શ્યામ રંગીલા પર લાગ્યો 11 હજારનો દંડ, પ્રધાનમંત્રીની નકલ ઉતારતી વખતે તોડયા હતા નિયમો
ફેમસ મિમિક્રી આર્ટિસ્ટ શ્યામ રંગીલા પર 11 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રંગીલાને જયપુરના ઝાલાના જંગલ લેપર્ડ સફારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નકલ ઊતરતો વિડીયો બનાવતા વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટના નિયમનું ઉલ્લંઘન કર્યું હતું જેના કારણે આર્ટિસ્ટને નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારે આ મામલે સોમવારે શ્યામ રંગીલા વન અધિકારી કાર્યાલય જયપુરમાં હાજર થયો હતો અને દંડ ભર્યો હતો. જો આર્ટિસ્ટ સમયસર હાજર ન થયો હતો તો તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થઈ સકતી હતી.
રાજસ્થાનના કોમેડિયન અને મિમિક્રી આર્ટિસ્ટ શ્યામ રંગીલા ઘણા ટીવી શોમાં દેખાયા છે. તેમણે 13 એપ્રિલે જયપુરના ઝાલાના જંગલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કર્ણાટકના મુદુમલાઈ અને બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાતની નકલ કરતા એક વીડિયો શૂટ કર્યો હતો.
તે વિડિયોમાં શ્યામ રંગીલા જંગલમાં કારમાંથી નીચે ઉતરીને જંગલી પ્રાણી નીલગાયને હાથ વડે ખોરાક ખવડાવતો જોવા મળ્યો હતો. જે ફોરેસ્ટ એક્ટ 1953 અને વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972ની જોગવાઈઓનું ઉલ્લંઘન હતું.
વન્ય પ્રાણીઓને ખોરાક ખવડાવવાથી અનેક ગંભીર બીમારીઓ થાય છે અને તેમનો જીવ પણ જોખમમાં મુકાય છે. ઝાલાના જંગલમાં વન્યજીવોને ખોરાક ન ખવડાવવા માટે ચેતવણી માહિતી બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આમ છતાં શ્યામ રંગીલાએ નીલગાયને ખોરાક ખવડાવ્યો, ત્યારબાદ તેને નોટિસ આપવામાં આવી.
જેના જવાબમાં શ્યામ રંગીલા સોમવારે જયપુર પ્રાદેશિક વન અધિકારી જનેશ્વર ચૌધરીની સામે હાજર થયો હતો. જ્યાં તેણે તેને માનવીય ભૂલ ગણાવી માફી માંગી હતી. જે બાદ તેને 11,000 રૂપિયાના દંડ સાથે છોડી દેવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં ક્યારેય વન્યજીવોને ખોરાક ન ખવડાવવાની ચેતવણી આપવામાં આવી હતી.