ગોંડલમાં ફોતરીના ગોડાઉનમાં આગ લાગી, ફોતરીનો મોટો જથ્થો સળગીને ખાખ
અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલનાં ગુંદાળા રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં મગફળીની ફોતરીના જથ્થામાં આગ લાગતા મોટો જથ્થો સળગી ખાખ થઈ ગયો હતો. અને ગોડાઉનના પ્લાસ્ટિકના પતરા પર ફટાકડો ઉડીને પડતા આગની ઘટના સર્જાઇ હતી. ત્યાર બાદ બનાવનાં પગલે દોડી ઉઠેલા ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી ત્રણ કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો.આગને કારણે લાખોનું નુકસાન થયાનું જાણવા મળ્યુ હતુ.
મળતી માહિતી અનુસાર ગુંદાળા રોડ પર આવેલ ખેડુત ફીડ એન્ડ ફુડસ નામની દિપકભાઇ ડાયાભાઇ ઠુંમરની ઇન્ડસ્ટ્રીઝમાં રાત્રે દસનાં સુમારે ગોડાઉનમાં પડેલા મગફળીની ફોતરીના જથ્થામાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેની જાણ થતાં જ ફાયર ઓફિસર સુરેશભાઈ મોવલીયા,ફાયર ચેરમેન રફીકભાઈ કઇડા સહિત ફાયર સ્ટાફ ઘટના સ્થળે બે ફાયર ફાઇટર સાથે દોડી ગયો. તે ઉપરાંત માર્કેટ યાર્ડ તથા જેતપુરથી પણ એક એક ફાયર ફાઇટરો દોડી આવીને આગ બુઝાવાના કામમાં લાગી ગયા હતા જેથી ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સાથે જ આગના બનાવની જાણ થતા યુવા અગ્રણી ગણેશભાઈ, નગર પાલીકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા,રાજેન્દ્રસિંહ જાડેજા ઘટના સ્થળે દોડી ગયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર બાજુમાંથી ફટાકડાનું રોકેટ ગોડાઉનનાં પ્લાસ્ટિકના છાપરા પર પડતા છાપરુ સળગતા તણખા ફોતરી પર પડતા આગ ફાટી નીકળી હતી.
આ પણ વાંચો - ગોંડલ : રાજાશાહી વખતના બંને પુલો તાત્કાલીક ધોરણે હેવી વ્હીકલ માટે બંધ કરવાનો આદેશ કરતી નામદાર ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે