Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કદી ન દીઠેલી અલીની દીકરીએ આ ક્ષણે માસ્તરના મનમાં કબજો જમાવ્યો હતો

મરિયમનો કાગળ  વાંચીને  બેચેની અનુભવતા માસ્તર થોડી વાર વિચારી રહ્યા.. પોતે શું કરવું જોઈએ? શું કરે તો અલીના નિસાસા હંસાને ન લાગે? એકાએક માસ્તરની નજર ઘડિયાળ તરફ પડી. ચાર વાગ્યા હતા. કાગળમાં લખેલી વિગત પર ફરી એકવાર નજર નાખી. ટ્રેન છ વાગે પહોંચવાની હતી. અને વીજળીના ચમકારે  જાણે એકાએક કશું નક્કી થઈ ગયું હોય એમ મનમાં વિચાર ઝબૂક્યો. પોતે અલીની દીકરીને સાચવી લે..એની સંભાળ રાખે તો અલીની બદદુવ
કદી ન દીઠેલી અલીની દીકરીએ આ ક્ષણે માસ્તરના મનમાં કબજો જમાવ્યો હતો
મરિયમનો કાગળ  વાંચીને  બેચેની અનુભવતા માસ્તર થોડી વાર વિચારી રહ્યા.. પોતે શું કરવું જોઈએ? શું કરે તો અલીના નિસાસા હંસાને ન લાગે? 
એકાએક માસ્તરની નજર ઘડિયાળ તરફ પડી. ચાર વાગ્યા હતા. કાગળમાં લખેલી વિગત પર ફરી એકવાર નજર નાખી. ટ્રેન છ વાગે પહોંચવાની હતી. અને વીજળીના ચમકારે  જાણે એકાએક કશું નક્કી થઈ ગયું હોય એમ મનમાં વિચાર ઝબૂક્યો. પોતે અલીની દીકરીને સાચવી લે..એની સંભાળ રાખે તો અલીની બદદુવાથી જરૂર બચી શકાય. જાણે  અલીએ તેમને કોઈ શ્રાપ આપ્યો હોય અને એમાંથી બચવાનો કોઈ ઉપાય પોતાને શોધવાનો  હોય એ ખ્યાલ માસ્તરના મનને ભયભીત કરી રહ્યો હતો. પોતે મરિયમને મદદ કરે તો હંસાની સુવાવડ ઈશ્વર જરૂર સમીસૂતરી ઉતારે. બસ ..નક્કી થઇ ગયું. ફરી એકવાર કાળજીપૂર્વક કાગળ વાંચ્યો. અને મરિયમ સાથે તેનો નાનો દીકરો પણ છે એનો ખ્યાલ આવતા રામજીને બોલાવી ગાયનું દૂધ ઘરમાં છે કે નહિ તે પૂછપરછ કરી. રોજ તો સાંજે ખીચડી કે એવી કોઈ એકાદી વસ્તુ જ બનાવવાનું જમનાને કહેતા. મોટે ભાગે તો જમનાને કંઈ કહેવાનું હોતું જ નહિ. જમનાને માસ્તરની ટેવની ખબર જ હતી. મીનાબહેનની ગેરહાજરીમાં બપોરે રોટલી શાક અને સાંજે માસ્તરને ખીચડી, રોટલો કે કદીક બે ભાખરી જેવું એ બનાવી આપતી.  
આજે મહેમાન આવે છે તો વ્યવસ્થિત રસોઈ બનાવવાની સૂચના આપવાનું માસ્તર ભૂલ્યા નહીં. સાથે નાનું બાળક છે એ પણ કહ્યું. રામજી અને જમના આશ્વર્યથી માસ્તર સામે જોઈ રહ્યા. પણ માસ્તર જે કરે તે સમજીને જ કરતા હશે. નાનપણથી રામજીએ માસ્તરમાં વિશ્વાસ હતો આમ પણ તેને સવાલો પૂછવાની ટેવ નહોતી. જમના અને રામજી બંને માસ્તર કહે તે આંખો મીંચીને તે કરતા. આજે પણ તેણે કંઈ પૂછયું નહિ.
