Ayodhya Pran Pratishtha: આતુરતાનો અંત, 10 લાખ દીવાઓથી ઝગમગી ઉઠશે અયોધ્યા
Ayodhya Pran Pratishtha: 500 વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો આજે અંત આવ્યો છે. 500 વર્ષ પછી પ્રભુ શ્રીરામ પોતાના નવા અને ભવ્ય મહેલમાં વિરાજમાન થવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથ સહિત સંત સમાજ અને વીવીઆઈપી લોકોની હાજરીમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું આ ઐતિહાસિક અનુષ્ઠાન બપોરે 12 વાગીને 20 મિનિટે કરવામાં આવશે. અત્યારે આખી અયોધ્યા નગરીને હજારે ક્વિન્ટલ ફુલોથી શણગારવામાં આવી છે. આ સાથે રામ મંદિરને શણગારવા માટે 3 હજાર કિલો ફુલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અયોધ્યા નગરીને દેશ-વિદેશના વિવિધ ફુલોનો શણગાર
પ્રાણ પ્રતિષ્ઠા માટે આખી અયોઘ્યા નગરીને શણગારવામાં આવી છે. રામ જન્મભુમિ સ્થાનને દેશ-વિદેશના વિવિધ ફુલોથી શણગારવામાં આવી છે. આ સાથે અયોધ્યામાં જન્મભૂમિ પથ, રામ પથ, ધર્મ પથ અને લતા ચૌકને પણ ફુલોથી શણગારવામાં આવ્યા છે. આ સાથે અહીં અલગ-અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો માટે મંચ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, લતા ચોકમાં લગાવવામાં આવેલી વીણાને પણ અનોખી રીતે શણગારવામાં આવી છે. આ સાથે અયોધ્યામાં રામ મંદિરની આસપાસના વિસ્તારો પર રામની જીવન સાથે જોડાયેલા અનેક ચિત્રો પણ આલેખવામાં આવ્યા છે.
સાંજે દીપોત્સવ માટેની ચાલે છે તૈયારીઓ
રામના બગીચામાં સરયૂ આરતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને લેઝર શો દ્વારા ધાર્મિક બાબતોનું જ્ઞાન પણ મળી રહેશે. અત્યારે અયોધ્યાની દરેક જગ્યાને ખાસ રીતે શણગારવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ અયોધ્યા આવતા તમામ રસ્તાઓને પણ શણગારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજે સૂર્યાસ્ત પછી 10 લાખ દીવાઓથી દીપોત્સવ માટે પણ તૈયારીઓ ચાલી રહી છે. આપણ વડાપ્રધાન અને સીએમ યોગીએ સૂર્યાસ્ત બાદ દરેક દેશવાસીઓને 5 દીવા કરવાનું પણ કહ્યું છે.
માત્ર 84 સેકન્ડનું હશે મુહૂર્ત
રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનું જ મુહૂર્ત છે, જેમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ્વર શાત્રી દ્રવિડે જે મુહૂર્ત આપ્યું છે જે પ્રમાણે જ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
દેશ-વિદેશમાંથી 8 હજાર લોકોને આમંત્રણ
ઉલ્લેખનીય છે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે 8 હજાર લોકોને આમંત્રીત કરવામાં આવ્યા છે. જેમાં સાધુ-સંતો સાથે સાથે વિભિન્ન ક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકોને પણ બોલાવવામાં આવ્યા છે. આ સિવાય વાત કરવામાં આવે તો, ભારતીય આધ્યાત્મિકતા, ધર્મ, સંપ્રદાય, પૂજા પદ્ધિત, પરંપરાથી સંબંધિત વિદ્યાલયોના આચાર્યો, 150 થી વધારે પરંપરાઓના સંતો, મહામંડલેશ્વર, મંડલેશ્વર, શ્રીમહંત, મહંત, નાગા સહિત 50થી વધારે આદિવાસી, ગિરિવાસી, તાતવાસી, દ્વીપવાસી આદિવાસી પરંપરાઓના પ્રમુખ વ્યક્તિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો: ભારતીયો જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આજે આવી ગયો
મહેમાનો માટે તૈયાર કરાઈ ખાસ પ્રસાદી
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રીત મહેમાનો માટે ખાસ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટે મહેમાનોને આપવા માટે 15 હજાર પ્રસાદના પેકેટ તૈયાર કર્યા છે. આ પ્રસાદમાં માવાના લાડુ, રામદાણાની ચિક્કી, ગોળની રેવડી, અક્ષત અને રોલી પણ સામેલ હશે. અક્ષત અને રોલીનું પણ ખાસ પેકિંગ કરવામાં આવ્યું છે. આ સાથે સાથે આ પ્રસાદમાં પરમેશ્વર વિષ્ણુનું પ્રિય તુલસી દળ પણ રાખવામાં આવ્યું છે.