Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોના શીરે સીએમનો તાજ? રેસમાં આ નામો સામેલ, જાણો સૌથી આગળ કોણ?

દેશના પાંચ રાજ્ય મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાના અને મિઝોરમમાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ શાનદાર પ્રદર્શન કરીને ત્રણ રાજ્યમાં પ્રચંડ જીત હાંસલ કરી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં જીત બાદ હવે ભાજપા આ રાજ્યોમાં મુખ્યમંત્રીની ખુરશી...
મધ્યપ્રદેશ  રાજસ્થાન અને છત્તીસગઢમાં કોના શીરે સીએમનો તાજ  રેસમાં આ નામો સામેલ  જાણો સૌથી આગળ કોણ

દેશના પાંચ રાજ્ય મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાના અને મિઝોરમમાં તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ શાનદાર પ્રદર્શન કરીને ત્રણ રાજ્યમાં પ્રચંડ જીત હાંસલ કરી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં જીત બાદ હવે ભાજપા આ રાજ્યોમાં મુખ્યમંત્રીની ખુરશી પર કોને બેસાડશે તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ત્રણે રાજ્યોમાં ભાજપા એ અત્યાર સુધી મુખ્યમંત્રીના ચેહરાની ઘોષણા કરી નથી અને પક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી ચૂંટણી લડ્યો હતો. આવી સ્થિતિમાં ત્રણ રાજ્યોમાં સીએમ રેસમાં સામેલ નેતાઓએ પોતાના પ્રયાસ શરૂ કરી દીધા છે. રાજસ્થાનમાં પૂર્વ સીએમ વસુંધરા રાજે એ ધારાસભ્યો સાથે વાત કરવાનું પણ શરૂ કરી દીધું છે એવું કહેવાઈ રહ્યું છે.જો કે, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાંથી આવા કોઈ સમચાર હાલ સામે આવ્યા નથી.

Advertisement

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં અનેક તર્ક-વિતર્ક

છત્તીસગઢની વાત કરીએ તો સીએમ રેસમાં સૌથી આગળ ત્રણ વારના સીએમ રમણ સિંહનું નામ સૌથી આગળ જોવા મળી રહ્યું છે. ઉપરાંત, સીએમ રેસમાં છત્તીસગઢ ભાજપા અધ્યક્ષ અરૂણ સાવ, રેણુકા સિંહ, સરોજ પાંડે અને ઓપી ચૌધરીના નામ પણ સામેલ છે.જો કે, છત્તીસગઢમાં અત્યાર સુધી કોઈ પણ નેતા તરફથી દાવો કે સંકેત આપવામાં આવ્યા નથી. આ અંગે જ્યારે પૂર્વ સીએમ રમણ સિંહને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આ અંગેનો નિર્ણય ધારાસભ્ય દળની બેઠકમાં ચર્ચા બાદ લેવાશે. મધ્યપ્રદેશમાં પણ ભાજપાને પ્રચંડ બહુમત મળ્યું છે. મધ્યપ્રદેશમાં પણ સીએમ ચહેરાને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. રાજ્યમાં શિવરાજ સિંહ ચૌહાણ, નરેન્દ્ર સિંહ તોમર, પ્રહ્લાદ પટેલ, કૈલાશ વિજયવર્ગીય અને જ્યોતિરાદિત્ય સિંધિયા સમેત કેટલાક નામ સીએમની રેસમાં દાવેદાર છે. જો કે, મધ્યપ્રદેશમાં અત્યાર સુધી કોઈ પણ નેતા સક્રિય નજરે આવ્યા નથી. જ્યારે શિવરાજ સિંહને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આ અંગેનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. તેઓ પાર્ટીના એક કાર્યકર્તા છે. પાર્ટીમાં તેમને જે પણ ભૂમિકા આપવામાં આવશે તે તેઓ નિભાવશે.

Advertisement

રાજસ્થાનમાં સૌથી વધુ ઘમાસાણ

રાજસ્થાનમાં ભાજપાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ વસુંધરા રાજેને સીએમ પદ માટેની રેસમાં સૌથી આગળ જોવામાં આવી રહ્યા છે. તેઓ ચૂંટણી પરિણામ બાદ ઘણા એક્ટિવ પણ છે. એવી માહિતી છે કે તેમણે અત્યાર સુધી 68 ધારાસભ્યો સાથે વાતચીત કરી છે. રાજસ્થાનમાં કુલ 200માંથી 199 બેઠકો માટે મતદાન થયું હતું, જેમાંથી 115 બેઠકો પર બીજેપીનો પ્રચંડ વિજય થયો છે. જ્યારે કોંગ્રેસે 69 બેઠક પોતાના નામે કરી છે. રાજસ્થાનમાં વસુંધરા રાજે સિવાય સાંસદ દિયા કુમારી, ભૂપેન્દ્ર યાદવ, ઓમ બિરલા, ગજેન્દ્ર સિંહ શેખાવત અને બાબા બાલકનાથના નામ પણ સીએમની રેસમાં સામેલ છે. જો કે, વસુંધરા રાજે એ સોમવારે શક્તિ પ્રદર્શન કરી બીજેપી અને કેટલાક અપક્ષ ઉમેદવાર સાથે મુલાકાત કરી હતી અને આ દરમિયાન કેટલાક ધારાસભ્યોએ સીએમ તરીકે વસુંધરા રાજેના નામને પોતાનું સમર્થન આપ્યું હતું. બીજી તરફ, સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે સાંસદ રાજ્યવર્ધન રાઠોડ, ગજેન્દ્ર સિંહ શેખાવત અને બાબા બાલકનાથ દિલ્હીમાં છે. બીજેપી પાર્ટી હાઈ કમાન્ડ દ્વારા ત્રણેય રાજ્યોમાં સીએમને લઈ બેઠકોનો દોર પણ ચાલુ છે. બીજેપીના પ્રભારી અરૂણ સિંહ રાજસ્થાન પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, સંસદીય બોર્ડ નક્કી કરશે કે રાજસ્થાનમાં સીએમ કોણ બનશે?

Advertisement

આ પણ વાંચો -રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારી હત્યા

Tags :
Advertisement

.