રામજી માસ્તરના કોઈ દૂરના સગાનો દીકરો હતો. તેમની આર્થિક સ્થિતી સારી નહોતી એથી માસ્તરે રામજીને નાનપણથી પોતાને ત્યાં રાખ્યો હતો. રામજીના લગ્ન પણ તેમણે જ કરાવી દીધા હતા. ફળિયામાં એક નાનકડી ઓરડી આમ પણ ખાલી જ પડી હતી. લગ્ન પછી રામજી અને તેની વહુ ત્યાં રહેતા હતા. રામજીને એક નિશાળમાં પટાવાળાની નોકરી માસ્તરે અપાવી હતી. અને  જમના પોસ્ટ ઓફિસ વાળવાનું, પાણી ભરવાનું વગેરે કામ કરતી હતી. મીનાબહેન ન હોય ત્યારે માસ્તરની રસોઈ અને નાના, મોટા કામ કરતી. ગાયને દોહવાનું, ફળિયું વાળવાનું વગેરે કામ તેના હિસ્સાના જ હતા. તેમના લગ્નને દસેક વરસ જેવો સમય વીતી ગયો હતો. કેટલીયે બાધા આખડી પછી પણ માબાપ બનવાનું તેમનું સપનું અધૂરું જ રહ્યું હતું. 
રામજી ચા લાવ્યો. તેની સામે જોયા વિના માસ્તરે થોડી સૂચનાઓ આપી, હાથમાં છત્રી લીધી,માથે ટોપી ચડાવી ઉતાવળે પગલે ઉપડયા. કયાંક ટ્રેન આવી જાય તો ? સ્ટેશને ઉતરીને મરિયમ તેના અબ્બુને  નહીં જુએ તો ? સ્ટેશન તરફ ચાલતા માસ્તર મનમાં જાતજાતની કલ્પના ચાલતી હતી. કેવી હશે અલીની દીકરી મરિયમ? પોતે તેને કેવી રીતે ઓળખશે? એ પોતાના જેવા એક સાવ અજાણ્યા માણસનો ભરોસો કરશે?  જોકે તેને વિશ્વાસ અપાવવા માટે  મરિયમનો કાગળ સાથે લેવાનું ભૂલ્યા નહોતા એ સારું હતું.
જાતજાતના વિચારોમાં ઘેરાયેલા માસ્તરની ચાલમાં આજે એક યુવાન જેવી સ્ફૂર્તિ અને ઝડપ આવી ગયા હતા. બપોર પછી ઝરમર વરસતા વાદળોએ હવે  થોડો વિરામ લીધો હતો. વાતાવરણમાં ટાઢક છવાઈ હતી. રસ્તા હજુ ભીના હતા. બે દિવસ બાદ માંડ માંડ વાદળોના સકંજામાંથી છૂટેલા સૂરજ  મહારાજ આજે મોકળા મને આકાશમાં પોતાની રંગલીલા વેરી રહ્યા હતા. પણ માસ્તર તો આજુબાજુ કયાંય નજર સુદ્ધાં નાખ્યા સિવાય સ્ટેશન તરફ ચાલતા રહ્યા. 
થોડી વારે લાંબી ડાફ ભરતા પોસ્ટમાસ્તર જાણે હંસા આવવાની હોય તેમ હાંફળા ફાંફળા સ્ટેશનમાં દાખલ થયા. ટ્રેન આવી ગઈ હોય અને મરિયમ કયાંક અલી ડોસાને, ના, તેના અબ્બુને શોધતી હશે તો? બિચારી કેવી ગભરાઈ જાય. કદી ન દીઠેલી અલીની દીકરીએ આ ક્ષણે માસ્તરના મનમાં કબજો જમાવ્યો હતો.
