પાંચ વર્ષમાં રૂપિયા 1,555 કરોડની છેતરપિંડી, Cyber Crime વિભાગે આપ્યાં ચોંકાવનારા આંકડા
Cyber Crime: રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સાઈબર ક્રાઈમ થકી રૂપિયા 1,555 કરોડની છેતરપિંડી થઈ છે. રાજ્યના સાઈબર ક્રાઈમ વિભાગ દ્વારા બહાર પાડેલા આંકડામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સાઈબર ક્રાઈમ (Cyber Crime) માટે સ્ટેટ સાઈબર ક્રાઈમ વિભાગ દ્વારા ચાલતા સેલમાં 11 લાખથી વધુ કોલ મળી ચૂક્યા છે. સાઈબર ક્રાઈમ (Cyber Crime)નો ભોગ બનતા અટકાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાયબર ક્રાઈમ ફ્રોડને લઈ જાગૃતિ લાવવા ભાર મુકાઈ રહ્યો છે. રાજ્યના સાઈબર ક્રાઈમ વિભાગ દ્વારા આજે કરવામાં આવેલી પત્રકાર પરિષદમાં સાઈબર ક્રાઈમ દ્વારા થયેલી છેંતરપિંડીનો ભોગ બની રહેલા લોકોના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
વર્ષ 2020 માં 24,689 કોલ્સ મળ્યા હતા
વિગતે વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષમાં સાઈબર ફ્રોડ સંદર્ભે સાયબર ક્રાઈમને કુલ 11.69 લાખ કોલ્સ મળ્યા છે. આ સાથે છેલ્લા પાંચ વર્ષમાં છેતરપિંડીની વાત કરવામાં આવે તો 02.80 લાખ ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2020 માં 24,689 કોલ્સ મળ્યા હતા. જેમાં રૂપિયા 95 કરોડની છેતરપિંડીની 23,055 ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ 2021 ની વાત કરવામાં આવે તો 69,869 કોલ્સ મળ્યા હતા. જેમાં રૂપિયા 147 કરોડની છેતરપિંડીની 28,908 ફરિયાદ નોંધાઈ હતી. 2022માં 02,82,881 કોલ્સ મળ્યા હતાં. જેમાંથી 66,998 ફરિયાદ થઈ હતી, જેમાં રૂપિયા 306 કરોડની છેતરપિંડી થઈ હતી.
એપ્રિલ 2024 સુધી 41,848 ફરિયાદ નોંધાઈ
તમને જણાવી દઈએ કે, સૌથી વધુ ફરિયાદ વર્ષ 2023માં થઈ હતી જેમાં વિગતે વાત કરવામાં આવે તો વર્ષ 2023 માં 01.19 લાખ ફરિયાદ નોંધાઈ હતા. જેમાં રૂપિયા 630 કરોડની છેતરપિંડી થઈ હતી. અત્યારે 2024ની વાત કરવામાં આવે તો ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. એપ્રિલ 2024 સુધી 41,848 ફરિયાદ નોંધાઈ ચુકી છે. જેમાં અત્યાર સુધી રૂપિયા 375 કરોડની છેતરપિંડી થઈ ચૂકી છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂપિયા 1,555.88 કરોડની છેતરપિંડી આચરાઈ હતી. સાઈબર ક્રાઈમે છેલ્લા પાંચ વર્ષમાં રૂપિયા 346.07 કરોડની રકમ હોલ્ડ પર મુકાવી દીધી છે.
346 કરોડ ખાતામાં ફ્રિઝ કરાવ્યા
સાઈબર ક્રાઈમને મળેલી ફરિયાદના આધારે બેંકમાં ખાતામાં રહેલી રકમ ફ્રિઝ કરવામાં આવી. સાઈબર ક્રાઈમે ફરિયાદના આધારે રૂપિયા 346 કરોડની રકમ ખાતામાં જ ફ્રિઝ કરવામાં સફળતા મળી છે, જે પાછળથી ભોગ બનેલા લોકોને પરત કરાવવા લાંબી લડત હાથધરવામાં આવશે. સાઈબર ક્રાઈમે લોકોને ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડથી બચવા સલાહ આપી છે. ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે માસ પછી ખબર પડે છે કે છેતરપિંડી થઈ છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા યુપીઆઈ કે ઓનલાઈન બેંકિંગની વિગતો જાહેર ન કરવા અને સોશિયલ મીડિયા થકી ઈન્વેસ્ટમેન્ટ ન કરવા સૂચના આપી છે.