Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેને ગાવું લગભગ અશક્ય છે એવું દુર્લભ ગીત-હિન્દી ફિલ્મોના ઇતિહાસનું અમર ગીત

અહેવાલ--કનુ જાની, અમદાવાદ ‘શોલે’ જેવી સુપરહીટ ફિલ્મ વિશે લખવાનું કોઇ કહે તો આજે શું નવું લખી શકાય? ગુલઝારનું આ ગીત ''મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ..'' પણ હિન્દી ફિલ્મ-સંગીતમાંની કવિતાના ભાવકો માટે ‘શોલે’થી કમ નથી. જેમ કે ગુલઝાર અને...
જેને ગાવું લગભગ અશક્ય છે એવું દુર્લભ ગીત હિન્દી ફિલ્મોના ઇતિહાસનું અમર ગીત

અહેવાલ--કનુ જાની, અમદાવાદ

Advertisement

‘શોલે’ જેવી સુપરહીટ ફિલ્મ વિશે લખવાનું કોઇ કહે તો આજે શું નવું લખી શકાય? ગુલઝારનું આ ગીત ''મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ..'' પણ હિન્દી ફિલ્મ-સંગીતમાંની કવિતાના ભાવકો માટે ‘શોલે’થી કમ નથી. જેમ કે ગુલઝાર અને મ્યુઝિક ડીરેક્ટર આર.ડી. બર્મનની જોડીના ચાહકોને એક સવાલ પૂછો કે “શું ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ની હેડલાઇનની કે તેના રિપોર્ટની ગાવાલાયક ધૂન બની શકે?” અને તરત એ સૌ સમજી જાય કે ''મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ..''નો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. કેમ કે ખુદ ગુલઝાર કહે છે કે આ ગાયન કરતાં તેના સર્જનની વાત વધારે જાણીતી છે!

એ ઐતિહાસિક ઘટના મુજબ તો, પહેલી વખત આ ગીતને જોઇને પંચમદા સમજ્યા હતા કે ગુલઝાર ડાયલોગની શીટ લઈ આવ્યા હશે પણ કવિએ ખુલાસો કર્યો કે આ સંવાદો નથી, તેમની કવિતા છે અને તેને સંગીતબધ્ધ કરવાની છે. ત્યારે ‘આર.ડી.’ અકળાયા અને બોલ્યા, “કાલે ઉઠીને તો તું ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ની હેડલાઇનની કે તેના રિપોર્ટની ધૂન બનાવવાનું કહીશ, તો એ મારે બનાવવાની?” એ યાદગાર ક્વોટ બોલવામાં પંચમદાનો ક્યાં કોઇ વાંક હતો? કેમ કે એ રચનાની કેટલીક પંક્તિઓને તો ગાયનમાં છેવટે ખુદ ગુલઝારે પણ ન રાખી. તેને ફિલ્મમાં નસીરભાઇના મુખે બોલાવડાવી છે. તેમાં એક જમાનામાં સાયકલ પર ડબલ સવારી જનારને કે રાત્રે લાઇટ અને તેને સળગતી રાખનાર ડાયનેમો ન હોય તો પોલીસ દંડનું ચલાન કરતી હતી; તેને યાદ કરીને કવિએ કવિતામાં આ પંક્તિઓ પણ લખી હતી....
એક દફા વો યાદ હૈ તુમ કો,
બીન બત્તી જબ સાયકલ કા ચાલાન હુઆ થા,
હમને કૈસે ભૂખે-પ્યાસે બેચારોં સી એક્ટિંગ કી થી,
હવલદારને ઉલ્ટા ઇક અઠન્ની દેકર ભેજ દિયા થા,
એક ચવન્ની મેરી થી
વો ભિજવા દો...!