 
વિચારોમાં ઘેરાયેલા માસ્તર ચારે બાજુ જોતા સ્ટેશન પર ચાલતા હતા. ત્યાં હવાને ચીરતી ટ્રેનની વ્હીસલ માસ્તરના કાનમાં અથડાઇ. હાશ!  પોતે મોડા નથી પડયા એની ખુશી સાથે પોસ્ટમાસ્તર અધીરતાથી ગાડીને આવતી જોઇ રહ્યા. ગાડી સ્ટેશનની અંદર દાખલ થઇ ચૂકી હતી. પોસ્ટમાસ્તર જાણે હંસાને તેડવા આવ્યા હોય અને બારીમાંથી હંસા તેને જોઇને ખુશખુશાલ બનીને ચીસ પાડી ઉઠવાની હોય તેમ  નજીક આવતા દરેક ડબ્બા ઉપર અધીરતાથી નજર ફેરવતા રહ્યા. જોકે મરિયમ તેને કયાં ઓળખવાની હતી કે નહોતા તે મરિયમને ઓળખવાના.. 
પણ ના, પોતે  જરૂર ઓળખી જશે. આમ પણ આ નાનકડા સ્ટેશન પર એવી ભીડ કયાં હોવાની ? મનમાં એક આસ્થા સાથે તેમની દ્રષ્ટિ ધીમી ગતિએ આવી રહેલી ટ્રેન તરફ મંડાઈ રહી. આખરે ગાડી ઉભી રહી. બે ચાર માણસો ઉતર્યા.એ પછી  થોડી વારે એક ડબ્બામાંથી બાળકને તેડીને એક યુવતી ઉતરી. એક હાથમાં બેગ, ખભ્ભે નાનકડો થેલો અને કાંખમાં બાળક. એકાદ પળ  માસ્તર જોઈ રહ્યા.  યુવતીની બહાવરી નજર આસપાસ ફરી વળી. પોસ્ટમાસ્તર એ તરફ  દોડયા. નક્કી એ જ મરિયમ. એને ઓળખવામાં ભૂલ નહોતી થતી. પિતાને શોધતી આવી અધીર નજર મરિયમ સિવાય કોની હોય? યુવતીની પાસે જઇ ધીમેથી  બોલ્યા
“મરિયમ?“ 
પોસ્ટમાસ્તરને પોતાને નવાઇ લાગી. પોતાના સદાના રૂક્ષ અવાજમાં આવી કુમાશ કયાંથી આવીને બેસી ગઇ?
યુવતી ચમકી. તેણે માસ્તર સામે જોયું. 
“તમે? તમે કોણ? મારા અબ્બુ….. “ 
“ બેટા, તારા અબ્બુ નથી આવી શકયા. એમણે જ મને મોકલ્યો છે.“ 
હંસાને બેટા કહીને જ તો સંબોધતા હતા ને ? એ જ શબ્દ અત્યારે આ અજાણી યુવતી માટે મોઢામાંથી નીકળી ગયો. ઘડીભર તે મરિયમને નીરખી રહ્યા.  
મરિયમના માસૂમ ચહેરા પર એક બાળક જેવી નિર્દોષતા છવાયેલી હતી. તેની મોટી પાણીદાર આંખો કેવી યે પારદર્શક હતી. જાણે એ આંખો સામે જોઇને કંઇ ખોટું બોલી જ ન શકાય. ઘઉંવર્ણા લંબગોળ ચહેરા પર આછેરા સ્મિતની લહેરખી ફરફરતી હતી. લાંબી, પાતળી સુડોળ કાયા પર  મરુન ટીપકીવાળા કાળા રંગના સલવાર કમીઝ અને કપાળ સુધી ઓઢેલી એવી જ ઓઢણી. હાથમાં રણકતી  કાચની લીલી બંગડીઓ. કાંખમાં તાજા ખીલેલા ફૂલ જેવું ખિલખિલ હસતું શિશુ.. પોસ્ટમાસ્તર ઘડી ભર મરિયમને જોઇ રહ્યા. હંસા કદાચ મરિયમથી થોડી નીચી હશે. જો કે હંસાના ચહેરાનો રંગ ગૌરવર્ણો ખરો. પણ નમણાશ તો મરિયમની જ. નહોતી કરવી તો યે પોસ્ટમાસ્તરથી મનોમન સરખામણી થઇ જ ગઇ. હંસા પણ આમ જ બાળકને તેડીને આવશે ને?
