C. Ramchandra-ગુજરાતી ગરબાની હીંચના ઠેકાનો બખૂબી પ્રયોગ
C. Ramchandra , Ramchandra Narhar Chitalkar (12 જાન્યુઆરી 1918 – 5 જાન્યુઆરી 1982), જેને સી. રામચંદ્ર(C. Ramchandra) અથવા ચિતલકર અથવા અણ્ણા સાહેબ તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દી ફિલ્મ સંગીતમાં જ નહીં પણ ભારતીય સંગીતમાં પણ ગર્વથી લેવાતું નામ-અણ્ણા સાહેબ.
C. Ramchandra પહેલા સંગીતકાર હતા જેમણે ગુજરાતી ગરબાની હીંચનો ઠેકો ‘ભોલી સુરત દિલ કે ખોટે નામ બડે ઔર દર્શન ખોટે”ગીતમાં કર્યો અને ગીત એવરગ્રીન બન્યું.
‘કિતના હસીં હૈ મૌસમ,કિતના હસીં સફર હૈ”(ફિલ્મ-આઝાદ ) અને ‘ભોલી સુરત દિલ કે ખોટે નામ બડે ઔર દર્શન ખોટે” (ફિલ્મ-અલબેલા)ના ગાયક સી. રામચંદ્ર
આજે પણ “અય મેરે વતન કે લોગોં” જ્યારે પણ સાંભળીએ ત્યારે કઠણ કાળજાના માનવીની આંખના ખૂણા ભીના થયા વિના ન રહે.
વડાપ્રધાન નહેરુજીની હાજરીમાં ગીત ગવાયું પણ અણ્ણા સાહેબનું નામ જ નહિ
દિલ્હીમાં પંડિતજી સમક્ષ જ્યારે ગીત રજૂ થયું ત્યારે અનાઉન્સરની સેવા અભિનય સમ્રાટ દિલીપ કુમાર સંભાળતા હતા. કોઇ અકળ કારણસર દિલીપ કુમારે સંગીતકાર C. Ramchandra નું નામ બોલવાનું ટાળ્યું. માત્ર ગીતકાર પ્રદીપજીનું નામ બોલ્યા. પ્રોગ્રામ પૂરો થયો ત્યારે અણ્ણા રાતાપીળા થઇ ગયા હતા જે સ્વાભાવિક હતું. અણ્ણાએ ગુસ્સે થઇને પૂછ્યું ત્યારે રામ ઔર શ્યામ ફિલ્મના પાત્ર રામ જેવો અભિનય કરતાં દિલીપકુમારે કહ્યું, “અચ્છા, યહ તુમ્હારા કમ્પોઝિશન થા? .મુઝે કિસીને બતાયા નહીં થા...”
જો કે પરદા પાછળ જુદી વાત બની ગયેલી. એેની ચર્ચા અત્યારે અસ્થાને છે. આ ગીત રજૂ થયું એ સમયે ગરવા ગુજરાતી કિશોર દેસાઇ C. Ramchandraના સહાયક હતા. કિશોર દેસાઇ હજુ હયાત છે. કિશોરભાઇએ અય મેરે વતન કે લોગોં ગીતનું મ્યુઝિક એરેંજમેન્ટ કરેલું.
C. Ramchandraનું સંગીત લોકપ્રિય હતું.ફિલ્મ ‘અલબેલા’માં “ભોલી સૂરત દિલ કે ખોટે” ગીત આવે ત્યારે દર્શકો પરદા પર પૈસા ફેંકતા... એવું કેમ ? આ ગીતનો લય,ઠેકો.
ગીતના રેકોર્ડિંગની આગલી રાત્રે માસ્ટર ભગવાન અને અણ્ણા લટાર મારવા નીકળેલા. મુંબઇના દાદર વિસ્તારમાં રણજિત સ્ટુડિયોની પાછળના હિસ્સામાં આવેલા હરિજનવાસમાં એક ઘરમાં લગ્ન હતાં. ઢોલ-શરણાઇના તાલ પર લોકો નાચતાં હતાં. એ ઠેકો એટલે આપણા ગુજરાતી ગરબાનો હીંચનો ઠેકો.
ગુજરાતી ગરબાનો હીંચનો ઠેકો
ભગવાને C. Ramchandraને કહ્યું, અણ્ણા અપને કો યહ ઠેકા ચાહિયે... ઠીક હૈ, અણ્ણાએ કહ્યું. બીજે દિવસે રેકોર્ડિંગ પ્રસંગે અણ્ણાના ફિલ્મી ઢોલીએ બહુ પ્રયાસ કર્યો પરંતુ રાત્રે જે ઠેકો સાંભળેલો એ કોઇ રીતે પ્રગટ નહોતો થતો. આખરે દાદરના હરિજનવાસમાં ગયા. ત્યાં પેલા ઢોલી વિશે પૂછ્યું તો કહે કે “એને તો મઝગાંવના હરિજનવાસમાંથી લાવેલા.”
“ચાલો મઝગાંવ.”
ત્યાં જઇને આખી રાતના ઊજાગરાવાળા પેલા ઢોલીને ઊઠાડયો. સારું એવું મહેનતાણું અને શરાબની બોતલ આપવાનું વચન આપીને લઇ આવ્યા.
ગુજરાતી ગરબાના હીંચનું વજન
ઘણું કરીને એ દિવસોમાં ફેમસ સ્ટુડિયોમાં ભણસાલી સાઉન્ડ રેકોર્ડિસ્ટ હતા. પેલો તો તાનમાં આવીને ઢોલ વગાડવા માંડયો. એને કદી કોઇ ફિલ્મમાં વગાડવાની તક મળી નહોતી. ભણસાલીએ અણ્ણાને કહ્યું કે અમને માત્ર પેલો ઢોલી સંભળાય છે. બીજું કશું સંભળાતું નથી.
આખરે એ ઢોલીને રેકોર્ડિંગ રૂમની બહાર બેસાડયો. ત્યારબાદ ગીત રેકોર્ડ કર્યું. ઢોલી બહાર હતો તો પણ ગીત અદ્ભુત બન્યું. ગીતની બંદિશમાં ગુજરાતી ગરબાનો હીંચનો ઠેકો ભળ્યો હતો. અન્ય પ્રાદેશિક સંગીતમાં પણ હીંચ તાલ તો વપરાય છે.પરંતુ ગુજરાતી ગરબાના હીંચમાં જે વજન છે એ અન્ય પ્રાદેશિક હીંચમાં સાંભળવા ન મળે.
સંગીતકાર કલ્યાણજીભાઇ કહેતા, પોતાને સંગીતના ઔરંગઝેબ કહેતા હોય એવા માણસને ગરબાના હીંચનો ઢોલનો ઠેકો સંભળાવવો, એ સ્થિર બેસી શકે તો સાચો ઔરંગઝેબ. બાકી તરત નાચવા માંડશે. એટલે જ કદાચ હવે તો ગુજરાતી રાસગરબામાં બિનગુજરાતી લોકો પણ હોંશે હોંશે જોડાય છે. માસ્ટર ભગવાનના “ભોલી સૂરત દિલ કે ખોટે” ગીતના ડાન્સમાં આ ગુજરાતી ઠેકાનો બહુ મોટો ફાળો છે. એટલે જ કદાચ એમની ડાન્સ શૈલી પાછળથી દિલીપ કુમાર, ગોવિંદા અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ અપનાવી.
આ પણ વાંચો- Hindi Films-આ 11 કલ્ટ ડાયલોગ કેવી રીતે બન્યા ?