Advertisement

ઉપરની પંક્તિઓ કાઢીને ડાયલોગમાં મૂકી દેવા છતાં ગુલઝારની આ કવિતા લાંબી હતી. વળી, તેમાં એક સંગીતકાર લય માટે શોધે એવા પ્રાસવાળા શબ્દો નહોતા. દેખીતું હતું કે વર્ષોથી હિન્દી સિનેમાના મોટાભાગના મ્યુઝિક ડીરેક્ટર્સ ગાયનોમાં બે પંક્તિને અંતે ‘કલિયાં’-‘ગલિયાં’, ‘આયેંગે’-‘જાયેંગે’ એમ કાફિયા મળેલાં સરળ ગીતોથી ટેવાયેલા હતા. ખાસ કરીને આ ‘ઇજાઝત’ બની એ ૧૯૮૭-૮૮ના સમયમાં તો ‘દીવાના’, ‘પરવાના’ ‘મસ્તાના’ની ખીલેલી મોસમ હતી. તે દિવસોમાં ગુલઝારે લગભગ જેને અછાંદસ કહી શકાય એવી મુક્ત કવિતા લખી હતી. એવા કાવ્યસ્વરૂપનો પ્રયાસ કરવો એ આપણા ફિલ્મ સંગીતનો એક અગત્યનો માઇલસ્ટોન હતો. હા, જ્યાં શક્ય બન્યું ત્યાં તેમણે કાફિયા મિલાવ્યા પણ ખરા. પરંતુ, એવા કોઇ નિયમને વળગી રહેવાને બદલે ગુલઝાર સંવેદનાઓને વફાદાર રહ્યા. તેમણે શરૂઆતમાં ''મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ.. '' એ પંક્તિમાં ‘સામાન’ જેવો રોજબરોજની ભાષાનો શબ્દ વાપર્યો હોઇ પ્રથમ વખત ગીત સાંભળો તો અંદાજ ન આવે કે તેમાં કોઇ કપડાં-લત્તાં કે સરસામાનની નહીં પણ લાગણીઓની ઉઘરાણી છે! પણ પછી ‘લગેજ’નું લિસ્ટ શરૂ થાય છે...
“સાવન કે કુછ ભીગે ભીગે દિન રખે હૈં,
ઔર મેરે ઇક ખત મેં લિપટી રાત પડી હૈ,
વો રાત બુઝા દો,
મેરા વો સામાન લૌટા દો...”

શું ઑફબીટ પંક્તિઓ છે! ‘વો રાત બુઝા દો’ આ શબ્દો ગુલઝારે કેવા સંદર્ભે લખ્યા છે, એ પણ તેમણે પોતે એક પાકિસ્તાની એન્કરને મુંબઈમાં આપેલી મુલાકાતમાં કહેલું છે, તે ધ્યાનમાં રાખીશું તો અર્થઘટનની સરળતા રહેશે. ફિલ્મ જોનાર સૌને ખબર છે કે, તેની વાર્તા ‘પતિ, પત્ની ઔર વોહ’ પ્રકારના એક વિશિષ્ટ પ્રણયત્રિકોણની છે... જેને ‘પતિ, વોહ ઔર પત્ની’ કહેવી વધારે યોગ્ય ગણાય. કારણ, સ્ટોરીમાં મહિલા ‘લીવ-ઇન-પાર્ટનર’ની હરકતો કેન્દ્રમાં છે. તે ‘માયા’ (અનુરાધા પટેલ)ના બિન્દાસ વર્તનને કારણે પત્ની ‘સુધા’ (રેખા) નારાજ રહે છે. ‘સુધા’ અને ‘માયા’ વચ્ચે સમતોલન કરવા મથતા પતિ ‘મહેન્દર’ (નસીરુદ્દીન શાહ)ના ઘરમાં ‘માયા’ની સ્મૃતિઓ તાજી કરાવતી ચીજોમાં તેણે લખેલી કવિતાઓ પણ છે. પરંતુ, પત્ની તેને ‘લવલેટર્સ’ સમજે છે. એ કાગળો અને બીજો જે કાંઇ નાનો-મોટો સામાન પતિ પાસે હતો તેને, ઘરમાં શાંતિ સ્થાપવા, દંપતિએ પરત ‘માયા’ને મોકલી આપ્યો. તેના રિસ્પોન્સમાં માયા જે પત્ર લખે છે, તે આ ગીત! ગુલઝાર કહે છે કે લીવ-ઇન-પાર્ટનર્સની જે ઇન્ટિમસી હોય તેની યાદ તાજી કરાવવા ખુલ્લેઆમ કશું લખવાને બદલે ‘માયા’ આડકતરી રીતે (‘ઇશારોં ઇશારોં મેં’) કહે છે. કેવી રીતે? ગુલઝારજી કહે છે કે ‘લીવ-ઇન-પાર્ટનર’ના સહવાસથી ‘માયા’ની રાતો રોશન થઈ હતી. એ સાથીદારની અંગતતાથી પ્રાપ્ત પ્રેમથી ઝળહળ થયેલી એ રાતો હજી તેના સંવેદનતંત્રમાં અકબંધ છે. ઉઘરાણી એ વાતની છે કે એ રોશન રાતોને બુઝાવી આપ!