 તેમને આમ પોતાની સામે તાકતા જોઈ મરિયમ થોડી ખચકાઈ. તે આશંકાભરી નજરે  માસ્તર સામે જોઈ રહી. માસ્તર એ સમજી ગયા.
 “ આ તારો કાગળ..”  
સાબિતી રૂપે હાથમાં રહેલો મરિયમનો કાગળ તેના હાથમાં મૂકતા તે બોલ્યા. પોતાનો કાગળ જોઈ મરિયમને વિશ્વાસ તો બેઠો.  જરૂર અબ્બુએ જ આમને કાગળ આપ્યો હશે. એ સિવાય મારો કાગળ આમની પાસે કયાંથી આવે ? પણ અબ્બુ કયાં ? કેમ ન આવ્યા ? બીમાર હશે ? એટલે અબ્બુએ તેમને તેડવા મોકલ્યા હશે ?  અબ્બુના કોઈ દોસ્તાર હશે ? પણ ના, આ તો હિંદુ દેખાય છે. માસ્તરના કપાળ પર ચમકતું તિલક જોઈ મરિયમે અનુમાન કર્યું. અને આમ પણ અબ્બુને આવા દોસ્તાર કોઈ હતા જ કયાં ? એ વિચાર સાથે જ  મરિયમના ગળામાંથી એક નિસાસો સરી પડયો. કાશ !
 એક ક્ષણમાં તો જાણે વિચારોનો ચક્રવાત મરિયમને ઘેરી વળ્યો. 
“ બેન , શું વિચારે છે ? “ 
માસ્તરના અવાજે  તે ભાનમાં આવી. 
“ કંઈ નહિ. પણ  આપ? “ અબ્બુ કયાં છે ? આપને ઘેર છે?
“  એ બધી વાતો ઘેર જઈને નિરાંતે કરીએ.  ” 
 ઘેર? એટલે કોને ઘેર જવાનું છે? આમને ઘેર? પણ એમ કોઈને ઘેર કેવી રીતે જવાય? પોતે જાય કે ન જાય? મરિયમ મૂંઝાઈ રહી. અબ્બુ કયાં? એ કેમ ન આવ્યા? બીમાર હશે? ફરી ફરીને એ જ સવાલ મનમાં ઊઠતો હતો. પણ જવાબ કયાં? 
મરિયમનો ખચકાટ માસ્તર સમજી ગયા હતા. તેનો એ ખચકાટ સ્વાભાવિક પણ હતો જ. શું બોલવું તે માસ્તરને સમજાતું નહોતું. પોતે કઈ રીતે આ યુવતીને વિશ્વાસ અપાવે? મરિયમ ફરી ફરીને તેમને એક જ સવાલ પૂછી રહી હતી. 
“ પણ અબ્બુ..અબ્બુ કયાં છે? આપને ઘેર છે? માંદા છે? “ 
“ બેટા, તારા બધા સવાલોના જવાબ આપીશ. તું કોઈ સંકોચ રાખીશ નહિ કે ચિંતા કરીશ નહિ. તું મારી દીકરી, મારી હંસા જેવી જ છો. અહીં ઉભા ઉભા કેટલી વાત થાય? અંધારું પણ થવા આવ્યું છે. આપણે ઘેર જઈને નિરાંતે વાત કરીએ. ”   
મરિયમ હજુ થોડી ખચકાતી હતી. ભલે એ અબ્બુના મિત્ર હોય. કદાચ પોતાના લગ્ન પછી મિત્ર બન્યા હોય. પણ એમ કોઈને ઘેર કેમ જવાય? 
તો અબ્બુ આમને ઘેર જ હશે? બીમાર હશે? સ્ટેશને આવી શકે એમ નહિ હોય. એટલે જ અબ્બુએ મારો લખેલો કાગળ આમને આપીને મને લેવા મોકલ્યા હશે. અબ્બુને ચિંતા તો થાય જ ને? એવા કોઈ વિચારે આખરે મરિયમે મન મનાવ્યું. એ સિવાય બીજો કોઈ ઉપાય પણ તેને સૂઝતો નહોતો. 
માસ્તરે અબ્દુલને તેડવા હાથ લંબાવ્યા.
પણ અબ્દુલ વધારે જોશથી અમ્મીને વળગી રહ્યો.
સામે હંસા ઉભી હતી કે મરિયમ? માસ્તર જરા ગૂંચવાયા. 
“ તેને થોડી વાર અજાણ્યું લાગશે.” 
મરિયમના શબ્દો કાને પડતા માસ્તર જાણે એકાએક ભાનમાં આવ્યા. 
અબ્દુલ સામે જોતી મરિયમ મીઠું હસી રહી. તેણે અબ્દુલને નીચે ઉતારવા પ્રયત્ન કર્યો. પણ તે નીચે ઉતરવા તૈયાર ન થયો. અને માને વધારે જોશથી વળગી રહ્યો.
હવે પોસ્ટમાસ્તર પણ હસી પડયા. તેમણે મરિયમની બેગ ઉંચકી લીધી અને આગળ ચાલ્યા. 
કંઈક અચકાતી, આસપાસ નજર નાખતી  મરિયમ  માસ્તર પાછળ ચૂપચાપ દોરાઇ.
‘ કાકા, અબ્બુ બરાબર તો છે ને? બહુ માંદા નથી ને? ‘ 
‘ ના, બેટા, એવું કંઈ નથી. ચાલ આપણે નીકળીએ. ‘  
સરખો જવાબ ન મળવાથી મરિયમના મનનું સમાધાન તો ન થયું પણ અત્યારે એ સિવાય બીજો કોઇ ઉપાય દેખાતો નહોતો. અહીં અબ્બુ સિવાય પોતાનું કોઈ નહોતું.  
અબ્બુ આમને ઘેર જ હશે ને? માંદા હશે? પોતાનો કાગળ માસ્તરના હાથમાં હતો એટલે એ અબ્બુના કોઈ જાણીતા જ હોય ને? અત્યારે તો એ એકમાત્ર સધિયારો.  
મરિયમ મનોમન મૂંઝાતી રહી. અચકાતી, અકળાતી મરિયમ માસ્તર પાછળ ધીમા ડગ ભરતી ચાલી રહી.   
“ બેટા, ચિંતા ન કરતી. મને તારા પિતા જેવો જ સમજી શકે છે.''
 
મરિયમનો હિચકિચાટ સમજી ગયેલા પોસ્ટમાસ્તર બોલ્યા.
માસ્તર અને મરિયમ સ્ટેશનની બહાર નીકળ્યા. માસ્તરનું ઘર સ્ટેશનથી ખાસ દૂર નહોતું. એટલે પોતે ચાલીને જ આવ્યા હતા. પણ હવે બહાર નીકળીને તેમણે ઘોડાગાડી કરી. પોતે આગળ ગાડીવાળા સાથે ગોઠવાયા. પાછળ મરિયમ દીકરાને તેડીને બેઠી. નાના ગામમાં પોસ્ટ માસ્તરને કોણ ન ઓળખે? ઓળખીતા ગાડીવાળાએ સામાન ગોઠવ્યો અને ટાંગો માસ્તરના ઘર તરફ દોડી રહ્યો. મરિયમ ચૂપચાપ બેઠી રહી. ગાડીવાળો માસ્તર સાથે ગામની આડી અવળી વાતો કરતો રહ્યો. મરિયમની તરસી નજર રસ્તા પર ચારે તરફ ફરતી રહી. પાંચ વરસમાં તો અહી કેટકેટલું બદલાઈ ગયેલું લાગતું હતું. તેના મનમાં અતીતના સ્મરણો અને અબ્બુને મળવાની અધીરતા ઉત્પાત મચાવી રહ્યા. ઘર પાસે ગાડી ઉભી રહેતા જ મરિયમનું દિલ જોશથી ધડકી ઊઠયું. હમણાં અબ્બુ દેખાશે. અબ્બુને જોવાની તીવ્ર ઉત્કંઠા તેના અસ્તિત્વને ઘેરી વળી.
