ રાજપુત
આ પણ વાંચો - કોમેડી ક્વીન ભારતીએ અંબાજીમાં પુત્રની બાબરી ઉતરાવી