Advertisement

ગુલઝારના કહેવાનો મતલબ અમે એવો સમજ્યા છીએ કે એક ઇન્ટિમેટ સંબંધથી કોઇ નારીના સમગ્ર અસ્તિત્વમાં જે રોશનીનો અનુભવ થાય છે, તે કાયમી હોય છે. એ સ્ત્રી માટે એક અંતરંગ સંબંધ પહેલાંની સ્થિતિએ પરત પહોંચવું એ પાર્સલમાં બાંધીને સામાન કોઇની સાથે પરત મોકલી દેવા જેવું સરળ કામ નથી હોતું. આ આખી કવિતા એક પુરૂષ અને સ્ત્રીના અંગત (શારીરિક પણ) સંબંધોને વર્ણવે છે, એ જેમ જેમ કવિતા આગળ વધે છે એમ સમજાય છે. એ રીતે આને ‘એ’ સર્ટિફિકેટવાળું ગીત પણ કહી શકાય! પણ આગળ વધીએ તે પહેલાં ફિલ્મમાં આ ગાયન આવે, તે પહેલાં આ ‘પત્ર’ દંપતિ પાસે કેવી રીતે પહોંચે છે તે જોઇએ તો ‘આંધી’ના એક સીનનું સ્મરણ તાજું થઈ જાય. યાદ છે ને? ‘આંધી’માં હોટલ મેનેજર સંજીવકુમારને પોતે બાપ બનવાના છે એ ન્યૂઝ પોતાની પત્ની (સુચિત્રાસેન) ઘેરથી તાર કરીને ઓફિસે જણાવે છે! તે ખબર એક લોકલ ફોનથી પણ આપી શકાઇ હોત. અહીં ‘ઇજાઝત’માં પણ ‘માયા’ આ લાંબી કવિતાનો પત્ર નહીં, શબ્દે શબ્દના પૈસા ખર્ચવા પડે એવો મોંઘો ટેલીગ્રામ મોકલે છે!

તેનો અમે તો અર્થ એ જ કરીએ છીએ કે ગુલઝાર કહેવા માગતા હશે કે કવિના શબ્દો કાંઇ પચીસ-પચાસ પૈસાના કવરમાં જાય એવા સસ્તા થોડા હોય? અને તે પણ ગુલઝારની કલમેથી નીકળેલા આવા શબ્દો?...
“પતઝડ હૈ કુછ...હૈ ના?
પતઝડ મેં કુછ પત્તોં કે ગિરને કી આહટ
કાનોં મેં એક બાર પહન કર લૌટ આઈ હૈ
પતઝડ કી વો શાખ અભી તક કાંપ રહી હૈ
વો શાખ ગિરા દો
મેરા વો સામાન લૌટા દો...