   
ઘર પાસે આવતા ગાડી ઊભી રહી. માસ્તરે ગાડીમાંથી ઉતરીને અબ્દુલને લેવા હાથ લંબાવ્યો. પણ તે મરિયમને વધારે ચોંટી રહ્યો. માસ્તરે ધીમું હસીને મરિયમને નીચે ઉતરવામાં મદદ કરી. ગાડીવાળાએ મરિયમની બેગ અને થેલો ઉતાર્યા. 
માસ્તરે પાકીટ કાઢી પૈસા ગાડીવાળાના હાથમાં મૂકયા. “ જે રામજી કી માસ્તર સાબ.” 
કહેતા ગાડીવાળાએ માસ્તરને સલામ ઠોકી અને હસીને ફરી ગાડીમાં ચડયો. 
માસ્તરે ડેલી ખખડાવી. 
રામજીએ ડેલી ખોલી. તે આગંતુક સામે આશ્વર્યથી જોઈ રહ્યો. આ વળી કોણ હશે? પોતે માસ્તરના બધા સગા વહાલાઓને ઓળખતો હતો. આ તો સાવ અજાણી સ્ત્રી. પણ કશું બોલ્યા સિવાય તે એક બાજુ ખસીને ઊભો.
મરિયમ સાથે પોસ્ટમાસ્તર ફળિયામાં દાખલ થયા ત્યારે તેમના મનમાં ખુશી, ઉદાસી અને થોડી વ્યાકુળતા પણ હતી. અંદર જતા જ  મરિયમનો સવાલ આવવાનો..અને જવાબમાં શું કહેશે પોતે? 
 ‘ આવ બેટા, ‘
કૈક સંકોચાતી મરિયમ અબ્દુલને તેડીને ઘરના બારણા પાસે પહોંચી. અંદર પગ માંડે એ પહેલા જ માસ્તર બોલ્યા.
એક મિનીટ બેટા. 
મરિયમને કંઈ સમજાયું નહિ. શું થયું?  પોતે કોઈ ભૂલ કરી છે કે શું? અંદર જવા ઉપાડેલો તેનો પગ એકદમ પાછો વળ્યો.  
 “  રામજી, તારી વહુને કહે કે આરતીની થાળી લાવે. વરસો બાદ દીકરી ભાણિયાને તેડીને ઘેર આવી છે.”  
ઓછાબોલો રામજી માસ્તર સામે જોઇ રહ્યો.
રામજીની પત્ની કશું સમજી તો નહીં પણ પતિના કહેવા મુજબ હાથમાં આરતીની થાળી લઇને આવી. મરિયમ અને નાનકડા અબ્દુલની આરતી ઉતારી.
માસ્તરને તો એવું જ લાગતું હતું કે જાણે હંસા ભાણિયાને તેડીને આવી છે અને પોતે એને આવકારી રહ્યા છે. 
એકાએક તેમને ભાન આવ્યું. મરિયમ તો મુસલમાન. તેને માટે તો આ બધું સાવ અજાણ્યું હોય. મનમાં જરીક અમથો એક ખટકો થયો. ઓહ…મરિયમ  મુસલમાન છે એ પોતાને અત્યાર સુધી કેમ યાદ ન આવ્યું? પોતાના ઘરમાં એક મુસલમાન? પોતે ચુસ્ત સનાતની હિંદુ અને ... 
માસ્તર આકુળવ્યાકુળ બની રહ્યા. હવે? બે પાંચ પળ તે મરિયમ સામે તાકી રહ્યા. 
ક્રમશ :
 
Advertisement
Tags :
Advertisement

.