WFI: નવી સંસ્થાની માન્યતા રદ થતા બ્રિજભૂષણે કહ્યું - મેં કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી છે અને હવે મારું ધ્યાન..!
કેન્દ્રીય રમત મંત્રાલય દ્વારા રવિવારે એક મહત્ત્વનો નિર્ણય લઈ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ની નવી સંસ્થાની માન્યતાને રદ કરી છે. સાથે જ નવા ચૂંટાયેલા પ્રમુખ સંજય સિંહને (Sanjay Singh) પણ સસ્પેન્ડ કર્યા છે. આ અંગે હવે પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની (Brijbhushan Sharan Singh) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, તેમણે કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી છે અને તેમનું સંપૂર્ણ ધ્યાન આગામી લોકસભા ચૂંટણી પર છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સામે વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ તેમને પદ પરથી હટી જવું પડ્યું હતું.
'મેં કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ લીધી છે'
પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ એ કહ્યું કે, 'મેં 12 વર્ષ સુધી કુસ્તી માટે કામ કર્યું. શું સાચું છે કે ખોટું તેનું મૂલ્યાંકન સમય જ કરશે.' તેમણે કહ્યું કે, 'એક રીતે, મેં કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. મેં કુસ્તીની રમત સાથે નાતો તોડી નાખ્યો છે. હવે જે પણ નિર્ણય લેવાનો છે, સરકાર સાથે વાત કરવી કે કાનૂની પ્રક્રિયા અપનાવવી, તે અંગે હવે ફેડરેશનના ચૂંટાયેલા લોકો નક્કી કરશે.' બ્રિજભૂષણે વધુમાં કહ્યું કે, 'લોકસભાની ચૂંટણી આવી રહી છે અને મારી પાસે પણ ઘણું કામ છે. અત્યારે જે પણ કામ ચાલી રહ્યું છે તેની સાથે મારે કોઈ લેવાદેવા નથી. સરકારની ઈચ્છા અને સુપ્રીમ કોર્ટના આદેશ પર લોકશાહી ઢબે ચૂંટણી યોજાઈ હતી. તમામ સભ્યો ચૂંટાયા છે. હવે તેમણે સરકાર સાથે વાત કરવી છે કે પછી કાયદાકીય સલાહ લેવી છે તે કામ મારું નથી. મારી પાસે બીજું ઘણું કામ છે.'
નવા અધ્યક્ષ સંજય સિંહનો વિરોધ
જણાવી દઈએ કે, તાજેતરમાં ભારતીય કુસ્તી મહાસંઘની (WFI) ચૂંટણી યોજાઈ હતી, જેમાં સંજય સિંહનો વિજય થયો હતો. સંજય સિંહને ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના હોવાનું કહેવાય છે. સંજય સિંહ જ્યારેથી અધ્યક્ષ બન્યા ત્યારથી કુસ્તીબાજોએ તેમની સામે વિરોધ દાખવ્યો છે. સંજય સિંહના અધ્યક્ષ બનતા જ મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે કુસ્તીમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. જ્યારે કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પણ સરકારને પોતાનો પદ્મશ્રી પરત કર્યો હતો.
આ પણ વાંચો - હિન્દી ભાષી લોકો અંગે DMK સાંસદની વિવાદાસ્પદ ટિપ્પણી પર તેજસ્વી યાદવના આકરા બોલ! કહી આ વાત