‘પતઝડ’ એટલે કે પાનખરની ઋતુમાં પાંદડાં ખરવાનો અવાજ આવે અને કોઇના (પ્રેમી/પ્રેમિકાના) પગરવના ભણકારા લાગે (આહટ થાય) એ કલ્પના જ કવિતાપ્રેમીઓને વસંતોત્સવ જેવી લાગે. પરંતુ, હજી ગુલઝારની કલમના રંગ ઓર નિખરવાના બાકી છે. એ પછી એ આહટને પોતાના કાનમાં પહેરવાનું કોઇ ઘરેણું હોય એમ ઇમેજ કરે છે. આહટ એકવાર આવીને પાછી ડાળીએ જતી રહી છે. પરંતુ, પાનખરમાં પાંદડાં ખરવાની પ્રક્રિયા ચાલુ છે, ડાળી હજી ધ્રુજે છે, પાન ખરી શકે છે. મતલબ કે હજી તારા આવવાના ભણકારા મને સંભળાવાના છે. અહીં ગુલઝાર સાથે શાયર કૈફી આઝમીના શબ્દોને પણ યાદ કરીએ તો આ પંક્તિઓનું અર્થઘટન વધારે બંધ બેસશે. કૈફી સાહેબના, લતાજીએ મદનમોહનના સંગીતમાં ગાયેલા, અલ્ફાઝ ક્યારેક મોડીરાત્રે સાંભળજો; તો “પતઝડ મેં કુછ પત્તોં કે ગિરને કી આહટ...” નો લુત્ફ ઓર આવશે. કૈફી આઝમીએ ‘હકીકત’ ફિલ્મ માટે ઠેઠ ૧૯૬૪માં લખેલી આ પંક્તિઓ આજે ૫૦ વરસ કરતાં વધુ સમય થયો હોવા છતાં કાનમાં પહેરી રાખવાનું મન થાય એવી છે ને?...
“જરા સી આહટ હોતી હૈ, તો દિલ સોચતા હૈ,
કહીં યે વો તો નહીં, કહીં યે વો તો નહીં, કહીં યે વો તો નહીં...”!

આહટ કે ભણકારા કેમ થાય છે તેનો ખુલાસો “મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ..''ના પછીના અંતરામાં થાય છે, ત્યારે ‘લીવ-ઇન’ના સહવાસની યાદો વધારે માદક બને છે.‘માયા’ લખે છે,
“એક અકેલી છત્રી મેં જબ આધે આધે ભીગ રહે થે
આધે સુખે, આધે ગીલે,
સુખા તો મૈં લે આઈ થી
ગીલા મન શાયદ બિસ્તર કે પાસ પડા હો
વો ભીજવા દો,
મેરા વો સામાન લૌટા દો...”

વરસાદમાં પલળેલાં હીરો-હીરોઇન વર્ષોથી હિન્દી પિક્ચરનાં અભિન્ન અંગ રહ્યાં છે. એક જમાનામાં જ્યારે “રૂપ તેરા મસ્તાના...” જેવું ગાયન આવ્યું, ત્યારે ટીકાઓ થતી હતી કે નાયક-નાયિકાના નિકટ શારીરિક સંબંધ વિશે એ હદે જવા કરતાં તેની કલ્પના કરવાનું પ્રેક્ષકો માટે છોડવું જોઇએ. અર્થાત વાર્તામાં આવતી એવી ઘટનાને સર્જકોએ કળાત્મક રીતે પ્રસ્તુત કરવી જોઇએ. (જો કે આજની ફિલ્મોમાં એવાં દ્દશ્યોમાં એટલી સ્પષ્ટતાઓ લાવી દેવાઇ છે કે કાવ્યાત્મક રીતે કશુંય કહેવાની કોઇ જગ્યા જ નથી રહી!) ગુલઝારે આખા કાવ્યમાં ઇશારાથી જ કહેવાનું રાખ્યું છે. (પેલા ઇન્ટરવ્યૂમાં ગુલઝારે પાકિસ્તાની એન્કરને કહ્યું હતું કે “બરસાત મેં ભીગ કર જો રાત તુમ્હારે સાથ ગુજારી થી વો અભી તક રોશન હૈ... વર્ના તો રાત બુઝાઇ નહીં જા સકતી. તપસીલ મેં બતાને કે બજાય ઇશારોં મેં બતા દિયા.)

જો શબ્દોને ધ્યાનથી જોઇએ તો, દૈહિક નિકટતાને તો ગીતમાં જોઇ જ શકાય છે. પરંતુ, ક્રિએટિવ દ્દષ્ટિએ પણ છત્રીમાં ‘સંબંધ’નું પ્રતિક નથી મળતું? લોકો છત્રી કે રેઇનકોટ વગર હરતા-ફરતા આખા પલળવાનો આનંદ લેતા હોય છે. પરંતુ, અહીં સંબંધની છત્રી એવી છે કે આખા પલળવાનું કે સમગ્ર રીતે કોરા રહેવાનું બેમાંથી એકેય શક્ય નથી. બન્ને પાત્રો પ્રેમથી ભીંજાયેલાં છે અને છતાં કોરાં પણ છે. એટલે ‘માયા’ જ્યારે પોતાના મન માટે “શાયદ બિસ્તર કે પાસ પડા હો...” એમ કહે છે, ત્યારે તેમાં ‘બિસ્તર’ બન્નેના સંબંધોમાં અસ્તિત્વ ધરાવતી માદકતાને સૂચવે છે. આ અર્થઘટન હજી વધારે સ્પષ્ટ થાય છે, અંતિમ અંતરામાં. હવે ‘માયા’ ડિટેઇલિંગ પણ કરે છે...
એક સો સોલહ ચાંદ કી રાતેં,
ઇક તુમ્હારે કાંધે કા તિલ
ગીલી મેંહદી કી ખુશ્બુ,
ઝૂટ-મૂટ કે શિકવે કુછ
ઝૂટ-મૂટ કે વાદે ભી સબ યાદ કરા દું
સબ ભિજવા દો,
મેરા વો સામાન લૌટા દો...

આ અંતરામાં ૧૧૬ રાતોનો આંકડો કેમ લખાયો હશે? આ રહસ્યના બે ઉકેલ મળે છે. એક અભ્યાસીના મતે આ ગાયન ગુલઝારનું ૧૧૬મું ગીત હોવાથી. તો વળી ક્યાંક એ પંચમદા માટેનું કવિનું ૧૧૬મું ગીત હતું એમ પણ કહેવાયું છે. પરંતુ, એ રેકોર્ડ અને સ્ટેટિસ્ટિક્સની વાત છે અને ગુલઝારની રચનાઓનો સ્વભાવ જોતાં તે એવાં ગતકડાં કરનારા શાયર નથી. ગુલઝાર પોતે તો એમ કહીને એ રહસ્યને ટાળી દે છે કે આંકડાનું મહત્વ નથી. અગત્યની વાત એ છે કે પ્રેમમાં પડેલું એક જણ ચાંદ કી રાતોનો હિસાબ રાખે છે! જો કે અમને ગમે એવો એક અન્ય ખુલાસો એ છે કે ચાર મહિનાના ૧૨૦ દિવસ હોય અને તેમાં આવતી ૪ અમાસને બાદ કરો તો ‘૧૧૬ ચાંદ કી રાતેં’નો તાળો બેસી શકે છે. એ જરૂરી પણ છે. કેમ કે અહીં ‘માયા’ વિગત સાથે વાત કરે છે, જેમાં તે પોતાના સાથીદારનું ખુલ્લું બદન જોયાની નિશાની આપે છે. તે પ્રિયતમના ખભા પરના એક તલનો ઉલ્લેખ કરે છે. એવા ઝીણા શારીરિક અવલોકન માટે ચંદ્રમાનું અજવાળું પ્રેમીજનોને સારું હાથવગું હોય છે! પ્રણયમાં સાચા-ખોટા વાયદા કે છેડછાડ (ટિઝિંગ) કરવા કરાતી ફરિયાદો વગેરેનો આનંદ પણ અનેરો હોય છે. એ સહિતની બધી લાગણીઓની ઉઘરાણીઓ કર્યા પછી, ગુલઝાર તેમની ટ્રેડમાર્ક પંચલાઇન સાથે ગીત આ શબ્દોમાં પૂરું કરે છે...
એક ઇજાઝત દે દો બસ, જબ ઇસકો દફનાઉંગી
મૈં ભી વહીં સો જાઉંગી, મૈં ભી વહીં સો જાઉંગી...

‘ઇજાઝત’ શબ્દને કારણે ગાયનને ફિલ્મનું ટાઇટલ સોંગ કહી શકાય. પરંતુ, વાર્તામાં પણ એ પંક્તિઓ કેવી સરસ ફીટ થાય છે! ‘માયા’ને લીવ-ઇનના પોતાના એ સાથી પાસેથી ગણાવ્યો એ બધો સામાન પાછો મળી જાય, મતલબ કે સામું પાત્ર તેના જીવનમાંથી સદંતર બાદ જ કરી દે, તો પોતે જીવી નહીં શકે એમ સ્પષ્ટ કરે છે. એ જ સંદર્ભે તે ઉત્કટ પ્રેમને દફનાવવાની સાથે પોતાને ત્યાં જ સૂઇ જવા દેવાની પરવાનગી માગે છે. તેનો એક અર્થ એ થાય કે એ પ્રેમસંબંધની ખટ-મધુરી યાદો પણ નહીં રહે તો તેના જીવનમાં જીવંતતા (લાઇવ્લીનેસ) નહીં રહે. પરંતુ, વાર્તામાં તો જ્યારે બે પ્રેમીપંખીડાં વચ્ચે સંબંધને લઈને મોટી ચડભડ થાય છે, ત્યારે ખરેખર જ અકળાયેલી ‘માયા’ બાઇક લઈને પુરપાટ નીકળી પડે છે અને એક અકસ્માતમાં મૃત્યુ પામે છે. તેથી એ શાબ્દિક અર્થમાં પણ ‘દફન’ સાથેની સાર્થક કવિતા સાબિત થાય છે. આ ગાયન તેના પાત્ર ‘માયા’ની આઇડેન્ટિટિ જેવું છે. આ કવિતાના શબ્દો તારમાં વાંચીને નસીરુદ્દીન શાહ બોલી ઉઠે છે, “ધીસ ઇઝ માયા!” એ રીતે જુઓ તો ‘ઇજાઝત’ અનુરાધા પટેલની ફિલ્મ કહેવાય.

અનુરાધાને આ ભૂમિકા માટે તે વરસના ‘ફિલ્મફેર એવોર્ડ’માં ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ’ના વિભાગમાં નોમિનેશન મળ્યું હતું. એવોર્ડ જો કે ‘ખૂન ભરી માંગ’ માટે સોનુ વાલિયાને મળ્યો હતો. આ એક ગીત તેના ઓળખકાર્ડ જેવું છે. બાકી અનુરાધા પટેલને અશોક કુમારની દીકરીની દીકરી તરીકે કે પછી ટીવી સ્ટાર કંવલજીતસિંગની પત્ની તરીકે ઓળખનારાઓ પણ ઓછા નહીં હોય. આ ગાયનની ધૂન બનાવવા જ્યારે આર.ડી. બર્મન પેલી ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’વાળી રકઝક કરતા હતા અને સૌ ગૂંચવાયેલા હતા કે આ અછાંદસ રચનાને ગાવી કેવી રીતે?

ત્યારે આશા ભોંસલે “મેરા વો સામાન લૌટા દો...”ની ધ્રુવ પંક્તિ પોતાના લહેંકામાં ગણગણતાં હતાં. એટલે પંચમદાના કાન સરવા થઈ ગયા. તેમણે એ પંક્તિનો ઢાળ પકડી લીધો. એ શબ્દો માટે આશાજીએ ગાયેલા સૂરને જ અકબંધ રાખ્યા અને પછી તેના પર આવવા માટે શરૂઆતની તર્જ બનાવી. આમ સર્જનની પ્રક્રિયા ઉંધેથી શરૂ કરી અને છતાં પરિણામ? એક અમર રચનાનું સર્જન થયું. તેને સ્ક્રિન પર ગાનાર અનુરાધાને તો કોઇ એવોર્ડ ન મળ્યો. પરંતુ, શાયર ગુલઝારને ‘શ્રેષ્ઠ ગીતકાર’ની ફિલ્મફેર ટ્રોફી મળી. એટલું જ નહીં, નેશનલ એવોર્ડ્સમાં પણ આ જ ગીત માટે તે પુરસ્કૃત થયા. ત્યાં રાષ્ટ્રીય પુરસ્કારોમાં તો ગાયિકા આશા ભોંસલેને પણ આ જ ગાયન માટે ‘શ્રેષ્ઠ ગાયિકા’નો એવોર્ડ મળ્યો.

આ પણ વાંચો----‘આશિકી 3’નું શૂટિંગ જાન્યુઆરી 2024થી શરૂ થશે, ફિલ્મની એક્ટ્રેસ અંગે જાહેરાત

Tags :
Advertisement

.